ભુજ, તા. 6 :
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન આયોજિત આંતર જિલ્લા અંડર-14 ટેસ્ટ મેચ ક્રિકેટ ટૂર્નામેન્ટની
રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ સ્ટેડિયમ-સી ખાતે શરૂ થયેલ ત્રણ દિવસીય ફાઈનલ મેચના બીજા
દિવસે કેસીએ-ભુજ 28 રનના સ્કોરથી આગળ રમતાં ત્રીજી વિકેટ માટે કીર્તન કોટક અને પ્રિયાંશ
શુક્લા વચ્ચે 87 રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી. કેસીએ-ભુજ ટીમ તરફથી પ્રિયાંશ
શુક્લાએ 51, ધર્મરાજ પંડયાએ 47, વેદ જોશીએ 38 અને કીર્તન કોટકે 36 રનનું યોગદાન આપ્યું
હતું. 81.1 ઓવરમાં કુલ 213 રન પર સમગ્ર ટીમ ઓલઆઉટ થતાં કચ્છની ટીમ રાજકોટ કરતાં પહેલી
ઈનિંગ્સ પપ રન પાછળ રહી હતી. બીજી ઈનિંગ્સમાં દાવ લેવા ઊતરેલી રાજકોટ-એ ટીમે સિદ્ધાર્થ
વેગડના 63 રનની મદદથી 31 ઓવરમાં 124 રન બનાવ્યા હતા અને તેની 4 મહત્ત્વપૂર્ણ વિકેટ
પડી હતી. કેસીએ-ભુજ તરફથી પ્રથમ ઈનિંગ્સમાં બોલિંગમાં હીરો રહેલા શ્રેય બાપટે બીજી
ઈનિંગ્સમાં પણ રાજકોટ-એ ટીમની ચારમાંથથી મહત્ત્વપૂર્ણ 3 વિકેટ ખેરવી હતી. 1 વિકેટ હર્ષિલ
ભુડિયાને મળી હતી. આમ રાજકોટ-એ ટીમની કુલ લીડ 179 રનની થઈ છે. આથી આવતીકાલનો દિવસ મેચ
માટે રોમાંચક બની રહેશે. ફાઈનલમાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે ભુજથી કેસીએ સહમંત્રી
પ્રવીણભાઈ હીરાણી, રાજેન્દ્રસિંહ જાડેજા, સિલેક્ટર મહિપતસિંહ રાઠોડ, નવલસિંહ જાડેજા
અને મહેશ સોની રાજકોટ પહોંચ્યા હતા. ફાઈનલ જીતવા માટે કચ્છ ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ
બહાદૂરસિંહ જાડેજા, ઉપપ્રમુખ ભરતભાઈ ધોળકિયા, મંત્રી અતુલભાઈ મહેતા તેમજ સિલેક્ટરો
અશોકભાઈ મહેતા, ગિરીશભાઈ ઝવેરી, મહેશ પંડયાએ શુભેચ્છા પાઠવી હતી. ટીમ સાથે મેનેજર તરીકે
અમિત રાઠોડ અને કોચ યુવરાજસિંહ જાડેજા જોડાયેલા છે.