• ગુરુવાર, 09 જાન્યુઆરી, 2025

તપ અને ત્યાગ દ્વારા મર્યાદા મહોત્સવને ભુજના તેરાપંથી શ્રાવક સમાજનો આવકાર

ભુજ તા. 7  : પૂ. ગુરુદેવ જ્યારે કચ્છની પાવન ધરા પર ભુજમાં મર્યાદા મહોત્સવ માટે આવી રહ્યા છે ત્યારે તપ અને ત્યાગ દ્વારા આ મર્યાદા મહોત્સવને આવકારવા તેરાપંથ સભા, મહિલા મંડળ, યુવક પરિષદ્ તથા અણુવ્રત સમિતિ જોરદાર તૈયારીમાં લાગી ગયું છે. સંપૂર્ણ તેરાપંથ સભાનો શ્રાવક સમાજ ગુરુદેવની રસ્તાની સેવા સંભાળી રહ્યો છે, અનેકવિધ પ્રોગ્રામોની તૈયારીઓમાં ગુરુદેવના સ્વાગત, રેલી, ઐતિહાસિક ઝાંખી વગેરે માટે સંપૂર્ણ શ્રાવક સમાજ શ્રમ ઉઠાવી રહ્યો છે. આ મર્યાદા મહોત્સવની સાથે કચ્છ ફતેગઢના સંઘવી પરિવારના પુત્ર કેવિન કુમાર  ઉંમર વર્ષ 16ની દીક્ષા પ્રસંગની પણ તૈયારી જોરશોરથી ચાલી રહી છે. છેલ્લા ત્રણ વર્ષથી ગુરુદેવના આગમન માટે  મુનિ પુલકિત કુમારજીએ બિજારોપણ કર્યું અને છાપર (રાજસ્થાન) ખાતે 500 વ્યક્તિઓની સંખ્યામાં સંઘને ગુરુદર્શન તથા કચ્છ આવવાની અરજ લઈને ગયા હતા. પૂજ્ય ગુરુદેવે પણ સંઘની ભક્તિ અને શકિત જોઈને ભુજમાં મર્યાદા મહોત્સવ ફરમાવ્યો અને ત્યારથી જ ચાતુર્માસમાં 7-7 માસક્ષમણ, 38 ઉપવાસ, 60 જેટલી અઠ્ઠાઈઓ અને 90 જેટલા પૌષધો થયા અને તેના પછીના વર્ષમાં એટલે કે મુનિ નિકુંજકુમારજીના ચાતુર્માસમાં 2 માસક્ષમણ અને એક સિદ્ધિ તપ, 16 ઉપવાસ અનેક અઠ્ઠાઈઓ અને પૌષધો થયા હતા. મુનિ અનંતકુમારજીએ તો જાણે ચાતુર્માસમાં તપસ્યાનું વટવૃક્ષ બનાવી દીધું છે, દરેક શ્રાવકોના ઘરે ત્રણ કલાકના જાપ અને 9 સામાયિકની સાથે સાથે સંઘમાં બે માસક્ષમણ, 35 ઉપવાસ તથા અનેક સતરંગીઓ, 50 જેટલી અઠ્ઠાઈઓ તથા 101 પૌષધ. આમ ત્રિવર્ષીય તપ આરાધના ચાલુ જ છે તેમાં વળી ચાર- ચાર ઉપવાસની વારી તથા એટલી જ આયંબિલની અને એકાસનની પણ વારીઓ ચાલી રહી છે, તો અખંડ નવકાર મંત્રના જાપ પર્યુષણના આઠ દિવસ સવારે 6 થી રાત્રિના 9 વાગ્યા સુધી મહિલા મંડળ તેમજ રાત્રિના 9 થી સવારે 6 વાગ્યા સુધી ભાઈઓ દ્વારા આરાધના વર્ષોથી ચાલી જ રહી છે. હાલમાં જ નાતાલની રજાઓનો સદુપયોગ કરીને ગુરુદર્શનમાં ભુજ તેરાપંથ સંઘની જ્ઞાનશાળાના બાળકો ગુરુ દર્શન માટે પહોચ્યા હતા. ગુરુદેવ જ્યારે કચ્છ આવી રહ્યા છે ત્યારે જ્ઞાનશાળામાંથી પણ બાળકો એમની સાથે પગપાળા વિહારમાં જોડાઈને 12 કિલોમીટર જેટલો પ્રલંબ વિહાર કર્યો હતો સાથે રસ્તાની સેવામાં જ્ઞાનશાળામાંથી વિવિધ બાળકો જોડાયા હતા. દીક્ષાર્થી મુમુક્ષુ ભાઈ કેવિન સંઘવીની જેમ બીજા પણ મુમુક્ષુઓ તૈયાર થઈ શકે છે, જરૂરી છે આવા યુગમાં જ્યાં સોશિયલ મીડિયા તથા ક્રિકેટ વિગેરેના ટ્રેન્ડમાં બાળકો વિહારની ભાવના રાખે  છે તેવું મીડિયા પ્રભારી મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd