• ગુરુવાર, 09 જાન્યુઆરી, 2025

પ્રણવ મુખર્જીની સમાધિ બનશે

નવી દિલ્હી, તા. 7 : કેન્દ્ર સરકારે રાજધાની દિલ્હીમાં `રાષ્ટ્રીય સ્મૃતિ' એટલે કે, રાજઘાટ પરિસરમાં એક વિશેષ સ્થળે પૂર્વ રાષ્ટ્રપતિ દિવંગત પ્રણવ મુખર્જીની સમાધિ બનાવવાનો મોટો નિર્ણય લીધો હતો, જેને લેખિકા અને મુખર્જીના પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ વધાવતાં મોદી સરકારનો આભાર માન્યો હતો. એક મીડિયા હેવાલ મુજબ, શર્મિષ્ઠાએ સોશિયલ મીડિયામાં આ અંગે જાણકારી આપતાં કહ્યું હતું કે, કેન્દ્ર સરકારના નિર્ણય માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી અને તેમના સરાહનીય પગલાં બદલ આભાર માન્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સમાધિ નિર્માણ માટે તેમણે કોઈ માંગ કરી નહોતી તેમ છતાં સરકારે દયાભાવ અને કૃતજ્ઞતા વ્યક્ત કરી છે, તે મહત્ત્વનું છે. શર્મિષ્ઠા મુખર્જીએ ઉમેર્યું હતું કે, મારા પિતા એવું કહેતા હતા  કે, સન્માન માગવું જોઈએ નહીં, પરંતુ આપમેળે મળવું જોઈએ. હું આભારી છું કે, મોદી સરકારે તેમને સન્માન આપ્યું. અલબત્ત, મારા પિતાને આ દુનિયામાં ન હોવાથી આલોચના કે પ્રશંસાથી તેઓ પર છે, પણ પુત્રી તરીકે મને રાજીપો છે તેમ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન બાદ કોંગ્રેસની કાર્ય સમિતિએ બેઠક બોલાવી સ્મારક બનાવવા પ્રસ્તાવ મુક્યો હતો અને કેન્દ્ર સરકાર પાસે માંગ કરી હતી ત્યારે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન વખતે આવી કોઈ બેઠક કેમ બોલાવી નહોતી તેવો સવાલ પણ શર્મિષ્ઠાએ કર્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd