• રવિવાર, 30 જૂન, 2024

કેન્યામાં પોલીસ-દેખાવકારો વચ્ચે ઘર્ષણ

નવી દિલ્હી, તા. 27 : કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રૂટો દ્વારા વેરાવધારાનું બિલ પસાર કરવા બાબતે થયેલા ઉગ્ર દેખાવો અને ઘાતક હિંસા પછી વિવાદિત બિલને પરત ખેંચ્યા બાદ પણ આજે ફરી એક વખત વિરોધકર્તાઓએ રસ્તા પર ઊતરી અને પ્રદર્શનો કર્યા હતા, જેને અટકાવવા પોલીસે નૈરોબી ખાતે પ્રદર્શનકર્તાઓ પર રબરની ગોળીઓ તથા અશ્રુગેસ છોડયા હતા. રૂટોની સરકારના તંગ વાતાવરણમાં દેખાવકારો સામે કડક પગલાં લેવા અને તેમને સંવાદ માટે બોલાવવાના અવઢવભર્યા વલણ વચ્ચે યુવાનોની આગેવાની હેઠળ પ્રદર્શનકર્તાઓએ ભારે દેખાવ કર્યા હતા, જેમાં પોલીસ અધિકારીઓએ રબરની ગોળીઓ અને અશ્રુગેસ છોડવા ઉપરાંત સાત લોકોની ધરપકડ કરી હતી. આ ઉપરાંત વિરોધીઓએ મોમ્બાસા શહેરમાં પણ રસ્તા બંધ કરીને દેખાવ કર્યા હતા. નૈરોબી ખાતે વિવાદાસ્પદ વેરા વધારાના બિલ પસાર કરવાના વિરોધમાં આયોજિત પ્રદર્શનો પહેલાં જ ભારે સુરક્ષા તૈનાત કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિએ આ બિલ પર હસ્તાક્ષર ન કરવાનો નિર્ણય લીધો હતો. કારણ કે રાજધાનીમાં અરાજકતા ફેલાઇ હતી અને દેખાવકારોએ સંસદ ભવનના એક વિભાગ પર હુમલો કરીને તેને આગ ચાંપી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang