• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

નિરજ માત્ર 1 સેન્ટીમીટરથી ખિતાબ ચૂક્યો

બ્રસેલ્સ, તા. 15 : ભારતનો સ્ટાર ભાલા ફેંક ખેલાડી નિરજ ચોપરા ડાયમંડ લીગનો ખિતાબ માત્ર એક સેન્ટીમીટરથી ચૂકી ગયો છે. ડાયમંડ લીગ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના ફાઇનલ રાઉન્ડમાં 87.86 મીટરના થ્રો સાથે સતત બીજીવાર ચોપરાએ બીજા સ્થાને રહીને સંતોષ માનવો પડયો છે. નિરજ ફરી એકવાર 90 મીટરને પાર કરી શક્યો નથી. બે વખતના ઓલિમ્પિક મેડલિસ્ટ ભારતના આ સ્ટાર ભાલાફેંક ખેલાડીએ 2022માં ડાયમંડ લીગની પ્રતિષ્ઠિત ટ્રોફી જીતી હતી. ગયાં વર્ષે બીજા સ્થાને રહ્યો હતો. તેણે આ વખતે ત્રીજા પ્રયાસમાં 87.86 મીટરનો બેસ્ટ થ્રો કર્યો હતો. ચેમ્પિયન ગ્રેનેડાના ખેલાડી એન્ડરસન પીટર્સે 87.87 મીટરનો થ્રો કર્યો હતો. જે નિરજથી ફક્ત એક સેન્ટીમીટર વધુ દૂર હતો. જર્મન એથ્લેટ જુલિયન વેબર 8પ.97 મીટરના થ્રો સાથે ત્રીજા નંબર પર રહ્યો હતો. નિરજ ચોપરાનો અંગત સર્વશ્રેષ્ઠ દેખાવ 89.94 મીટર છે જ્યારે સીઝનનો શ્રેષ્ઠ થ્રો 89.49 મીટર છે. તેણે ડાયમંડ લીગના ફાઇનલમાં 6 પ્રયાસમાં 86.82, 83.49, 87.86, 82.04, 83.30 અને 86.46 મીટર દૂર થ્રો કર્યા હતા. ચેમ્પિયન બનનાર એન્ડરસનને ટ્રોફી સાથે 30 હજાર ડોલર મળ્યા હતા જ્યારે બીજા સ્થાન પરના નિરજને 12 હજાર ડોલર મળ્યા હતા. ભારતીય દોડવીર અવિનાશ સાબલેએ ડાયમંડ લીગના ફાઇનલમાં પહેલીવાર ભાગ લીધો હતો. 3000 મીટર સ્ટીપલચેઝ રેસમાં તે 8 મિનિટ અને 17.09 સેકન્ડના સમય સાથે 10 ખેલાડીઓ વચ્ચે નવમા સ્થાને રહ્યો હતો. ડાયમંડ લીગ ફાઇનલમાં પહેલીવાર ભારતના બે એથ્લેટે ભાગ લીધો હતો. - નિરજનો જુસ્સો : હાથમાં ફ્રેકચર છતાં ડાયમંડ લીગમાં ઉતર્યો : બ્રસેલ્સ તા. 1પ : સ્ટાર એથ્લેટ નિરજ ચોપરાએ ખુલાસો કર્યોં છે કે હાથના ફ્રેકચર છતાં તે ડાયમંડ લીગના ફાઇનલમાં ઉતર્યો હતો. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે ડાયમંડ લીગ ફાઇનલમાં નિરજ 87.86 મીટરના થ્રો સાથે બીજા સ્થાને રહ્યો હતો. નિરજે જણાવ્યું કે ટ્રેનિંગ સેશન દરમિયાન હાથની ઇજા છતાં તે મેદાનમાં ઉતર્યો હતો. એકસ-રેમાં ખબર પડી કે મારા ડાબા હાથના હાડકામાં ફ્રેકચર છે. મારા માટે આ એક દર્દદાયક પડકાર હતો, પણ મારી ટીમની મદદથી બ્રસેલ્સમાં ભાગ લેવામાં સફળ રહ્યો. આ વર્ષની અંતિમ ટૂર્નામેન્ટ હતી. હું મારી આશા પર ખરો ઉતરી શકયો નહીં. જો કે મારા માટે આ સિઝન એવી રહી કે ઘણું શિખવાનું મળ્યું. હવે હું સંપૂર્ણ રીતે ફિટ બનીને વાપસી કરીશ. નિરજ ચોપરા આખી સિઝનમાં ઇજાથી પીડાતો રહ્યો. તે સ્નાયૂ ખેંચાઇ જવાની ઈજામાંથી બહાર આવવા ડોકટરને મળશે. હવે હાથમાં નવી ઇજા થઇ છે. નિરજ અંતમાં કહે છે કે આપના પ્રોત્સાહન માટે આભાર. 2024એ મને એક સારો એથ્લેટ અને ઇન્સાન બનાવ્યો. 202પમાં મળીશું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang