• ગુરુવાર, 09 જાન્યુઆરી, 2025

શક્તિશાળી ભૂકંપથી હચમચ્યું તિબેટ : 126 મોત

નવી દિલ્હી, તા. 7 : ચીનનો તિબેટ પ્રાંત મંગળવારે સવારે આવેલા અત્યંત શક્તિશાળી 6.8ની તીવ્રતાના ભૂકંપના કારણે હચમચી ઊઠયો હતો. ઓછામાં ઓછા 126 લોકોના મોત થયા હતા, જ્યારે 188થી વધુ લોકો ઘાયલ થયા હતા. એકલા તિંગરી કાઉન્ટીમાં એક હજારથી વધુ મકાનને નુકસાન પહોંચ્યું હતું. ચીનની સત્તાવાર સમાચાર એજન્સી શિન્હુઆ અનુસાર, સવારે 9.05 વાગ્યે (ભારતીય સમય મુજબ 6.30 વાગ્યે) આવેલા આ ભૂકંપનું કેન્દ્ર તિબેટના શિજાંગમાં જમીનથી 10 કિલોમીટર નીચે હતું. બચાવ અને રાહતકાર્યોનો દોર  ચીની વાયુસેના અને સેનાએ સંભાળ્યો હતો. દરમ્યાન અમેરિકાની એજન્સી યુએસજીએસ અને ભારતના નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી(એનસીએસ) અનુસાર, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.1 હતી. આ ભૂકંપની અસર નેપાળ, ભુટાન, સિક્કિમ અને ઉત્તરાખંડમાં પણ જોવા મળી હતી. જો કે, ભારતમાં જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. ઇમારતો ધ્રૂજી ઊઠતાં ભયભીત લોકો માર્ગ પર બહાર દોડી આવ્યા હતા. એનસીએસે જણાવ્યું હતું કે, પ્રથમ ભૂકંપ પછી તરત જ પ્રદેશમાં એક કલાકના સમયગાળામાં ચારથી પાંચની તીવ્રતાના 40થી વધુ આંચકા અનુભવાયા હોવાનું અમેરિકાની એજન્સી યુએસજીએસે જણાવ્યું હતું. સ્થાનિક અધિકારીઓ સતત પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે અધિકારીઓને લોકોના બચાવ અને શોધકાર્યમાં ઝડપ લાવવા નિર્દેશ આપતાં મૃતકોની સંખ્યા ઘટાડવા, પ્રભાવિત લોકોને સલામત સ્થળે પહોંચાડવા અને કાતિલ ઠંડીમાં તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. અહેવાલો અનુસાર ભૂકંપ બાદ મોટી સંખ્યામાં લોકો કાટમાળ નીચે ફસાયા છે. તેમને બચાવવામાં આવી રહ્યા છે. ચીનના સીસીટીવી સમાચાર અનુસાર, ચીનની સ્ટેટ કાઉન્સિલે ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં ટાસ્ક ફોર્સ મોકલી છે અને લેવલ-ત્રણ ઈમરજન્સી જાહેર કરી છે. તિબેટના આધ્યાત્મિક ગુરૂ દલાઈ લામાએ ભૂકંપની જાનહાનિ બદલ સંવેદના વ્યક્ત કરી હતી. ભારતે પણ મૃતકોને સંવેદના પાઠવી હતી. ચીનની વાયુસેના પણ અસરગ્રસ્ત વિસ્તારમાં બચાવ કાર્યમાં લાગેલી છે. ભૂકંપના કારણે આ વિસ્તારના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ખરાબ રીતે નુકસાન થયું છે, જેના કારણે વીજળી અને પાણી બંને બંધ થઈ ગયા છે. ભૂકંપને જોતાં ચીને માઉન્ટ એવરેસ્ટના પર્યટન વિસ્તારોને પ્રવાસીઓ માટે બંધ કરી દીધા હતા. મીડિયા હેવાલો અનુસાર, સ્થાનિક અધિકારીઓ ભૂકંપના કારણે થયેલા નુકસાનનું આકલન કરવા માટે વિસ્તારના લોકોનો સંપર્ક કરી રહ્યા છે. આ ભૂકંપને કારણે ભારતમાં પંજાબ, હરિયાણા, હિમાચલ, ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશના લોકો વહેલી સવારે ગભરાટમાં આવી ગયા હતા. આસામથી લઈ બિહાર, મધ્યપ્રદેશ, ઝારખંડમાં પણ ધરતીકંપની અસરે ભય પ્રસરાવ્યો હતો. આજનો ભૂકંપ છેલ્લા પાંચ વર્ષમાં 200 કિલોમીટરની ત્રિજ્યામાં નોંધાયેલો સૌથી શક્તિશાળી ધરતીકંપ હતો. તેનું કેન્દ્ર તે જગ્યાએ આવેલું છે, જ્યાં ભારતીય અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટો ટકરાય છે. આ પ્લેટોના અથડામણને કારણે હિમાલયના પહાડોમાં ઊંચા મોજાં ઉદભવે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd