• ગુરુવાર, 09 જાન્યુઆરી, 2025

શંકાસ્પદ ચોખા-ઘઉંનો જથ્થો ભરેલી બોલેરો એલસીબીએ પકડી

ભુજ, તા. 7 : સરકારી અનાજના પુરવઠાના વેપલાની લાંબા સમયથી રાવ છે.  છાસવારે આવા કિસ્સાઓ બહાર પણ આવી ચૂકયા છે. આ વચ્ચે ફરી એલસીબીએ માંડવીના વાંઢથી દરશડી તરફ આવતી શંકાસ્પદ બોલેરોમાંથી બિલ-આધાર વિનાના 1500 કિલો ચોખા અને 915 કિલો ઘઉંના જથ્થા સાથે દુર્ગાપુરના શખ્સને ઝડપી કાયદેસરની કાર્યવાહી  કરી છે. એલસીબીએ જાહેર કરેલી વિગતો મુજબ ઉચ્ચ પોલીસ અધિકારીઓની  સૂચના મુજબ એલસીબીના પી.આઇ. એસ. એન. ચુડાસમા અને પી.એસ. આઇ. ટી.બી. રબારી, એચ.આર. જેઠીએ  સ્ટાફના માણસોને આધાર-પુરાવા વગરની ચીજવસ્તુઓની થતી હેરફેર રોકવા અને આવી પ્રવૃતિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જેને લઇ એલસીબીના એએસઆઇ દેવજીભાઇ મહેશ્વરી, વાલાભાઇ ગોયલ, પ્રદ્યુમનસિંહ ગોહિલ, હે.કો. મૂળરાજભાઇ ગઢવી તથા સુરજભાઇ વેગડા પેટ્રોલિંગમાં હતા ત્યારે વાલાભાઇ અને મુળરાજભાઇને સંયુક્ત બાતમી મળી હતી કે, એક બોલેરો શંકાસ્પદ ચોખા તથા ઘઉંનો જથ્થો ભરી વાંઢથી દરશડી તરફ વેચાણ અર્થે આવી રહી છે. આ બાતમીના આધારે સાજીદઅલી સુલેમાન ચાકી (રહે. દુર્ગાપુર)ના કબજાની બોલેરો નં. જી.જે. 12-એ વાય 5859વાળીમાં ભરેલા ચોખા અને ઘઉંના બાચકાના બિલ-આધાર પુરાવા માગતા તે રજૂ કરી શક્યો નહોતો. શક પડતા ચોખા 1500 કિલો કિ. રૂા. 30,000, 915 કિલો ઘઉં કિ. રૂા. 18,300, એક મોબાઇલ ફોન કિ. રૂા. 5000 અને બોલેરો કિ. રૂા. 1,50,000ના મુદ્માલ સાથે સાજીદઅલીની અટક કરી આગળની કાર્યવાહી અર્થે ગઢશીશા પોલીસને સોંપવામાં આવ્યા છે. - શેરડી પાસેય ડમ્પર અંગે 2.77 લાખનો દંડ વસૂલાયો : આ જ રીતે ગત તા. 10/12ના વાંઢથી શેરડી તરફ જતા માર્ગે બૌંતેર કૃપા કાંટા પાસે વાહન તપાસણી દરમ્યાન એલસીબીએ આધાર-પુરાવા વિના શંકાસ્પદ બોક્સાઇટ (ખનિજ)?ભરેલું ડમ્પર નં. જી.જે. -17-યુ.યુ.-8381વાળું જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી ખનિજ વિભાગને રિપોર્ટ કરતાં ખનિજ વિભાગે રૂા. 2,77,807નો દંડ વસૂલ્યાનું એલસીબીએ જણાવ્યું છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd