વિશ્વમાં ઇન્ટરનેટના વધી રહેલા ચલણની સાથે સમાન્ય લોકો સુધીની
દૈનિક જરૂરતો વધુ સરળ બની છે તેની સાથોસાથ સાયબર ઠગાઇના બનાવો પણ ચોંકાવારી ઝડપે વધી
રહ્યા છે. ભારતના છેવાડાના ઇન્ટરનેટ વપરાશકારો
પણ આવી ઠગાઇનો ભોગ બનવા લાગ્યા છે. આવા સંજોગોમાં
ઠગાઇને રોકવા લોકોને સાવચેત કરવાના પ્રયાસો અને કાયદાકીય કાર્યવાહીના ઉપાયો વધતા જતાં
સાયબર સલામતીના કિસ્સા અને કારસાની સામે વામણા
સાબિત થઇ રહ્યા છે. હાલત એવી છે કે, દેશના તમામ વિસ્તારોમાં સાયબર ઠગાઇનું દૂષણ પડકારરૂપ
બની ગયું છે. મહત્ત્વની બાબત એ છે કે, આવા સાયબર છટકામાં બેરોજગાર યુવાનો, વિદ્યાર્થીઓ,
નિવૃત્ત બુઝુર્ગો અને ગૃહિણીઓ સતત ભોગ બની રહ્યા છે. હાલત એવી છે કે ડિજિટલ વ્યાપ હજી તેના પ્રાથમિક
સ્વરૂપમાં છે તેવામાં જો આવા જોખમ સામે આવી રહ્યા છે ત્યારે જ્યારે આ ટેકનોલોજી વધુ
હાથવગી બનશે ત્યારે હાલત બદતર બની જશે. કેન્દ્રીય ગૃહમંત્રાલયના તાજા વાર્ષિક અહેવાલ
મુજબ સાયબર ઠગો રોકાણનાં નામે કે સાયબર એરેસ્ટ જેવા કારસા દ્વારા લોકોની સાથે આર્થિક
છેતરપિંડી કરી રહ્યા છે. આમા લોકો રોજના કરોડો રૂપિયા ગુમાવી રહ્યા છે. જે લોકો ઇન્ટરનેટનાં માધ્યમથી વધુ ઓનલાઇન પેમેન્ટ
કરે છે, અસાલમત લિંક અથવા વેબસાઇટ પરથી ઓનલાઇન ખરીદી કરે છે તેવા લોકો સાયબર ઠગોની નજરમાં હોય છે. વળી તાજતેરના સમયમાં સાયબર
એરેસ્ટનાં નામે નિર્દોષ લોકોને ઠગવાનું ચલણ વધી ગયું છે, જેમાં કરોડો રૂપિયાની ઠગાઇ
થઇ રહી છે. આમ તો ઇન્ટરનેટનાં ચલણના આરંભ સમયે
હાકિંગ શબ્દથી લોકો જાણકાર હતા, પણ હવે સમયની સાથે આવા માધ્યમમાં અન્ય દૂષણો ઉમેરાઇ
રહ્યા છે. વપરાશકારોને ઓનલાઇન બુલિંગ, બ્લેકમેઇલિંગ,
ફિશિંગ વગેરે રીતે સપડાવવામાં ઠગો ટાંપીને બેઠા હોય છે. ગૃહમંત્રાલયના આ અહેવાલ મુજબ
વર્ષ 2021થી માર્ચ 2024 વચ્ચે ભારતમાં 14,570 કરોડ રૂપિયાની સાયબર ઠગાઇ થઇ હતી. આ સમયગાળા દરમ્યાન સાયબર ગુનાના 2.16 કરોડ કેસ પોલીસના
ચોપડે નોંધાયા હતા. એક અંદાજ એવો છે કે, વર્ષ
2023માં સાયબર છેતરપિંડીમાં વિશ્વભરના લોકોએ લગભગ 5.7 ટ્રિલિયન ડોલર ગુમાવ્યા હતા, જે પાંચ વર્ષમાં
2028 સુધી 13.82 ટ્રિલિયન ડોલર થઇ જશે એવો અંદાજ બંધાઇ રહ્યો છે.
આજકાલ ઇન્ટરનેટ પર પીગ બુચરિંગ અથવા ઇનવેસ્ટમેન્ટ સ્કેમના આધારે ઠગાઇ થાય છે. આમાં સાયબર ગઠિયા સામાવાળા નિર્દોષ લોકોનો
વિશ્વાસ જીતીને ક્રિપ્ટો કરન્સી અથવા રોકાણની અન્ય કોઇ યોજનામાં નફાની લાલચ આપીને ખંખેરી લતા હોય છે. ભારતમાં સાયબર ગુનાખોરીના બેકાબૂ ચલણને
નાથવા હવે કેન્દ્રીય ગૃહમંત્રાલયે કમર કસી છે. આ માટે ભારતીય સાયબર અપરાધ સંકલન કેન્દ્રની
રચના કરીને હેલ્પલાઇન વાટે આવા ગુનાની તત્કાળ જાણ કરવાની અને તે
મુજબ પગલાં લેવાની વ્યવસ્થા ગોઠવી છે. સરકારનાં આ પગલાં આવકાર્ય છે, પણ અધૂરાં છે. ટેક્નોલોજીના યુગમાં છેતરપિંડીના નવા-નવા
માર્ગો શોધવામાં પાવરધા ગઠિયા બહુ ઝડપથી નવી જાળ બિછાવતા રહે છે અને સામાન્ય લોકો તેમાં સપડાતા રહે છે. સરકારે તેનાં
પગલાંને વધુને વધુ અસરકારક બનાવવા સતત સાબદા રહેવાની જરૂરત છે.