• રવિવાર, 30 જૂન, 2024

સ્પીકરપદ માટે એનડીએ -`ઇન્ડિ' વચ્ચે ટક્કર

18મી લોકસભાની પ્રથમ બેઠકનો સોમવારે આરંભ થઇ  ગયો છે. પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત 262 સાંસદે શપથ ગ્રહણ કર્યા હતા, તો મંગળવારે બાકીના સાંસદોનો શપથવિધિ સંપન્ન થયો હતો. બુધવારે ગૃહના સ્પીકરપદ માટે સંસદીય ઇતિહાસમાં ત્રીજીવાર ચૂંટણી યોજાશે. આથી અગાઉ 1952માં આ હોદ્દા માટે ચૂંટણી થઇ હતી, જેમાં પુરુષોત્તમ માવળંકર સામે વિપક્ષના શંકર શાંતારાવ મોરે ઊભા હતા, તો 1976માં બલિરામ ભગત સામે જનસંઘના જગન્નાથ રાવ જોશી વચ્ચે ટક્કર થઇ હતી. ગુરુવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંસદના બન્ને ગૃહને સંયુક્ત રીતે સંબોધન કરશે. આમ તો લોકસભાનું આ સત્ર વિવિધ ઔપચારિક્તાઓ પૂરી કરવા માટે મળી રહ્યંy છે અને તેમાં કોઇ ખરડો આવશે નહીં કે કોઇ ચર્ચા થશે નહીં. તેમ છતાં વિપક્ષે સત્રના પ્રથમ દિવસે પોતાનું વલણ છતું કરીને અને સ્પીકરપદની ચૂંટણી યોજવાના તખતાએ આવનારા દિવસો સંસદીય કાર્યવાહી માટે વધુ નકારાત્મક બની રહેશે એવા સ્પષ્ટ સંકેત આપી દીધા છે. સોમવારે વડાપ્રધાન મોદીએ સભ્યપદના શપથ લીધા ત્યારે વિપક્ષી સભ્યોએ બંધારણની નકલો લહેરાવી હતી તો શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શપથ લીધા ત્યારે નીટ નીટના અને શરમ શરમના સૂત્રો પોકારીને વિપક્ષે પોતાનાં વલણનો વ્યૂહ છતો કર્યો હતો. વિપક્ષના આવાં વલણ પરથી જણાય છે કે, આગામી પાંચ વર્ષ સંસદ ભારે ધાંધલ - ધમાલભરી બની રહેશે એમાં કોઇ શંકા રહેવા દીધી નથી. બીજી તરફ વડાપ્રધાન મોદીએ પરિપક્વતા બતાવીને તમામ સભ્યોનું અભિવાદન કર્યું હતું. તેમણે વિપક્ષી સાંસદો તેમાં પણ રાહુલ ગાંધીને નમસ્તે કર્યું હતું. સંસદનાં સત્રના આરંભ અગાઉ પત્રકારો સાથે વાત કરતા અમારી સરકાર સહમતીથી ચાલશે, પણ તે માટે દેશને એક જવાબદાર વિપક્ષની જરૂરત રહેશે. ખરેખર તો વિપક્ષે માત્ર વિરોધ અને ધાંધલ કરવાને બદલે ગંભીર ચર્ચામાં ભાગ લઇને તેમને સૂચન આપવા જોઇએ એવો મત મોદીએ વ્યક્ત કર્યો હતો. તેમની લાગણી સ્પષ્ટ છે કે, વિપક્ષ પોતાની જવાબદારી સમજે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા લગભગ બે દાયકાથી સંસદ અને દેશ વિપક્ષની ધાંધલના સાક્ષી છે. આવામાં આ વખતે થોડા મજબૂત બનેલા વિપક્ષ તરફથી રચનાત્મક વલણ લેવાની અપેક્ષા કેટલી ફળીભૂત થાય છે તે સમય જ કહી શકશે. જો કે, જે રીતે વડાપ્રધાને સંસદીય ગરીમાની વાત કરી છે તે જોતાં જે રાજ્યોમાં ભાજપ વિપક્ષમાં છે ત્યાં તેના સભ્યો આ રચનાત્મક વલણ લઇને સંસદમાં વિપક્ષી આચરણ માટે નૈતિક દબાણ ઊભું કરે તે જરૂરી જણાઇ રહ્યંy છે. જો કે, સ્પીકરપદ માટે સર્વસંમતીની શક્યતા હવે ધોવાઇ ગઇ છે. રાહુલ ગાંધીએ ઉપસ્પીકરપદ વિપક્ષને મળે તો ભાજપના સ્પીકરની સામે વાંધો વ્યક્ત ન કરવાનું વલણ જાહેર કર્યું હતું, પણ હવે આ ફોર્મ્યુલા સફળ થઇ નથી. હવે ભાજપના ઓમ બિરલાની સ્પીકરપદની ઉમેદવારી સામે વિપક્ષના કે. સુરેશે ઉમેદવારી નોંધાવતાં લોકસભાના ઇતિહાસમાં સૌપ્રથમ વખત સ્પીકરપદની ચૂંટણી યોજાવાનો તખતો તૈયાર થઇ ગયો છે. આમ સંસદનાં પ્રથમ સત્રથી રાજકીય યુદ્ધરેખા ખેંચાઇ ગઇ છે. છેક 2014થી સંસદના મોટાભાગનાં સત્રોમાં કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષોએ એક યા બીજા કારણોને આધાર બનાવીને કાર્યવાહીને ખોરવવા પોતાની તમામ તાકાત કામે લગાડી હતી. આ વખતે વિપક્ષની થોડી શક્તિ વધી હોવાથી સંસદની કાર્યવાહી લોકશાહી ઢબે ચાલે એવી શક્યતા બહુ ધૂંધળી જણાઇ રહી છે. ખરેખર તો વિપક્ષને ભાન થવું જોઇએ કે, સંસદીય લોકશાહીમાં લોકોના પ્રશ્નો ગૃહમાં ચર્ચા દ્વારા વધુ સારી રીતે ઉઠાવી શકાય છે અને પોતાનો મત વ્યક્ત કરી શકાય છે. ધાંધલ ધમાલથી મુદ્દા કોરાણે મુકાઇ જાય છે અને સંસદનો કિંમતી સમય વ્યર્થ જાય છે. હવે જ્યારે વડાપ્રધાન મોદીએ વધુ એક વખત વિપક્ષને રચનાત્મક જવાબદારી અદા કરવાની અપીલ કરી છે ત્યારે તેનો હકારાત્મક પ્રતિસાદ મળે તે દેશ અને લોકશાહી બન્ને માટે જરૂરી બન્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang