રાજકીય પ્રવાહો : કુન્દન વ્યાસ : આમ આદમીના
નેતા અરવિંદ કેજરીવાલ હવે હિન્દુ ધર્મરક્ષકની ભૂમિકામાં છે ! દિલ્હીમાં મંદિરોના પૂજારી
અને ગુરુદ્વારાઓના ગ્રંથીઓને વચન આપ્યું છે કે સત્તા મળે તો એમને માસિક માનધન આપવામાં
આવશે. આ પહેલાં મમતા બેનરજીએ બંગાળમાં મુલ્લા - મૌલવીઓને માસિક `પેન્શન'
આપવાની શરૂઆત કરી હતી, તેમાંથી કેજરીવાલે પ્રેરણા લીધી અને દિલ્હીમાં મૌલવીઓને પેન્શન
આપવાની શરૂઆત કરી, પણ છેલ્લાં દોઢ - બે વર્ષથી આ પેન્શન બંધ છે. કેજરીવાલના શીશમહેલ
સામે મૌલવીઓએ ધરણાં કર્યાં અને `પગાર' ચૂકવવાની માગણી કરી. પગાર - પેન્શન તો બાજુએ રહ્યાં, કેજરીવાલે
મુલાકાત પણ આપી નહીં ! હવે રાજકારણનો રંગ ફરીથી પલટાઈ રહ્યો છે. હરિયાણા અને મહારાષ્ટ્રમાં
ભાજપે ફરીથી સત્તા મેળવી. કોંગ્રેસી મોરચાના નકલી સેક્યુલરવાદનો રકાસ થયો. જનતાએ જાકારો
આપ્યો તે પછી હવે બિહાર અને દિલ્હી વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, તેમાં ધર્મ - સનાતન
ધર્મ અને જાતિવાદ ચર્ચા - ચૂંટણીનાં કેન્દ્રમાં રહેશે એમ સ્પષ્ટ જણાય છે. સત્તા અને
ચૂંટણીનાં રાજકારણમાં કેજરીવાલ માહેર હોવાથી એમણે પવન પારખી લીધો છે. એમનો હિન્દુતરફી
વ્યૂહ દિલ્હીની ચૂંટણીમાં પ્રયોગ છે. કોંગ્રેસ અને અન્ય પક્ષો પણ દિલ્હીમાં ચૂંટણી
પ્રચાર અને પરિણામ જોઈને ફરીથી વ્યૂહ નક્કી કરશે. વિપક્ષોની ધારણા એવી છે કે હવે ભવિષ્યની
ચૂંટણીમાં - જ્યારે થાય ત્યારે ખરી - ભાજપને ધર્મવાદ વધુ નહીં ફળે. સંઘ પરિવારના વડા
મોહન ભાગવતને પરિવારનાં મુખપત્ર - સાપ્તાહિક `પાંચજન્ય'નું સમર્થન મળ્યું છે કે ચૂંટણીનાં
રાજકારણમાં મંદિરને લાવવાની જરૂર નથી ! કોંગ્રેસના નેતાઓ ભાગવતથી ખુશ છે ! હિન્દુ સમુદાયમાં
અને વોટ બેન્કમાં મતભેદ અને મનભેદ થવાની આશા -શક્યતા જોઈ રહ્યા છે. પ્રશ્ન એ છે કે
ચૂંટણીનાં રાજકારણમાં જનતાને `રેવડી' વહેંચ્યા પછી હવે સરકારી તિજોરી ઉપર ભાર વધી રહ્યો છે,
ત્યારે ધર્મસ્થળોના સંચાલકોને `માનધન' આપવાના કીમિયા અન્ય રાજ્યોમાં પણ શરૂ થશે ? અને કેજરીવાલને
દિલ્હીના મતદારો `સર્ટિફિકેટ' - સત્તા આપશે ? રાજરમતમાં ધર્મનો કેવો દુરુપયોગ થાય
છે, તેનું ઉદાહરણ દિલ્હીમાં મળે છે. દિલ્હીનાં - કામચલાઉ - મુખ્યપ્રધાન આતિશીએ ગવર્નરને
પત્ર લખીને જણાવ્યું છે કે દિલ્હીમાં ઘણાં ધર્મસ્થાનો તોડી પાડવાના - ધ્વસ્ત કરવાના
પ્રસ્તાવને તમે - રાજ્યપાલે મંજૂરી આપી છે. આ ધર્મસ્થાનોમાં અ. જા. સમાજને આસ્થા છે.
એમની ધાર્મિક લાગણી દુભાશે તેથી આપને અનુરોધ છે કે આ પ્રસ્તાવનો અમલ નહીં થવો જોઈએ.`આપ'ના
નેતા મુખ્યપ્રધાનના પત્રને પ્રસિદ્ધિ આપવામાં આવી અને અ. જા. સમાજમાં પ્રચાર શરૂ થયો
! ગવર્નરે આ પત્ર અને કોઈ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હોવાની વાતને રદિયો આપ્યો
અને આક્ષેપ કર્યો કે મુખ્યપ્રધાન નિમ્ન કક્ષાનું રાજકારણ કરે છે. કોઈપણ મંદિર, મસ્જિદ,
ચર્ચ અથવા અન્ય ધાર્મિક સ્થાનો તોડી પાડવાનો પ્રશ્ન જ નથી. કોઈ ફાઇલમાં આવી નોંધ પણ
નથી. વાસ્તવમાં દિલ્હીની ચૂંટણીમાં `આપ'નાં ભવિષ્યનો પ્રશ્ન છે. ભાજપ આક્રમક છે,
ત્યારે `આપ' દ્વારા
અ. જા. સમાજની વોટ બેન્કને ભડકાવવા માટે આવો પત્ર લખવામાં આવ્યો છે. ભાજપને અ. જા.
સમાજનું સમર્થન મળે છે તે તોડવા માટે આવો કીમિયો અજમાવાયો છે ! આપણા દેશમાં ચૂંટણીની
શતરંજમાં ધર્મને એક પ્યાદું બનાવાઈ રહ્યો છે. અયોધ્યાનું રામ મંદિર ચૂંટણીનો મુદ્દો
ન હતો, લોકોની ભાવના - શ્રદ્ધાનો સવાલ હતો, પણ વિરોધ પક્ષોને શંકા હતી - ખાતરી પણ હતી
કે રામ મંદિરનો મુદ્દો ભાજપને મદદગાર બનશે. આથી જ સુપ્રીમ કોર્ટમાં કપિલ સિબ્બલે -
ચુકાદો લોકસભાની ચૂંટણી પતી જાય તે પછી જ આપવાની માગણી કરી હતી ! ભૂતકાળમાં ગુજરાત
વિધાનસભાની ચૂંટણી વખતે રાહુલ ગાંધી હિન્દુત્વના પ્રશ્ને મોદી સાથે હરીફાઈ - સ્પર્ધામાં
ઊતર્યા. ગલી ગલીએ મંદિરોમાં દર્શન આપ્યાં - અથવા કર્યાં ! જનોઈધારી બ્રાહ્મણનો અવતાર
ધારણ કર્યો ! સવાયા હિન્દુ બનવાના પ્રયાસ કર્યા... સેક્યુલરવાદને બુરખો પહેરાવ્યો.
આવા તમામ પ્રયાસ પછી સત્તા મળી નહીં. આ દરમિયાન તામિલનાડુના મુખ્યપ્રધાનના રાજકુમાર
- ઉદયનિધિએ સનાતન ધર્મ ઉપર જાહેરમાં ટીકા - પ્રહાર કરીને જિહાદ શરૂ કરી. ડીએમકે સરકારમાં
કોંગ્રેસ ભાગીદાર છે અને ભાજપ સામેની લડાઈમાં સાથીપક્ષ છે તેથી સનાતન ધર્મ ઉપરના પ્રહાર
- `સમાજનું
કેન્સર છે, નાબૂદ કરો'- કોંગ્રેસની મંજૂરી હશે - તેથી જ વિવાદ જાગ્યો ત્યારે `મૌન' વ્રત
પાળવામાં આવ્યું ! અને પછી ઈન્ડિ મોરચામાં ડીએમકેના `હાથ' પકડીને
ઊભા રહ્યા ! સનાતન ધર્મ સામેના જંગ - જિહાદની આ શરૂઆત હતી. હવે સેક્યુલરવાદને રજા ઉપર
ઉતારીને ફરીથી હિન્દુત્વ તરફ વળી રહ્યા છે. યોગાનુયોગ પ્રયાગરાજમાં મહાકુંભ પર્વ છે
અને તેની તૈયારી અને પ્રચાર વિશ્વભરમાં થઈ રહ્યો છે - પાકિસ્તાન પછી બાંગલાદેશમાં હિન્દુઓની
કત્લેઆમથી ભારતમાં હિન્દુ સમુદાય વ્યગ્ર છે - ઉગ્ર છે. આ લાગણીનો પડઘો રાજકારણ ઉપર
પડે - ચૂંટણી હોય ત્યારે પ્રચાર થાય તે પણ સ્વાભાવિક છે. યોગીએ કહ્યું બટેંગે તો કટેંગે
- અને મોદીએ સૂત્ર સુધારીને એકતા ઉપર ભાર મૂક્યો. આમ, હવે મિજાજ બદલાયો છે. બીજીબાજુ,
આરબ દેશોમાં મોદીનાં માન - પાન વધ્યાં છે અને પાકિસ્તાનની હાલત બદતર થઈ રહી છે. ભારતમાં
વક્ફ પ્રોપર્ટી અને કાયદામાં સુધારા થઈ રહ્યા છે તે ચૂંટણીલક્ષી નથી, છતાં જ્યારે
- જ્યાં ચૂંટણી હોય ત્યાં તેની અસર દેખાય છે. પુરાતન મંદિરોની ખોજ અને ખોદકામનો વિરોધ
થાય છે, તેનાં પરિણામે પણ હિન્દુ - સનાતન ધર્મીઓની જાગૃતિ અને ભાવના ભડકે છે. ધર્મનો
વિવાદ ઉત્તર ભારતથી દક્ષિણ ભારત જે `દેવભૂમિ' કહેવાય છે ત્યાં પણ વિસ્તર્યો છે.
કેરળમાં આધ્યાત્મિક ગુરુ અને સમાજસુધારક શ્રીનારાયણ ગુરુ - સનાતન ધર્મના ઉપાસક કે પ્રચારક
ન હતા એવું નિવેદન મુખ્યપ્રધાન પિનારાઈ વિજયને કર્યું છે - એક જાતિ, એક ધર્મ અને એક
ઈશ્વરમાં માનતા, મનાવતા ગુરુ સનાતની ન હતા અને વર્ણાશ્રમનો વિરોધ કર્યો હતો એમ કહ્યું
છે. આ નિવેદન પછી કેરળમાં વિવાદ વધ્યો છે. ભાજપના પૂર્વ સાંસદ અને કેન્દ્રમાં પ્રધાન
મુરલીધરને - જેઓ હિન્દુ `ઈઝવા' સમાજના અગ્રણી છે, એમણે મુખ્યપ્રધાનની ટીકા કરી છે અને
કહ્યું છે - ડીએમકે નેતા ઉદયનિધિનું સમર્થન હોવાથી મુખ્યપ્રધાન કેરળમાં સનાતન ધર્મ
સામે વિરોધ ભડકાવી રહ્યા છે ! આ દરમિયાન કેરળમાં ઘણાં મંદિરોમાં પ્રવેશ કરતી વખતે પુરુષોએ
શર્ટ - ખમીસ કાઢી નાખવાનો નિયમ છે, હવે તે રદ કરવાની હિમાયત થઈ રહી છે અને તેમાં શ્રીનારાયણ
ગુરુનું નામ આગળ ધરાય છે. શ્રીનારાયણ ધર્મ પરિપાલન યોગમ દ્વારા સુધારાની હિમાયત થાય
છે ત્યારે મુખ્યપ્રધાને પણ આ સુધારાનું સમર્થન કર્યું છે અને અન્ય - ત્રાવણકૌર ગુરુવાયુર
દેવસ્થાન બોર્ડ, જે મોટાભાગનાં મંદિરોનું સંચાલન કરે છે, તેના તરફથી અલગ અલગ મંદિરોના
સંચાલકોને યોગ્ય નિર્ણય લેવાની છૂટ આપવામાં આવી છે. કેરળમાં માર્ક્સવાદી સરકાર `સેક્યુલર'
છે અને સનાતન ધર્મ બાબતના વિવાદમાં હસ્તક્ષેપ કરે છે !