અમેરિકામાં નવાં વર્ષના પ્રથમ દિવસે 24 કલાકની અંદર ત્રણ મોટા
આતંકી હુમલા થયા છે. આમાં કુલ 17 લોકોનાં મૃત્યુ થયાં છે અને બાવન લોકો ઘાયલ થયા છે.
સૌપ્રથમ ન્યૂ ઓર્લિન્સમાં 15 લોકોની હત્યા કરવામાં આવી છે. ત્યાર બાદ લાસવેગાસમાં ટ્રમ્પની
હોટેલની સામે કારમાં વિસ્ફોટ થયો છે અને સામૂહિક ગોળીબારથી હત્યા થઈ છે. તપાસ એજન્સીઓને
શક છે કે, આ આતંકવાદી હુમલા હોઈ શકે છે, જ્યારે અમેરિકાના નવનિર્વાચિત પ્રમુખ ડોનાલ્ડ
ટ્રમ્પે જણાવ્યું છે કે, ઈસ્લામી આતંકવાદ અમેરિકા માટે મોટો ભય છે. ફક્ત તાકાત, શક્તિશાળી
નેતૃત્વ જ આને રોકી શકે છે. અમેરિકામાં નવાં વર્ષનાં આગમનના ઉત્સાહને આતંકવાદના કાળા
ઓછાયાએ ધૂળમાં મેળવી દીધો છે. આ ઘટના ભલે અમેરિકામાં બની હોય, પરંતુ દુનિયાને સંદેશ
આપ્યો છે કે, આતંકવાદને ખતમ કરવા અને માનવતાની સુરક્ષા માટે નવાં વર્ષમાં વધુ કટિબદ્ધ
થઈને પ્રતિકાર કરવો. આ ઘટનાઓએ પોતપોતાની જવાબદારીઓ પર પુનર્વિચાર કરવાનો અવસર આપ્યો
છે. હાલનાં વર્ષોમાં દુનિયાના મોટા ભાગના દેશોમાં ધાર્મિક કટ્ટરતા વધી છે. કટ્ટરતા
ભલે ધાર્મિક હોય કે કોઈ અન્ય મુદ્દાની, વિરોધીઓ સાથે તેનો સંબંધ હોય છે. એક પ્રકારની
કટ્ટરતા સામે બીજી કટ્ટરતાને વધારે છે. પરિણામે વિભિન્ન દેશોમાં રૂઢિવાદના કટ્ટર સમર્થક
સત્તા પર સ્થાપિત થઈ જાય છે. અમેરિકામાં જ નહીં, સમગ્ર દુનિયામાં રૂઢિવાદીઓ અને ઉદારવાદીઓની
વચ્ચે જીવંત સંઘર્ષ ચાલી રહ્યો છે. વાસ્તવમાં સમસ્યાઓનો ઉકેલ દૂર નજરે પડે, તો અજ્ઞાનનો
અંધકાર આપણને પાછળ ફરવા માટે પ્રેરિત કરે છે. આપણે આશા રાખી શકીએ કે, આતંકવાદના માર્ગે
જીવનની સમસ્યાઓનો ઉકેલ શોધનારાઓ અહિંસાનો માર્ગ અપનાવીને આગળ વધશે. 9/11 પછી અમેરિકાએ વૈશ્વિક આતંકવાદ વિરુદ્ધ જંગ
છેડયો હતો, પણ ભારત એ ભૂલી શકે એમ નથી કે, વોશિંગ્ટન નવી દિલ્હીનાં એ નિવેદનોની સતત
ઉપેક્ષા કરતું હતું કે, પાકિસ્તાન પણ આતંકવાદની નીતિ અપનાવી રહ્યું છે. જો અમેરિકાએ
સ્થિતિ સ્વીકારીને ભારતની રક્ષા માટે ગંભીર વલણ દાખવ્યું હોત તો કદાચ આજે અમેરિકા પણ
સલામત હોત. જો આતંકવાદ વિરુદ્ધ લડાઈ સફળ બનાવવી હોય તો એ પણ જરૂરી છે કે, પાકિસ્તાન
જેવા દેશો પર આંતરરાષ્ટ્રીય સમુદાયનું ભારે દબાણ લાવવું પડશે. પાકિસ્તાન જેવા દેશો પોતાની વિદેશ અને સુરક્ષાનીતિને
આગળ વધારવા માટે આતંકવાદની મદદ લેતા હોય છે. અમેરિકાએ જ આગળ આવવાનું રહેશે. હવે જોવાનું
એ છે કે, 20 જાન્યુઆરીએ અધ્યક્ષપદના શપથ લેનારા ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં થયેલા તાજા
હુમલાઓમાંથી શું સબક લે છે?