• રવિવાર, 30 જૂન, 2024

લોકશાહી અમર રહે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 18મી લોકસભાનાં પહેલાં સત્રના પ્રારંભે કહ્યંy છે કે, 25મી જૂને ભારતની લોકશાહી પરનાં કલંકને 49 વર્ષ પૂરાં થાય છે. દેશની નવી પેઢી ક્યારેય નહીં ભૂલે કે, ભારતનાં બંધારણને તે દિવસે જાણે અવમૂલ્ય, અપમાનથી નકારવામાં આવ્યું હતું. તેના ધજાગરા ઉડાવવામાં આવ્યા હતા. હવે આવું કોઈ નહીં કરી શકે, તે દિવસે પૂરા દેશને જેલખાનું બનાવાયું હતું. લોકશાહીનો અવાજ રૂંધવામાં આવ્યો હતો. મોદીએ આમ કહીને ઈન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીની યાદ તાજી કરીને `સંવિધાન'ની કોપી હાથમાં લઈને `સંવિધાન બચાવો'નાં સૂત્રો પોકારીને નાટક કરતા વિપક્ષી સભ્યોને જવાબ આપ્યો છે! આપણે હવે બંધારણના માર્ગે સામાન્ય માનવીનાં સપનાં પૂરાં કરવાનાં છે. આપણે એક જીવંત લોકશાહીનો સંકલ્પ લઈશું, એમ પણ તેમણે ભારપૂર્વક જણાવ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પાંગળો બચાવ કરતાં સલાહ આપી છે કે, સરકારે કટોકટીને યાદ કરવાને બદલે વર્તમાન મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. કટોકટી લદાયાને 50 વર્ષ થઈ ગયાં હોવાથી અત્યાચાર ભૂલી જવાય? શું કોંગ્રેસ એમ પણ કહેશે કે, દેશવાસીઓએ ભારતનું વિભાજન પણ ભૂલી જવું જોઈએ? કેટલાક પક્ષો એવું વિચારી રહ્યા છે કે, બંધારણની નકલો લહેરાવાથી દેશ કટોકટીના દિવસો ભૂલી જશે અને એ પણ ભૂલી જશે કે, આ દરમિયાન વિપક્ષ, મીડિયા અને નાગરિક અધિકારોનું ભયાનક દમન કરવાની સાથે કેવી રીતે બંધારણ સાથે ચેડાં કરવામાં આવ્યાં હતાં અને આ ક્રમમાં ન્યાયતંત્રને પણ ડરાવવામાં, ધમકાવવામાં આવ્યું હતું? બહેતર એ રહેશે કોંગ્રેસ અને તેના સાથી બનેલા વિપક્ષો બંધારણની પ્રસ્તાવના વાંચી લે, જેથી તેઓ માહિતગાર બની શકે કે, કેવી રીતે કટોકટી પહેલાં અને પછી બંધારણનું સ્વરૂપ જ બદલવાના પ્રયાસો થયા હતા. છેલ્લા કેટલાક સમયથી રાહુલ ગાંધી સતત બંધારણની એક નકલને જાહેરમાં લહેરાવીને દાવો કરે છે કે, કોંગ્રેસ જ બંધારણ અને લોકતાંત્રિક મૂલ્યોની વાસ્તવિક સંરક્ષક છે, જ્યારે સચ્ચાઈ છે કે, કોંગ્રેસે કટોકટી દરમિયાન બંધારણના આત્માને બંદીવાન બનાવીને ક્ષતિ પહોંચાડવામાં કોઈ કસર નહોતી છોડી. કટોકટીના દોરમાં ભારતને ફાસીવાદી રાષ્ટ્રમાં બદલનારાઓએ ક્યારેય પણ ભૂલવું નહીં જોઈએ તેઓ માફીને પાત્ર નથી. મહત્ત્વનો સવાલ એ પણ છે કે, જે પક્ષના લોકોએ કટોકટીમાં દરેક પ્રકારના ત્રાસ ગુજાર્યા તેઓનો હવે શું લોકતંત્રની રક્ષાનો દાવો વિશ્વસનીય માની શકાય? લોકતંત્રમાં એક સમયે લોકતાંત્રિક મૂલ્યોની બલિ ચઢાવનારા કેટલાક સમય પછી ખુદને તેના રક્ષકનાં રૂપમાં રજૂ કરી શકે છે? આને ભારતની લોકશાહી પરનો ક્રૂર અને વિકૃત વિનોદ જ કહેવો પડે. ઇમર્જન્સી પછી જનતા પાર્ટીની સરકાર આવી અને વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈએ સંસદીય લોકશાહીની ગરિમા અને દેશની આઝાદીને આંચ આવે નહીં તેવા સુધારા કર્યા. વર્તમાન સરકાર સંવિધાનનાં રક્ષણ અને ભ્રષ્ટાચારીઓ સામે લડી રહ્યા છે ત્યારે વિરોધીઓ સંવિધાનની કોપી હાથમાં લઈને ઢાલ બનાવી રહ્યા છે. સંસદના પ્રથમ દિવસે જે રીતે સંવિધાનનો ઉપયોગ સત્તાનો સ્વાર્થ સાધવા માટે થઈ રહ્યો છે, તે દૃશ્ય દેશ અને દુનિયાએ જોયાં છે. સંસદની કાર્યવાહીમાં અસહકાર કરીને સંવિધાનનો આદર થાય છે?

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang