આનંદ કે. વ્યાસ તરફથી : નવી દિલ્હી, તા. 7 : દિલ્હીમાં
70 વિધાનસભાની બેઠક માટેની ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે, મતદાન પાંચમી ફેબ્રુઆરીએ
થશે અને ચૂંટણી પરિણામ આઠમી ફેબ્રુઆરીએ જાહેર થશે. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ
કુમારની આ છેલ્લી પત્રકાર પરિષદ હતી, તેમણે જણાવ્યું હતું કે, 10મી જાન્યુઆરીથી નામાંકન
અને અરજી ભરી શકાશે તેમજ નામાંકન ભરવાની છેલ્લી તારીખ 17મી જાન્યુઆરી અને નામાંકન પાછા
ખેંચવાની છેલ્લી તારીખ 20મી જાન્યુઆરી છે,
દિલ્હીમાં છેલ્લા કેટલાક વર્ષથી આપનું પ્રભુત્વ છે, જેની સામે પડકાર ફેંકવા
ભાજપ પ્રયત્નશીલ છે. આ સાથે દિલ્હીમાં આચારસંહિતા લાગુ થઇ ગઇ છે. કુમારે જણાવ્યું હતું
કે, દેશની રાજધાનીના 1.55 કરોડ દિલ્હીવાસી માટે 13,033 મતદાન કેન્દ્ર ઊભાં કરાયાં છે.
ચૂંટણી કમિશનર રાજીવકુમારે જણાવ્યું હતું કે, મને આશા છે કે, દિલ્હીવાસીઓ દિલથી મતદાન
કરશે. મતદાનનો દિવસ બુધવાર હોવાથી ભારે સંખ્યામાં મતદાન થવાની આશા વ્યક્ત કરવામાં આવી
હતી. ચૂંટણીપંચ અનુસાર કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીમાં કુલ એક કરોડ 55 લાખ 24 હજાર
858 રજિસ્ટર્ડ મતદાર છે, જેમાં પુરુષ મતદાર 84,49,645 અને મહિલા મતદાર 71,73, 952 છે.
દિલ્હીમાં યુવા મતદારોની સંખ્યા 25.89 લાખ છે તેમજ પહેલીવાર મત આપનારાઓની સંખ્યા
2.08 લાખ છે. પત્રકાર પરિષદ દરમિયાન કુમારે
જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયાઓ અંગે જનજાગૃતિ અભિયાન ચલાવાયા છે. મતદાન પ્રક્રિયા
સુગમ સરળ રીતે થાય એ માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. દિવ્યાંગજનો અને વૃદ્ધ વયસ્કો
માટે મતદાન કેન્દ્રો ઉપર વિશેષ વ્યવસ્થાઓ છે. 85 વર્ષથી વધુ વયના લોકો ઘરેથી જ પોતાનો
મત આપી શકશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે, મતદાર યાદી અંગે
અફવા ફેલાવવામાં આવી હતી. કોઇપણ પુરાવા વગર આરોપો મૂકવામાં આવ્યા હતા અને તે પાયાવિહોણા
હતા. ઇવીએમમાં અવિશ્વસનીયતા કે કોઇ ખામીના પુરાવા મળ્યા નથી. ઇવીએમમાં વાયરસ કે બગ
આવવાનો કોઇ સવાલ ઊભો થતો નથી. મતદાર યાદીમાં
નામ ઉમેરવાની કે રદ કરવાની સત્તા સીઇસી પાસે છે અને સંપૂર્ણ પ્રક્રિયા બાદ જ તેમાં
નામ ઉમેરવામાં કે રદ કરવામાં આવે છે. મતદાર યાદીમાં કોઇપણ પ્રકારના ચેડા થયા હોવાના
દાવા પોકળ છે. ફોર્મ સાત વગર મતદાર યાદીમાંથી નામ રદ થઇ શકતા જ નથી. રાજકીય પક્ષો દ્વારા
સતત આરોપ મૂકાઇ રહ્યો છે કે મતદાર યાદીમાં નામ ઉમેરાયા કે ગુમ થયા છે તે ખોટા છે. ચૂંટણી
પારદર્શક અને તમામના સાથથી જ પાર પડતી પ્રક્રિયા હોવાનું કુમારે ઉમેર્યું હતું. છેલ્લે 2020માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આમ
આદમી પાર્ટીએ સતત બીજી વખત પ્રચંડ બહુમતી મેળવી હતી. આમ આદમી પાર્ટીએ 70 બેઠકમાંથી
62 બેઠક જીતી હતી. ભાજપને 8 બેઠક મળી હતી અને કોંગ્રેસને એકપણ બેઠક મળી નહોતી. આમ આદમી
પાર્ટીને 54 ટકા, ભાજપને 39 ટકા અને કોંગ્રેસને 5 ટકાથી ઓછા વોટ મળ્યા હતા.