• ગુરુવાર, 09 જાન્યુઆરી, 2025

ભારત તરફ અમેરિકાનાં વલણ પર મીટ

વિશ્વભરમાં અમેરિકાના સત્તાપલટા પર ભારે ઉચાટ અને ચર્ચા રહેતી આવી છે. આ વખતે ભારે ધ્રુવીકરણનાં જોરે ભારે બહુમતી સાથે સત્તા સંભાળવા ડોનાલ્ડ ટ્રમ્પે તૈયારી શરૂ કરી દીધી છે.  તેમનાં સ્પષ્ટ અને આકરાં વલણને લીધે હાલના રાષ્ટ્રપતિ જો બાયડન સત્તાની ધુરા ટ્રમ્પને સોંપે પછી આ મહાસત્તા કેવાં પગલાં લેશે તેના પર દુનિયાના દેશોની નજર રહેશે. આવામાં ભારત માટે બહુ ચિંતા જેવી સ્થિતિ ન હોવા છતાં ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકર અમેરિકામાં સત્તાનાં હસ્તાંતરણ પહેલાં વોશિંગ્ટનનો પ્રવાસ કરી આવ્યા. સ્વાભાવિક રીતે તેમની છ દિવસની અમેરિકા યાત્રાનો મુખ્ય ઉદ્દેશ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂતી મળે તેવો હોય અને તેનાં અમુક અંશે પરિણામો જોવા મળી રહ્યાં છે. નવી દિલ્હી સ્થિત અમેરિકી એલચી કચેરીના જણાવ્યા અનુસાર અમેરિકા બહુ જલ્દી વિઝા નવીનીકરણ કાર્યક્રમ શરૂ?કરવા જઇ રહ્યું છે, જે મુજબ એચ વન-બી વિઝાધારક દેશની બહાર ગયા વિના જ તેમના વિઝા?રિન્યૂ કરી શકશે. આ વખતે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિને સત્તાની સોંપણી અલગ પ્રકારની હોવાની વિશ્વને પ્રતીતિ થઇ રહી છે. રાષ્ટ્રપતિપદની ચૂંટણી અગાઉ પ્રતિસ્પર્ધીઓમાં જે રીતે કડવાશભર્યા આરોપો મુકાયા અને મતદારોએ ટ્રમ્પની જમણેરી મનાતી અમેરિકા ફર્સ્ટની વિચારધારાની તરફેણમાં ધ્રુવીકરણ કર્યું, તેનાથી અમેરિકાની ભાવિ નીતિઓ કેવી રહેશે તેનો તાગ દુનિયાને મળી ચૂક્યો છે. ખાસ તો ટ્રમ્પે ચૂંટણીમાં તેમના વિજયની તુરંત બાદ જે રીતે નિયુક્તિઓ શરૂ કરી છે અને નિવેદનો આપ્યાં છે, તેનાથી આગામી સમયમાં અમેરિકાનું વિશ્વના અને આંતરિક મુદ્દા પર કેવું વલણ હશે એ સમજી શકાય તેમ છે. આ સંદર્ભમાં ભારતીય વિદેશમંત્રીની લાંબી અમેરિકા યાત્રાનું મહત્ત્વ અનેકગણું વધી જાય છે. જયશંકરે બાયડનની સરકારના અધિકારીઓની સાથે મુલાકાતની સાથોસાથ ખાસ તો ટ્રમ્પના ચાવીરૂપ લોકોની સાથે ચાવીરૂપ મંત્રણાઓ યોજી હતી. ભારતીય વિદેશમંત્રીની મુલાકાતની તૈયારીરૂપે વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી અને અમેરિકામાં ભારતના રાજદૂત વિનય કવાત્રાએ અમેરિકાની વૈચારિક હસ્તીઓ ઉપરાંત ટ્રમ્પ અને બાયડનની ટીમની સાથે આગોતરી બેઠકો યોજી  હતી. અલબત્ત, બાયડન વહીવટી તંત્ર તેની સ્વકેન્દ્રી નીતિ પર આગળ વધી રહ્યું છે. બે દિવસ પહેલાં જ બાયડન વહીવટી તંત્રે જ્યોર્જ સોરોસને રાજકીય સન્માન જાહેર કર્યું છે. સોરોસ પહેલાંથી ભારત વિરોધી અને ખાસ તો મોદી વિરોધી બયાનબાજી માટે વિવાદમાં રહ્યા છે. આમ તો, છેલ્લા બે દાયકાથી ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં ભારે નિકટતા આવી છે. અવિશ્વાસનું વાતવરણ દૂર થયું છે અને દ્વિપક્ષીય વેપાર વધ્યો છે. પાકિસ્તાનનો આતંકી ચહેરો છતો થતાં અમેરિકાએ તેનાથી અંતર જાળવવાની શરૂઆત કરી તે ઉપરાંત ભારતની આર્થિક તાકાત વધી છે. આ બન્ને પરિબળને લીધે અમેરિકાએ ભારત તરફનાં વલણને એકદમ બદલીને તેને મિત્રતાના નવા વાઘા સજાવ્યા છે. 2000નાં વર્ષમાં બન્ને દેશ વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર માત્ર 20 અબજ ડોલર હતો, જે 2023માં 19પ અબજ ડોલરને આંબી ગયો. આ ઉપરાંત હાલની વૈશ્વિક વ્યવસ્થામાં ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોનાં મહત્ત્વને જોતાં આવનારા સમયમાં તેની વધુ મજબૂતીની શક્યતા અમાપ છે. આ શક્યતાઓને મૂર્તિમંત કરવા જયશંકરની અમેરિકા મુલાકાત ચાવીરૂપ બનશે એવી આશા વ્યકત થઇ રહી છે. ટ્રમ્પનાં તેવર આકરાં રહ્યાં હોવા છતાં ભારત અને મોદી સરકાર સાથેના તેના લયબદ્ધ ભૂતકાળને જોતાં દ્વિપક્ષીય સંબંધો વધુ સુદૃઢ બને એવી આશા રાખી શકાય.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd