• રવિવાર, 30 જૂન, 2024

રોહિત સેના ફાઈનલમાં

ગુયાના, તા. 28 : વરસાદના વિઘ્નને લઇને મોડી શરૂ થયેલી ટી-20 વર્લ્ડકપની ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી સેમિફાઇનલ મેચમાં રોહિતસેનાએ ઇંગ્લેન્ડને કચડી 68 રને જીત મેળવી ફાઇનલમાં પહોંચી છે. અક્ષર અને કુલદીપની સ્પિનની જાળમાં ઇંગ્લેન્ડના બેટધરો ફસાતાં 172ના લક્ષ્યાંક સામે 16.4 ઓવરમાં 103 રન જ કરી શકી હતી. અક્ષર અને કુલદીપે ત્રણ-ત્રણ જ્યારે બુમરાહે બે વિકેટ ખેરવી હતી. ભારતના 172ના લક્ષ્યાંકના જવાબમાં ઇંગ્લેન્ડ તરફથી ઓપનિંગમાં આવેલા કેપ્ટન જોસ બટલર અને ફિલ સોલ્ટ આવ્યા હતા અને ત્રણ ઓવરના અંતે ઇંગ્લેન્ડના 26 રન પર ચોથી ઓવરના પ્રથમ દડે અક્ષરે બટલર (23)ને પંતના હાથમાં સપડાવ્યો હતો, જ્યારે પાંચમી ઓવરમાં બુમરાહે સોલ્ટ (5)ને ક્લીનબોલ્ડ કરી નાખતાં સ્ટેડિયમ ગૂંજી ઊઠયું હતું, જ્યારે ફરી છઠ્ઠી ઓવરના પ્રથમ દડે જ અક્ષર પટેલે જોની બેયરસ્ટોને શૂન્ય રને પેવેલિયન ભેગો કર્યો હતો. આઠમી ઓવરના પ્રથમ દડે ફરી અક્ષરે મોઇન અલી (8)ને સ્ટમ્પઆઉટ કર્યો હતો. નવમી ઓવરના પ્રથમ દડે કુલદીપે સેમ કરનને એલબી ડબલ્યુ કર્યો હતો. ઇંગ્લેન્ડના 71 રને 13મી ઓવરમાં કુલદીપે જોર્ડન (એક રને) એલબીડબલ્યુ આઉટ કર્યો હતો, 15મી ઓવરમાં લીવિંગસ્ટોન 11 રને અને 16મી ઓવરમાં આદિલ રશીદ બે રને રનઆઉટ થયા હતા. 17મી ઓવરમાં 103ના સ્કોરે જોફ્રા આર્ચર (21)ને બુમરાહે એલબીડબલ્યુમાં સપડાવી ભારતને 68 રને વિજય અપાવ્યો હતો. આ અગાઉ સેમિફાઇનલ માટે ભારત અને ઇંગ્લેન્ડે પોતપોતાની ટીમ જાળવી રાખી હતી. ઈંગ્લેન્ડે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારત વતી મેદાને ઊતરેલા કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ સારી શરૂઆત કરી હતી, પરંતુ કોહલી ઝડપભેર આઉટ થયો હતો, જ્યારે શર્માએ એક છેડો સંભાળ્યો હતો. ત્યારબાદ બેટિંગમાં ઊતરેલો પંત પણ છ દડામાં પેવેલિયનમાં પરત ફર્યો હતો. રોહિતે તેની કેપ્ટન ઈનિંગ્સથી ઈંગ્લેન્ડના બોલરોને હંફાવ્યા હતા, તો ફોર્મમાં રહેલા સૂર્યકુમાર યાદવે પણ તેનો સાથ નિભાવ્યો હતો. આઠ ઓવરમાં બે વિકેટે 65 રન થયા હતા, તે વેળાએ જ વરસાદે ફરી વિઘ્ન સર્જ્યું હતું. જો કે, થોડી મિનિટો બાદ ફરી મેચ શરૂ થઈ હતી. રોહિત 39 દડામાં છ ચોગ્ગા અને બે છગ્ગા સાથે 57 રન બનાવી આદિલનો, જ્યારે 36 બોલમાં 47 રન બનાવી સૂર્યાકુમાર યાદવ આર્ચરનો શિકાર થયો હતો. હાર્દિક પંડયાએ 13 બોલમાં 23 રનની ઇનિંગ્સ રમી હતી. ઇંગ્લેન્ડ તરફથી ક્રિસ જોર્ડને ત્રણ ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang