• રવિવાર, 30 જૂન, 2024

કચ્છનાં મહેસૂલ તંત્રમાં ગેરરીતિની ગંધ એ.સી.બી. સુધી પહોંચી ?

ગિરીશ જોષી દ્વારા

ભુજ, તા. 27 : રાજકોટમાં અગનકાંડનો બનાવ બન્યા પછી સરકારી તંત્રની લોલંલોલ બહાર આવ્યાની ઘટના તાજી છે, ત્યારે કચ્છમાં જિલ્લા મથક ભુજ સહિત દરેક તાલુકામાં મહેસૂલ તંત્રમાં કથિત ભ્રષ્ટાચારનો મુદ્દો ચર્ચામાં છે. ધીકતી કમાણી વચ્ચે બાબુઓનું અંગત જીવનધોરણ પણ મહેસૂલી કામો ઉપર નક્કી થતું હોવાના આક્ષેપ થઇ રહ્યા છે. એ દરમ્યાન રેવન્યૂનાં કામો અર્થે સંકળાયેલા વકીલો કહે છે કે, રેસ્ટોરન્ટની જેમ કામોનું ભાવ બાંધણું છે, ત્યારે છેલ્લા બે-ત્રણ દિવસથી સરકારની સતર્કતાનાં કારણે એ.સી.બી.ની ટીમ ફરે છે, તેવા અંદરોઅંદર થતા ગણગણાટે છાનો ભય સર્જ્યો છે. આ તમામ મુદ્દે કચ્છના મહેસૂલી વડા કલેક્ટર અમિત અરોરાએ પણ કબૂલ્યું હતું કે, સરકારની ભ્રષ્ટાચાર મુદ્દે કડક ચેતવણી મળી છે. સામાન્ય-નાનો માણસ હોય કે એક ઉદ્યોગપતિ મહેસૂલી કામની એક વખત આંટીઘૂંટીમાં ફસાયા પછી બહાર નીકળે ત્યારે જ હાશકારો અનુભવે છે. સરકારી જમીન મેળવવા માટે 15 વર્ષ પહેલાં અરજીઓ કરનારા કચ્છના અરજદારો પાસેથી વળી છ મહિને નવા-નવા અભિપ્રાય મગાવાયા રાખે છે, પણ જમીન ક્યારે મળશે એ ખુદ અરજદારોને જ ખબર નથી. કેટલીક જ્ઞાતિઓએ જ્ઞાતિનાં છાત્રોના ઉચ્ચ અભ્યાસ કરાવવા છાત્રાલય બનાવવાની માગણી કરી છે, પરંતુ 15 વર્ષ પછી અધૂરાશના નવા કાગળો આવે છે. અહીંના તંત્ર તરફથી એકસામટી અધૂરાશની વિગતો મગાવવામાં આવતી નથી, તેવું જાણવા મળ્યું હતું. મહેસૂલ તંત્રમાં રોજબરોજના ખાસ કરીને બિનખેતી, માપણી વધારો, હેતુફેર, નવીમાંથી જૂની શરત, 37/2ની કલમ, સ્ટેમ્પ ડયૂટી, ખેડૂત ખાતેદારના દાખલા, વારસાઇ દાખલ કરવાની અરજીઓ, આવાં કામોમાં કચ્છનો અરજદાર અટવાયેલો હોવા છતાં સમયસર કામો થતાં નથી. એક બાજુ મોટાભાગની મહેસૂલી વ્યવસ્થા ઓનલાઇન હોવા પછી પણ ફાઇલો રૂબરૂમાં તો આપવી જ પડે છે. મહેસૂલી કામના કેસ સંબંધે અરજદાર તરીકે રોકાયેલા વકીલોએ પોતાનાં નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, નકારાત્મક વલણ અને જવાબદારીની ફેંકાફેંકનો ભોગ અરજદારો બને છે. રાજ્યમાં સૌથી મોટી મહેસૂલી જટિલ કામગીરી કચ્છમાં છે છતાં મોટી વાતો થાય છે. સરકાર તરફથી હકારાત્મક અભિગમ માટે અપીલ કરાય છે, પણ બાબુઓની માનસિકતા કોઇ?બદલી શકતું નથી, તેવું ધારાશાત્રીએ જણાવ્યું હતું. અરજદારોને ખેડૂત ખાતેદારનો દાખલો લેવો હોય તો વકીલ રાખવો પડે, ઓનલાઇન અરજી જેમાં અરજદારની જૂની પેઢીઓ ખેડૂત કેવી રીતે બની તે સાબિત કરી રૂા. બે હજાર ઓનલાઇન ભરવા પડે, વકીલની ફી રૂા. પાંચ હજાર અને આટલું કર્યા પછી પહેલી વખત અરજી અધૂરાશ હેઠળ દફતરે થાય, પાછળથી વકીલ નીચેની કક્ષાએ સંપર્ક કરે અને `પ્રસાદી' નક્કી થઇ?ગયા બાદ નવેસરથી અરજી થાય ત્યારે દાખલા મળે છે, તેવો સીધો આક્ષેપ કરવામાં આવ્યો હતો ને 7/12માં ભલે ગમે તેટલાં નામો હોય દરેક નામની અલગ અરજી અને બે હજાર અલગ-અલગ ભરવા પડે છે. બિનખેતીમાં તો વ્યાપક ગેરરીતિ થતી હોવાના આક્ષેપ ઊઠે છે. બિનખેતીના ટેબલથી માંડી ઉપર સુધી એક જ માણસ પાસે જવાબદારી હોવાથી જ્યાં સુધી ફાઇલ દીઠ દોઢથી બે લાખ?નક્કી ન થાય ત્યાં સુધી ગ્રીન સિગ્નલ મળતું નથી, એમ જાણકાર સૂત્રોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું. અપીલના કેસમાં મોટાભાગે અરજીઓ નામંજૂર થતાં અરજદારોને સચિવ અથવા હાઇકોર્ટમાં જવું પડે છે. વકીલોના કહેવા પ્રમાણે માપણી વધારો એ કલમ માત્ર કચ્છમાં જ લાગુ પડે છે. ભૂતકાળમાં સરકારી તંત્રની ભૂલનો ભોગ અરજદારો બને છે. 1975માં માપણી થઇ ગયા બાદ અરજદારના 7/12માં દર્શાવાયેલી જમીન કરતાં કબજો વધારે હોવાથી જે તે વખતે તંત્રે કોઇ નિવેડો નહીં લાવતાં અત્યારે અરજદારોને વર્તમાન જંત્રીની કિંમત ભરવી પડે છે. જો જે-તે વખતે રકમ ભરાવી દેવામાં આવી હોત તો સાવ મામૂલી રકમ થઇ હોત. માપણી વધારાનાં નામે સમય અને હાલાકી વગેરેનો સામનો કચ્છનો અરજદાર કરે છે છતાં નવાઇની વાત એ છે કે, આ મુદ્દે કચ્છના ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ પણ સરકારમાંથી કોઇ હકારાત્મક નિવેડો લાવવા સામૂહિક રજૂઆત કરતા નથી. જાગૃત ધારાશાત્રીએ જણાવ્યું હતું કે, માપણી વધારો ક્યાં, કેટલો છે એ તંત્ર પાસે માહિતી છે, ભૂતકાળની રકમ પ્રમાણે એક વખત ઝુંબેશ કરી રકમ ભરપાઇ કરાવી દેવાય તો પ્રશ્નનો નિકાલ થઇ?જાય તેમ છે. વકીલે જણાવ્યું કે, હવે તો દરેક ટેબલ પ્રમાણે ભાવ અને કામ થાય છે. હું મારું કામ કરી ફાઇલ આગળ મોકલી આપું છે, આગળ જોઇ લેજો એવો તાલ રોજિંદો હોવાથી કોઇ અંકુશ રહ્યો નથી. પેટ્રોલ પંપની માગણી કરતી અરજીઓમાં અરજદારે લાયસન્સ લેવા પડે છે, તેના માટે સર્કલ, મામલતદાર કચેરી, પ્રાંત, દરેક સ્થળે ફરી `પ્રસાદી' ધરાય પછી જ લાયસન્સ મળે છે, તેવું પણ માગણી કરનારાઓએ જણાવ્યું હતું. આવું જ જમીનના હેતુફેર માટે થાય છે. હેતુફેરની અરજી આવે એટલે લાંબો સમય નિકાલ આવતો નથી ને આખરે `વહીવટ' થાય તો નિકાલ આવે છે. બીજી બાજુ કચ્છના મહેસૂલ તંત્રમાં ભ્રષ્ટાચાર મોટા પ્રમાણમાં થાય છે, તેની જાણ લાંચ રુશ્વત વિભાગને થઇ હોવાથી એ.સી.બી.ની ટીમોના આંટા ચાલુ થઇ ગયા હોવાની ગંધ ખુદ રેવન્યૂ કર્મીઓને પહોંચી જતાં એકબીજાને સતર્ક રહેવાની સલાહ આપતો ગણગણાટ પણ જોવા મળી રહ્યો છે અને ટીમો અમદાવાદથી આવી હોવાનું જાણવા મળ્યું છે. ક્યાંક એજન્ટોને પણ હમણા નહીં આવવા જણાવી દેવાયું હતું. ગેરરીતિનો `વહીવટ' સરકારના બે ઇજનેર મારફતે થઇ રહ્યો હોવાની સરકારમાં ઉચ્ચકક્ષાએ જાણ થઇ છે. એવું નથી, લેખિતમાં કચ્છનો હેવાલ આપવામાં આવ્યો હોવાથી સરકાર તરફથી પણ કચ્છમાં નજર રાખવાની સૂચના મળી છે. મીઠાંની લીઝ રિન્યૂ થતી નથી, પરંતુ જે ચાલુ છે તેના હકારાત્મક અભિપ્રાય કે સરકારમાંથી નવી અરજી પાસ કરાવવા, રિન્યૂ કરાવવા ગાંધીધામના અરજદારોની રીતસર રોજ લાઇનો જોવા મળે છે અને આ કામ માટે સૌથી ઊંચા ભાવ બોલાતા હોવાનું જાણવા મળ્યું હતું. દરમ્યાન, આ તમામ ફરિયાદને ધ્યાને લઇ કલેક્ટર અમિત અરોરા સમક્ષ મુદ્દા આપવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે, સરકાર તરફથી કડક સૂચના છે કે ગેરરીતિ ચલાવી લેવાશે નહીં. મેં પોતે પણ અમારી બેઠકમાં કર્મચારી-અધિકારીઓને- તમામને સૂચના આપી છે કે, ફરિયાદ આવશે તો પગલાં લેવામાં આવશે. મારી પાસે સીધી કોઇ વિગતો આવી નથી, પણ ચર્ચાય છે એવું જણાવતાં કલેક્ટર શ્રી અરોરાએ કહ્યું કે, પૂરતી તકેદારી રાખી ભ્રષ્ટાચાર થતો હશે તો કડક હાથે કામ લેવામાં આવશે.

મહેસૂલી કામના રીતસર ભાવ પણ બોલાય છે

ભુજ, તા. 27 : મહેસૂલ તંત્રમાં કામ કરવા માટે ક્યાં, કેટલી `પ્રસાદી' ધરવી પડે છે તેની બિનસત્તાવાર રીતે મળેલી વિગતો જાણવી રસપ્રદ છે.

*       બિનખેતી માટે  1.50 લાખથી બે લાખ

*       ખેડૂત ખાતેદાર દાખલો 15 હજાર

*       હેતુફેર માટે 1.25થી બે લાખ

*       માપણી વધારો  25થી 50 હજાર

*       સ્ટેમ્પ ડયૂટી ચહેરા પ્રમાણે

*       37/2 કલમ ત્રણ લાખથી વધારે

*       લાયસન્સ મેળવવા 25થી 50 હજાર

*       મીઠાંના પ્લોટ 2થી 5 લાખ

 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang