• રવિવાર, 30 જૂન, 2024

રોષે ભરાયેલા ગૌરક્ષકોનાં મૃત ગૌવંશ સાથે ભુજ સુધરાઈમાં ધરણા

ભુજ, તા. 27 : ગઈકાલે દાદુપીર રોડ પર ગટરમાં પડી જતા મૃત્યુ પામેલી ગાયના મૃતદેહને ભુજ સુધરાઈ કચેરી ખાતે લઈ આવી ગૌરક્ષકો દ્વારા રોષપૂર્વક રજૂઆત કરી આ બાબતે જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ સાથે નારા લગાવ્યા હતા. ભુજના દાદુપીર રોડ પર ખુલ્લી ગટરમાં પડી જતાં ગૌવંશ મોતને ભેટયો હતો. બનાવની જાણ થતાં ગૌરક્ષકો બનાવના સ્થળે ધસી ગયા હતા. સાથોસાથ સુધરાઈની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગૌવંશને બહાર કાઢવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. જો કે પડી જતા ઈજાને પગલે ગૌવંશ મોતને ભેટતા ગૌરક્ષકો અને જીવદયાપ્રેમીઓમાં ભારે નારાજગી ફેલાઈ હતી. અગાઉ પણ આવી ઘટના ઘટી ચૂકી હોવા છતાં અને સુધરાઈના મુખ્ય અધિકારીને વારંવાર રજૂઆત છતાં કોઈ ઠોસ કાર્યવાહી ન કરાતા નારાજ ગૌરક્ષકો આજે સવારે ગૌવંશના મૃતદેહ સાથે સુધરાઈ કચેરીએ ધસી જઈ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ જ્યાં સુધી જવાબદારો સામે એફઆઈઆર ન નોંધાય ત્યાં સુધી સ્થળ પરથી ન હટવા સ્પષ્ટ જણાવ્યું હતું. ગૌરક્ષકોના જણાવ્યા મુજબ અગાઉ પણ આવા બનાવ સંદર્ભે ભુજ સુધરાઈના મુખ્ય અધિકારીનું વારંવાર ધ્યાન દોરવા છતાં કોઈ નક્કર કામગીરી ન કરાતા વધુ એક ગૌવંશ મોતના મુખમાં ધકેલાયો હતો. ગૌરક્ષકોની ઉગ્ર માંગને પગલે આજે ગટરનું ઢાંકણું ચોરનારની સાથોસાથ ગૌવંશને જાહેરમાં ખુલ્લો મુકનાર સામે એફઆઈઆર સહિતની કાર્યવાહી કરવાની ખાતરી અપાતા ગૌરક્ષકોનો રોષ શાંત પડયો હતો. વરસાદ શરૂ થઈ ગયો છે ત્યારે યોગ્ય નિકાલના અભાવે શેરી અને વિવિધ વિસ્તારોમાં ભરાતાં પાણી કાઢવા લોકો માર્ગો પરની ગટરના ઢાંકણા ખોલી નાખે છે. જેથી વાહનચાલકો, વટેમાર્ગુઓ માટે જોખમ સર્જાય છે. આ માટે સુધરાઈ યોગ્ય પગલા ભરી પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ શોધે તેવી માંગ ઉઠી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang