• ગુરુવાર, 09 જાન્યુઆરી, 2025

કંડલાને 57 હજાર કરોડના વિકાસકામોની સોગાદ

ઉદય અંતાણી અને કુલદીપ દવે દ્વારા :  ગાંધીધામ, તા. 7 : સ્વચ્છ ગાંધીધામ, આદર્શ ગાંધીધામ માટે પોર્ટ પ્રશાસન કટિબદ્ધ રહેશે. આ ઉપરાંત વિકસિત માળખાકીય  સુવિધા સાથે કંડલા પોર્ટ આગામી ત્રણ વર્ષોમાં મેગા ટર્મિનલ પોર્ટ બનવા માટે આગેકૂચ કરશે તેવું કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલે ડીપીએના હરિતઉર્જા સહિતના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમારંભમાં જણાવ્યું હતું. ગ્રીન હાઈડ્રોજન હબ બનવાની દિશામાં દીનદયાળ પોર્ટ એ પ્રથમ પગલાંનો આરંભ કર્યો છે. શિપિંગ મંત્રીએ કંડલા મહાબંદરના  ભાવિ આયોજનો પૈકી 57 હજાર કરોડના નવા બે પ્રકલ્પ આકાર પામશે તેવી જાહેરાત કરી હતી, જે પૈકી ક્રીક બહાર રૂા. 27 હજાર કરોડના ખર્ચે નવું મેગા ટર્મિનલ પોર્ટ અને રૂા.30 હજાર કરોડના ખર્ચે શિપ બિલ્ડીંગ પ્રોજેક્ટ સામેલ છે. મેઘપર બોરીચી વિસ્તારમાં  આવેલા હોલીડે રીસોર્ટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં  ગુજરાતી ભાષામાં કેમ છો કહી  ઉદબોધનની શરૂઆત કરનાર કેન્દ્રીય શિપિંગ મંત્રીએ જણાવ્યું હતુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં છેલ્લા 10 વર્ષમાં અનેક બદલાવ આવ્યા છે. અને દેશ વિકાસની ગતિએ આગળ ધપવા સાથે અનેક કિર્તીમાન સિધ્ધી હાંસલ થઈ છે. બંદરો દેશના આર્થિક વિકાસ માટે  મોટું યોગદાન આપી રહયા છે. દેશના  વિકાસરથમાં ગુજરાત રાજયનું નોંધપાત્ર યોગદાન છે.  ગુજરાતમાં કંડલા પોર્ટની સાથોસાથ  ખાનગી પોર્ટ  વિકસી રહયા છે. બીજી વખત કચ્છની મુલાકાતે આવેલા કેન્દ્રીય શિપીંગ મંત્રીએ ઉમેર્યું હતું દેશના વડાપ્રધાન ગ્રીન હાઈડ્રોજન  ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રીત કર્યું છે, ત્યારે આગામી દિવસોમાં કંડલા પોર્ટ ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્રેઁ દેશનું હબ બનશે. તેમણે જણાવ્યું હતું કે ડીપીએ દ્વારા ક્રીક બહાર બીજું મેગા ટર્મિનલ પોર્ટ  બનાવવાનો નિર્ણય શિપિંગ મંત્રાલય દ્વારા લેવાયો છે.  તેમણે વધુમાં જણાવ્યું હતું કે  ડીપીએ આગામી સમયમાં મેગા ટર્મિનલ પોર્ટ બનશે. ચાલુ નાણાકીય વર્ષમાં 150 મિલિયન મેટ્રીક ટન કાર્ગો હેન્ડલ કરવા માટેનો લક્ષ્યાંક  છે અને આગામી ત્રણ વર્ષમાં પોર્ટ 300 મિલિયન મેટ્રીક ટન કાર્ગો હેન્ડલીંગ કરશે તેવું જણાવ્યું હતું. 13 નંબરની જેટી પછી ક્રીક બહાર દક્ષિણ દિશામાં નવા ટર્મિનલ બનાવવામાં આવશે. ત્યાર બાદ હાલની કાર્ગો જેટીને  ઓઈલ જેટીમાં તબદીલ કરવાનું પણ આયોજન  હોવાની માહિતી અપાઈ હતી. જેના થકી  લીક્વિડ પ્રવાહીનું પરિવહન ઝડપી બનશે અને ઓઈલ જહાજોનું  વેઈટીંગ ઓછું થશે. ભારત શિપ બિલ્ડીંગ ક્ષેત્રે વિશ્વના ટોપ 10 દેશમાં સ્થાન  મેળવવા માટે સક્રિય  છે ત્યારે દીનદયાળ પોર્ટ દ્વારા શિપ બિલ્ડીંગ ક્ષેત્રે આગળ કામગીરી શરૂ કરી હોવાનું જણાવ્યું હતું. પોર્ટ વિકાસગાથાનું તમામ શ્રેય તેમણે પોર્ટ વપરાશકારો અને પોર્ટ પ્રશાસનને આપ્યો હતો. ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતુ કે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણથી દેશનું અગ્રહરોળનું કંડલા પોર્ટ વિકાસની નવી ઉંચાઈ ઉપર જશે. સ્વચ્છ ગાંધીધામ અને  સુંદર ગાંધીધામની પરીયોજના સાકાર માટે પોર્ટ દ્વારા અંદાજીત 11 કરોડના ખર્ચે વેસ્ટ રીસાયકલીંગ પ્લાન્ટ આપવા  બદલ આભારની લાગણી વ્યકત કરી હતી. ગાંધીધામના વિકાસ   સ્પર્શતા અનેક  પ્રકલ્પો માટે  પોર્ટ દ્વારા સી.એસ.આર. તળે અનેક પ્રકારે યોગદાન આપ્યું છે. ગાંધીધામના બસ સ્ટેશન માટે નિર્માણના કાર્ય માટે પણ પોર્ટ પ્રશાસન દ્વારા 25 લાખનું અનુદાન અપાયું છે. પોર્ટની સાથોસાથ  ગાંધીધામ પણ વિકાસની નવી ઉંચાઈએ જશે તેવો તેમણે આશાવાદ વ્યકત કર્યો હતો. આજના દિવસને ઐતિહાસિક ગણાવતા ડીપીએ  ચેરમેન સુશીલકુમાર સિંઘે  જણાવ્યું હતું કાર્ગો હેન્ડલીંગ ક્ષેત્રે પોર્ટે  અનેક સિધ્ધી હાંસલ કરી છે, જે પ્રકારે પોર્ટમાં ઈન્ફ્રાસ્ટ્રકચરનો વિકાસ થઈ રહયો છે. તેને જોતાં આગામી સમય ફરી પ્રથમ નંબરે આવશે. વર્ષના અંત સુધીમાં 150 એમ.એમ.ડી. કાર્ગો હેન્ડલીંગ થશે. આગામી વર્ષે આ આંક 170 એમ.એમ.ડી. સુધી પહોંચશે. વધુમાં તેમણે કહયું હતું કે, વિશ્વના ટોચના પોર્ટનું અધ્યયન કરી તે મુજબની સુવિધાઓ વિકસાવવા માટે કાર્ય થઈ રહયું છે. પ્રશાસન પોર્ટના વિકાસના અવનવા વિચારનો સ્વીકાર કરવા તૈયાર છે. ગ્રીન એનર્જી  ટેકનોલોજી ક્ષેત્રે સેન્ટર ઓફ એકસેલન્સના પાયાનું માધ્યમ બનીને ઉભરશે.કાર્યક્રમના પ્રારંભમાં ડીપીએના  ડેપ્યુટી ચેરમેન નંદિશ શુકલાએ સ્વાગત પ્રવચન અને આભારવિધિ કરી હતી. આ પ્રસંગે મંચ ઉપર કંડલા કસ્ટમ કમિશનર એમ. રામમોહન રાવ ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમમાં  મહેમાનોની ઉપસ્થિતિમાં ગ્રીન હાઈડ્રોજન બસોની ગતિશીલતા માટે એન.ટી.પી.સી.  સાથે એમ.ઓ.યુ.  તથા  એક મેગાવોટ  હાઈડ્રોજન ડેમોન્સ્ટેશન પ્લાન્ટ માટે એલએન્ડટી સાથે કરાર  ઉપર હસ્તાક્ષર થયા હતા. સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર ગ્રીન હાઈડ્રોજન તથા સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર ગ્રીન મેરીટાઈમ ફયુલર્સના પ્રકલ્પના ખાતમુહુર્ત કરાયું હતું. પોર્ટ વિકાસને ગતિ આપતા  પ્રકલ્પ પૈકીના કાર્યક્ષમ કાર્ગો હેન્ડલીંગ માટે હાર્બર મોબાઈલ ક્રેર્ન્સ, સુવ્યવસ્થિત કામગીરી માટે ઓઈલ જેટી નં. 8 ખાતે ટેલિસ્કોપિક ગેંગ વે, સ્પીડ બોટ, ગાંધીધામમાં તૈયાર થયેલા વેસ્ટ રીસાયકલીંગ પ્લાન્ટ અને  ગોપાલપુરી ખાતે ડીપીએ દ્વારા તૈયાર થયેલ કેન્દ્રીય વિદ્યાલય શાળાની ઈમારતનું લોકાર્પણ થયુ હતું. બાયો મેથોનોલની માર્ગદર્શિકા પુસ્તકનું પણ મહેમાનોના હસ્તે વિમોચન કરાયું હતું. આ વેળાએ  વારસદારોને નિમણૂક માટેના નિમણૂકપત્રો પણ અપાયા હતા. કાર્યક્રમમાં ચેમ્બર પ્રમુખ મહેશભાઈ પુંજ, પૂર્વ પ્રમુખ તેજાભાઈ કાનગડ, રીશી શિપીંગના બી.કે. મનસુખાણી  સહિતના અગ્રણીઓ હાજર રહયા હતા.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd