રાજકોટ, તા. 7 : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન આયોજિત અન્ડર-14
મલ્ટિ-ડે ટૂર્નામેન્ટની ફાઇનલમાં કચ્છ જિલ્લાની ટીમ વિરુદ્ધ રાજકોટ જિલ્લાની ટીમ પહેલા
દાવની સરસાઈના આધારે વિજેતા થઈ ચેમ્પિયન બની છે. રાજકોટ જિલ્લા ટીમ 83.2 ઓવરમાં
268 રને ઓલઆઉટ થઈ હતી, જેમાં ખલિલ લોરિયાના 67, પુષ્પરાજ ગોહિલના પ1 અને કેપ્ટન લવ
નિમાવતના 40 રન મુખ્ય હતા. કચ્છ તરફથી મેન ઓફ ધ મેચ શ્રેય બાપટે 6 વિકેટ લીધી હતી.
આ પછી કચ્છ જિલ્લા ટીમ 213 રને ઓલઆઉટ થઇ હતી. જેમાં પ્રિયાંશ શુકલાના પ1, ધર્મરાજ પંડયાના
47 અને કપ્તાન વેદ જોશીના 38 રન મુખ્ય હતા. લવ નિમાવતે 4 વિકેટ લીધી હતી. બીજા દાવમાં
રાજકોટ જિલ્લા ટીમના 223 રન થયા હતા. સિદ્ધાર્થ વેગડાએ 62, અંશ પરમારે 42 અને દીપ સિદ્ધપરાએ
36 રન કર્યા હતા. શ્રેય બાપટે 3 વિકેટ લીધી હતી. મેચમાં તેની 9 વિકેટ થઈ હતી. બીજા
દાવમાં કચ્છના 4 વિકેટે 106 રન થયા હતા અને મેચ ડ્રો રહી હતી. કીર્તન કોટકે 50, વીર ગોરે 16 રન કર્યા હતા. કોચ
યુવરાજસિંહ જાડેજા રહ્યા હતા. રાજકોટ જિલ્લા ટીમને પહેલા દાવમાં સરસાઇ મળી હતી. આથી
તે અન્ડર-14 ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બની હતી. એસસીએના સેક્રેટરી હિમાંશુ શાહના હસ્તે
ટ્રોફી વિતરણ થયું હતું. તેમણે કચ્છના દેખાવની નોંધ લીધી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત
મહેન્દ્રભાઇ રાજદેએ વિશેષમાં માહિતી આપી હતી કે, સૌરાષ્ટ્ર સ્ટેટની એક ટીમ બનશે, જેમાં
કેસીએ ભુજના ખેલાડીઓને પણ તક મળશે. કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના સિલેકશન કમિટીના સુધીર
તન્ના અને ભૂષણ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ ક્રિકેટ એસોસિયેશન ભુજના સિલેકટર મહિપતસિંહ
રાઠોડ, નવલસિંહ જાડેજા તેમજ રાજેન્દ્રસિંહ જાડેજાએ હાજરી આપી હતી. કે.સી.એ.ના હોદ્દેદારોએ
ટીમને બિરદાવી હતી.