સિડની, તા.7: અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમીની ઇજા પર ટીમ ઇન્ડિયાના પૂર્વ મુખ્ય કોચ રવિ શાત્રીએ બીસીસીઆઇનો ઉધડો લીધો છે. શાત્રીનું કહેવું છે કે શમીની ઇજા પર બીસીસીઆઇ વ્યવસ્થિત આયોજન કરી શકી નહીં, બોર્ડર-ગાવસ્કર સિરીઝના બીજા ભાગમાં જો શમીને સામેલ કરાયો હોત તો ભારતનું પલડું ભારે થઇ શકે તેમ હતું. શાત્રીની આ વાતનું ઓસ્ટ્રેલિયના પૂર્વ કેપ્ટન રીકિ પોન્ટિંગે સમર્થન કર્યું છે. શમીએ સર્જરી પછી ઘરેલુ ક્રિકેટમાં બંગાળ તરફથી રમીને સફળ વાપસી કરી છે. આથી તેનો ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં ભારતીય ટીમમાં સમાવેશ થશે તેવી આશા બંધાઇ હતી, પણ બીસીસીઆઇની મેડિકલ ટીમે ઘૂંટણમાં સોજો હોવાનો રિપોર્ટ આપીને આ સંભાવનાનો અંત કરી દીધો હતો. આમ છતાં શાત્રી અને પોન્ટિંગનું માનવું છે કે શમીને ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં સામેલ કરવાની જરૂર હતી. કારણ કે શમી ખુદને ફિટ બતાવી રહ્યો હતો. શાત્રી કહે છે કે, વાસ્તવમાં શમી સાથે શું થઇ રહ્યંy છે તેની મને ખબર નથી. તેની સાથે બીસીસીઆઇ સંપર્કમાં જ ન હોય તેવી સ્થિતિ છે. શમીને ઓસ્ટ્રેલિયા મોકલવાની જરૂર હતી. જો તે હોત તો મેલબોર્ન અને સિડની ટેસ્ટના પરિણામ અલગ જોવા મળત. રવિ શાત્રીની આ દલીલનું પોન્ટિંગે સમર્થન કર્યું હતું. તેણે કહ્યંy હું એ વાતથી હેરાન છું કે શમી શ્રેણીના બીજા ભાગમાં સામેલ કેમ ન થયો ત્યારે તે ડોમેસ્ટિક ક્રિકેટ રમી રહ્યો હતો. બુમરાહ, શમી અને સિરાજની હાજરીથી ટીમ ઇન્ડિયાની બોલિંગ ઘણી મજબૂત જોવા મળત.