• ગુરુવાર, 09 જાન્યુઆરી, 2025

અકસ્માતમાં બાળકોનાં મોત થાય તો પોલીસ ફરિયાદ કરજો, લક્ષ્મીપરવાસીઓને ઉડાઉ જવાબ

લક્ષ્મીપર (નેત્રા), તા. 7 : નખત્રાણા તાલુકાના આ ગામ વચ્ચેથી પસાર થતા ભારે માલવાહક વાહનો, ડમ્પર વગેરેની અવર-જવર બંધ કરવા ગ્રામજનોએ નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જો વાહનો બંધ નહીં થાય તો આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી પણ આપવામાં આવી હતી અને પોલીસના ઉડાઉ જવાબ સામે પણ રોષ વ્યકત કરવામાં આવ્યો હતો. ગામના સરપંચ ઓસમાણ સુમરા સાથે 100 જેટલા ગ્રામજનોની સહીઓ સાથે નખત્રાણાના નાયબ કલેકટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે, અમારા ગામમાં રસ્તા ઉપર શાળા આવેલી છે, તેમાં આવતા બાળકોને તકલીફ પડે છે અને આ ઓવરલોડ ડંપરોથી અકસ્માતનો ભય છે. લોડીંગ ગાડીઓથી ગામની અંદર તેમજ સ્થળો હનુમાન મંદિર, શિવ મંદિર, તેમજ અનેક ધાર્મિક સ્થળો ધુળ અને રજથી ભરાઈ જાય છે તેમજ આજુબાજુમાં ખેતી વિસ્તારને પણ આ લીઝધારકો દ્વારા નુકસાન થાય છે તેમજ ગાડીઓ દ્વારા બેથી ત્રણ ગાય અકસ્માતનો ભોગ બને છે. લક્ષ્મીપર નેત્રા, બાંડિયા, ભુજાય નાની, ભુજાય મોટી, ભાડરા મોટા કેટલીક બ્લેક ટ્રેપની લીઝ આવેલી છે અને એમાં કેટલાક મેટ્રીક ટન પ્રતિ લીઝમાં ખનન થાય છે. લીઝધારકો જે રોયલ્ટી પ્રમાણે ખનન કરે છે કે તે ઉપરાંત કેટલા મેટ્રીક ટન ખનન કરે છે. તેઓ રોયલ્ટીથી સરેરાશ ઉપરાંત ખનન કરતા હોય તો સરકારએ લીઝધારકો ઉપર કેટલી વસુલી કરી  છે. તેની યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે. અમારા અંતરીયાળ વિસ્તારના ગામડાઓ છે અને અમારે કોઈપણ ચીજવસ્તુ હોય કે હોસ્પિટલમાં જવાનુ હોય તો અમારે રોડ માત્ર એક જ છે. રસ્તો લક્ષ્મીપર નેત્રા રોડ બે તાલુકા લખપત અને નખત્રાણાને જોડતો રોડ છે અને તે હાલમાં જ બન્યો છે. તેના ઉપર ભારે વાહન અવરજવર કરે છે અને રસ્તાને નુકસાન પહોંચાડે છે તેવું જણાવાયું હતું. વળી ક્યાંક ગ્રામજનોને ધાક-ધમકી અપાતી હોવાની પણ ફરિયાદ કરવામાં આવી હતી. સરપંચે પોલીસ સાથે વાતચીત કરતાં સરપંચના જણાવ્યા મુજબ સ્કૂલના બાળકોની જાનહાનિ થાય તો જવાબદારી કોની, તો જમાદારે જવાબ એવો આપ્યો કે જો બાળકનું મૃત્યુ થાય તો પોલીસ ફરિયાદ કરજો. આવા જવાબ મળે તો આમ જનતાનું શું આવા પોલીસ કર્મીઓ પર યોગ્ય કાર્યવાહી કરવા પણ પત્રમાં માંગણી કરવામાં આવી હતી.   

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd