• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

જનાદેશ : ભૂતકાળ કે ભવિષ્ય માટે ?

રાજકીય પ્રવાહો : કુન્દન વ્યાસ : ચૂંટણીનાં રાજકારણમાં હવે નિતનવા મુદ્દા આવી રહ્યા છે ! વિકાસ, ભવિષ્યના ભારતને બદલે ભૂતકાળના વિવાદાસ્પદ મુદ્દા - વિષય લાવવામાં આવી રહ્યા છે. કોલકાતાના બળાત્કાર અને કરપીણ હત્યાના કેસમાં અત્યારે ન્યાય અપાવવાને બદલે ભવિષ્યમાં અપરાધ થાય તો ફાંસીની સજા થશે - એવો બચાવ - મુદ્દો રજૂ થયો છે. બીજી તરફ, જાતિવાદી વસતિ ગણતરી, છત્રપતિ શિવાજી અને વીર સાવરકર ચૂંટણીના જંગમાં હોય એવું ચિત્ર ઉપસે છે ! ચૂંટણી કાશ્મીરમાં પણ છે, ત્યારે ત્યાંની સ્થિતિ - અલગતાવાદીઓની વકીલાત અને ઉમેદવારી થઈ રહી છે, તેની ચિંતા નેતાઓને નથી ! મણિપુરમાં ચીનનો ડોળો અને અમેરિકાનો હાથ હોવાના અહેવાલ આવી રહ્યા છે. પાકિસ્તાન ઇશાન ભારતને તોડવાના ખ્વાબ જુએ છે, બાંગલાદેશમાં હિન્દુઓની હાલતની લેશમાત્ર ચિંતા આંતરરાષ્ટ્રીય માનવઅધિકારની બૂમરાણ મચાવનારાને નથી ! આ સ્થિતિ અને સંજોગો ભારતનાં ભવિષ્ય ઉપર અસર પાડી રહ્યા છે, ત્યારે નેતાઓને સત્તા-ખુરશીની જ ચિંતા છે, પણ લોકો સત્તા માટેનો તમાશો જોયા પછી ચુકાદો આપશે - ભૂતકાળ કે ભવિષ્ય માટે ? પશ્ચિમ બંગાળમાં ભારેલો અગ્નિ છે. બાંગલાદેશના હિન્દુઓ ક્યાં જાય ? ક્યાં જશે ? તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ પૂર્વ પાકિસ્તાનના ભાગલામાં યોગ્ય ભાગ ભજવ્યો. સહાય કરી અને દસ લાખથી વધુ પૂર્વ બંગાળીઓને ભારતમાં આશ્રય આપ્યો - તે બધા હિન્દુ ન હતા. બાંગલાદેશી મુસ્લિમોની બહુમતી આજે પણ ભારતમાં સલામત છે. વડાપ્રધાન મોદીએ વિશ્વભરમાં અટવાઈ પડેલા ભારતીય લોકો - માત્ર હિન્દુ નહીં - ને ઉગાર્યા છે, પણ બાંગલાદેશના હિન્દુઓને કેવી રીતે ઉગારવા ? મમતાદીદીએ લઘુમતીનાં નામે વોટ બેન્ક જમાવી છે. કોલકાતાની હોસ્પિટલમાં થયેલા પાશવી બળાત્કાર અને અપરાધીઓને બચાવવાના પ્રયાસ થઈ રહ્યા છે, પણ યુવાવર્ગ અને મહિલાવર્ગ આક્રમક છે. આ ઘટનાને રાજકીય સ્વરૂપ આપવામાં આવ્યું છે - એવી ફરિયાદ મમતાના સમર્થકો કરી રહ્યા છે, પણ વિદ્યાર્થી અને લોકઆંદોલનને રાજકીય સાથ મળે નહીં તો શું થાય ? રાજ્ય સરકાર સખત હાથે આંદોલન કચડી નાખવા તૈયાર છે ! અને સરકાર કરે તે રાજકારણ નથી ? રાજ્યમાં ડાબેરીઓ વિકલ્પ નથી, ત્યારે ભાજપ સિવાય કયો પક્ષ મેદાનમાં છે ? મમતાની આપખુદી અને લઘુમતીવાદની વોટ બેન્ક છે - પણ હવે જનતા જાગી છે અને મમતાનો `બુરખો' ઊતરી ગયો છે, ત્યારે એમણે ભવિષ્યમાં બળાત્કારી - મહિલા ઉપરના અપરાધીઓને ફાંસીની સજાની હિમાયત - ભલામણ કરતો ઠરાવ વિધાનસભામાં પસાર કર્યો છે - ભાજપનો ટેકો પણ છે. આવો ઠરાવ લાવીને મમતા બેનરજી એમ બતાવવાનો પ્રયાસ કરે છે કે મોદી અને ભાજપથી તેઓ આગળ અને સચિંત છે ! સક્રિય પણ છે ! આવો ઠરાવ કરવાથી આંદોલન શાંત - સમેટાઈ જશે એમ તેઓ માને છે ! ભાજપના સભ્યોને કહે છે - હવે તમે ગવર્નરને કહો કે ઠરાવ રાષ્ટ્રપતિને મોકલી આપે ! જેથી મમતાજી કહી શકે - મોદી સરકાર મંજૂરી આપતી નથી ! વાસ્તવમાં મમતાજી ટાંગ ઊંચી બતાવીને નાક ઉપર પાટા - પીંડી બતાવી રહ્યાં છે. મહિલાઓને બચાવવા માટે નહીં, પોતાની ખુરશી બચાવવા માગે છે - લોકોનું ધ્યાન બીજી દિશામાં ખેંચવાનો નિષ્ફળ પ્રયત્ન છે. બીજી બાજુ, મમતા - સરકાર સીબીઆઈની તપાસ રોકવા માટે અવરોધ ઊભા કરે છે. કેન્દ્ર સરકારે હાઈકોર્ટ સમક્ષ ફરિયાદ કરી છે કે રાજ્ય સરકાર સહકાર આપતી નથી. હોસ્પિટલની નજીકમાં તપાસ અધિકારીઓને `ઉતારો' - રહેવાની સગવડ આપી નથી તેથી એક કલાકની બસયાત્રા કરવી પડે છે. અન્ય કોઈ સુવિધા મળતી નથી ! 54 મહિલા સહિત 184ની ફોજ તપાસ માટે મોકલવામાં આવી છે. એમની સ્થાનિક સલામતી માટે સાધનો અપાયાં નથી. રાજકારણની ફરિયાદ થાય છે - ત્યારે દેશભરમાં સૌપ્રથમ બંગાળ વિધાનસભાએ ફાંસીની માગણી કરી હોવાનો દાવો થાય છે - પણ મહારાષ્ટ્ર અને આંધ્ર વિધાનસભાએ દસ વર્ષ પહેલાં આવા ઠરાવ પસાર કર્યા છે ! વર્ષ 2012માં દિલ્હીમાં આવી જ ઘટના પછી જસ્ટિસ જે. એસ. વર્મા કમિટી નીમવામાં આવી હતી - અને તેના અહેવાલમાં જણાવાયું હતું કે ફાંસીની સજાના ડરને કારણે આવા ગુના નહીં થાય એવી ખાતરી નથી - તેથી ફાંસીના બદલે સખત સજાની જોગવાઈ હોવી જોઈએ. આ ભલામણનો સ્વીકાર થયો નહીં. વાસ્તવમાં ભારત ન્યાય સંહિતામાં પણ ફાંસીની જોગવાઈ છે. દેશભરમાં રોજેરોજ બળાત્કાર થાય છે એવી દલીલ થાય છે - પણ દિલ્હી અને કોલકાતાની ઘટના ભયાનકમાં ભયાનક છે - તેનો ઈનકાર થઈ શકે ? દિલ્હીના ગુનેગારને ફાંસી આઠ વર્ષે મળી - આ વિલંબ વધુ અસહ્ય છે. હવે જનતાની અદાલત નેતાનાં રાજકારણનો કેવો ચુકાદો આપશે, તે જોવાનું છે ! મહારાષ્ટ્રનાં રાજકારણમાં છત્રપતિ શિવાજી મહારાજનાં નામે વિવાદ - વિધાનસભાની ચૂંટણી નવેમ્બરમાં થાય ત્યાં સુધી ચાલુ રહેશે. 35 ફૂટની પ્રતિમા તૂટી પડી એ મહારાષ્ટ્રનું અપમાન છે, પણ શિવાજી માત્ર મહારાષ્ટ્રના હતા ? ગુજરાતમાં ઝવેરચંદ મેઘાણી - અને શિવાજીનું હાલરડું કોઈને યાદ છે ? વડાપ્રધાને મહારાષ્ટ્રની ધરતી ઉપર આવીને નતમસ્તકે માફી માગી - ક્ષમાયાચના કરી. માત્ર શિવાજીની નહીં - તમામ જેમની લાગણી પણ દુભાઈ છે તે સૌની. છતાં, શિવસેના અને રાષ્ટ્રવાદી તથા કોંગ્રેસે `જોડા માર' આંદોલન કર્યું. મહારાષ્ટ્રમાં વિપક્ષી આંદોલનો ઘણાં થયાં છે - પણ જોડા મારનાં દૃશ્ય પ્રથમ છે! મહારાષ્ટ્રની સંસ્કૃતિ અને રાજકારણ માટે આ શોભાસ્પદ નથી - છતાં શરદ પવાર જેવા વરિષ્ઠ નેતા વિરોધને શિષ્ટ સ્વરૂપ આપી શક્યા નહીં ! આ પછી નવો વિવાદ શરૂ થયો. શિવાજી મહારાજની પ્રતિમામાં ડાબા કપાળ ઉપર - એમની પાઘડી - (સાફા) - નીચે તલવારના ઘાનું નિશાન છે. શિલ્પકારના કહેવા મુજબ શિવાજીએ વર્ષ 1659માં પ્રતાપગઢમાં અફઝલ ખાનને માર્યો ત્યારની ઝપાઝપીમાં આ ઘાવ થયો હતો, જ્યારે કેટલાક મરાઠા ઈતિહાસકારો કહે છે કે અફઝલ ખાનના બ્રાહ્મણ સૈનિક કૃષ્ણાજી ભાસ્કર કુલકર્ણીનો આ `ઘા' હતો! ગમે તેમ પણ શિવાજીની હજ્જારો - લાખ્ખો પ્રતિમા અને ફોટા છે, પણ આવો ઘાવ દૃશ્યમાન નથી - હવે વિવાદ શા માટે? પંડિત નેહરુએ છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન `િડસ્કવરી ઓફ ઈન્ડિયા'માં કર્યું છે એ મુદ્દો દેવેન્દ્ર ફડણવીસે ઉઠાવ્યો, ત્યારે શરદ પવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી કે શિવાજી સાથે વી. ડી. સાવરકરની સરખામણી કેવી રીતે કરાય ? ઉદ્ધવ ઠાકરે કહે છે કે મોદીની માફીમાં અહંકાર છે ! ઉત્તરપ્રદેશ અને અન્ય રાજ્યોમાં ગેરકાયદે બાંધકામ અને માફિયાઓ સામે `બુલડોઝર' વપરાય છે ત્યારે હવે સુપ્રીમ કોર્ટે `કાયદેસર કાર્યવાહી માટે માર્ગદર્શક નોંધ નીતિ'નું સૂચન કર્યું છે, પણ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ `બુલડોઝર બાબા' સામે જંગે ચડયા છે ! માફિયા સામે નાક રગડતા નેતાઓ હવે યોગીને પડકારી રહ્યા છે ! જમ્મુ - કાશ્મીરમાં ભારતની એકતા અને સલામતીનો સવાલ છે. ચૂંટણીના ભ્રષ્ટાચાર અને નકલી ચૂંટણી પછી હવે મુક્ત ચૂંટણી થઈ રહી છે ત્યારે અલગતાવાદી અને આતંકવાદીઓ છડેચોક મેદાનમાં છે. કોંગ્રેસે નેશનલ કોન્ફરન્સ સાથે સમજૂતી કરી છે અને રાહુલ ગાંધી `રાજ્ય'નો દરજ્જો પાછો આપવાનું વચન આપે છે. 370મી કલમ ફરીથી લાવવાનું વચન અબદુલ્લા અને મુફતી આપે છે ! રાહુલ ગાંધી તો કહે છે કે મોદીએ તમારાં `રાજ્ય' પદને ખૂંચવી, ઝૂંટવી લીધું છે, તે હું પાછું અપાવીશ... સત્તાનાં રાજકારણમાં ક્યાંય રાષ્ટ્રવાદ અથવા રાષ્ટ્રહિતની ચિંતા છે ? પ્રદેશવાદ, જાતિવાદ અને કોમવાદનાં કારણે રાષ્ટ્રને તુચ્છ રાજકારણનું ગ્રહણ લાગ્યું છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang