ભુજ, તા. 7 : ભુજની આગવી ઓળખ સમા પાંચ નાકાં અને છઠ્ઠીબારી આજે
પણ લોકોનાં માનસપટ પર અંકિત છે. ધરતીકંપમાં
રાજાશાહી વખતમાં નિર્માણ પામેલા લગભગ નાકાંને મોટું નુકસાન થયું. આ પછી ધાર્મિક સંસ્થાઓના
સહકારથી એ નાકાંઓનું પુન:નિર્માણ અને સમારકામ કરાયું છે. પાંચ નાકાંઓ પૈકી વાણિયાવાડનાં
નાકાંનું અસ્તિત્વ ધરતીકંપ પહેલાં નષ્ટ થઈ ગયું હતું. અત્યારે મહાદેવ, ભીડ, પાટવાડી
અને સરપટ નામનાં નાકાં ઉભા છે અને છઠ્ઠીબારી ગુમ થઈ ગઈ છે! સરપટ નાકાંની હાલત સૌથી
બદતર છે. જેમાં બાવળિયા ઉગ્યા છે અને રખડતા પશુઓ બેસતા હોય છે. એમાંય નાકાંની બાજુમાં
પથ્થરમાંથી બનાવેલી બે તોપને રખાઈ હતી જેમાંથી એક તોપ અત્યારે અદૃશ્ય છે. કચ્છમાં આવતા
પ્રવાસીઓ સરપટ નાકાં પાસેથી રણમાં જતા હોય ત્યારે આ નાકાંની જાળવણીની જવાબદારી નગરપાલિકાની
છે તેવું જાગૃત નાગરીકોએ જણાવ્યું હતું. ઉપરાંત ભીડવાળાં નાકાંમાં કાર્યરત પોલીસ ચોકીમાં
જવાબદારોની હાજરી નહીંવત જોવા મળે છે. મહાદેવ નાકું અને પાટવાડી નાકાં પાસે ધાર્મિક
સ્થાનકો આવેલાં હોવાથી સાફ-સફાઈ જોવા મળે છે. ભુજની ઓળખસમી વિરાસતનું વખતો-વખત નગરપાલીકા
ધ્યાન લે તેવી લોકોની માગણી ઉઠી છે.