• ગુરુવાર, 09 જાન્યુઆરી, 2025

પૂર્વ કચ્છ પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ જાગૃત અભિયાન

ગાંધીધામ, તા. 7 : પૂર્વ કચ્છ પોલીસ દ્વારા સાયબર ક્રાઇમની નવી ડિજિટલ એરેસ્ટની મોડસ ઓપરેન્ડી થકી લોકોમાં ડર પેદા કરી નાણાકીય છેતરપિંડી અંગેના બનાવો બાબતે જન જાગૃતિ લાવવા માટે તમામ પોલીસ મથકોએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ અધીક્ષક સાગર બાગમારની અધ્યક્ષતા અને માર્ગદર્શન હેઠળ તા. 6 અને 7ના બે દિવસીય સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. નવા પ્રકારના ડિજિટલ એરેસ્ટમાં અજાણ્યા નંબરથી વોટસએપ ઉપર પોલીસના નામે આવતા મેસેજ બાદ વીડિયો કોલના માધ્યમથી પોલીસ, સી.બી.આઇ., કસ્ટમ અધિકારીના યુનિફોર્મ પહેરેલ વ્યક્તિ દ્વારા તમારું ડ્રગ્સ સપ્લાયમાં નામ આવેલ છે અથવા તમારા પાર્સલમાં ડ્રગ્સ છે કે તમારા ખાતામાં બેંક બેલેન્સ છે તે મની લોન્ડરિંગના પૈસા છે, તેમ કહી બેંક ખાતાની માહિતી, વ્યક્તિગત વિગતો મેળવી અશોકસ્તંભ, સરકારી લોગોનો ઉપયોગ કરી ખોટા લેટરપેડ મોકલાવી લોકોમાં ભય ઊભો કરાય છે. તેમને અને પરિવારને નુકસાન પહોંચાડી, ધરપકડની ધમકીઓ અપાય છે. પૈસા પડાવવા માટે લોકોને માનસિક રીતે પરેશાન કરાય છે. જેના કારણે લોકો આવા શખ્સોને સાચા માની દબાણમાં આવી નાણાંકીય છેતરપિંડીનો  ભોગ બને છે. આવી તથા અન્ય મોડસ ઓપરેન્ડીથી બચવા, સાવચેત રહેવા પૂર્વ કચ્છના જુદા-જુદા પોલીસ મથકો દ્વારા વિવિધ શાળા, કોલેજ, જાહેર જગ્યાઓ ઉપર જન જાગૃતિ અર્થે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં  પોલીસવડા સાગર બાગમાર, અજમાયશી આઇ.પી.એસ. વિકાસ યાદવ, અજમાયશી પરેશ રેણુકા દ્વારા તૈયાર કરાયેલ પ્રેઝેન્ટેશનના માધ્યમથી વીડિયો બતાવી લોકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા જુદા-જુદા 11 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેર, ગ્રામ્ય વિસ્તારના લોકો,  વરિષ્ઠ નાગરિકો, કોલેજ, શાળાના મળીને 5500 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. લોકોને દૈનિક નાણાંકીય વ્યવહારમાં થતા અવનવા સાયબરના બનાવો બાબતે તથા આવા ઠગબાજોથી બચવાના ઉપાયો બાબતે શું કરવું ? અને શું ન કરવું ? તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયાના ઉપયોગ દરમ્યાન અજાણી વ્યક્તિ કે નંબરના સંપર્કમાં આવ્યેથી જરૂરી સાવચેતી કેળવવા, અજાણી લિન્ક કે એ.પી.કે. ફાઇલ ન ખોલવા, ડિજિટલ એરેસ્ટની એમ.ઓ. બાબતે વિસ્તૃત જાણકારી આ કાર્યક્રમોમાં આપવામાં આવી હતી. જો આવા બનાવોનો ભોગ બની જવાય, તો તાત્કાલિક સાયબર હેલ્પ લાઇન નંબર 1930 અથવા સ્થાનિક પોલીસ મથકનો સંપર્ક કરવા લોકોને જણાવાયું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd