• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

તબીબો અને મમતા વચ્ચે મડાગાંઠ જારી

કોલકાતા, તા. 14 : કોલકાતા દુષ્કર્મ અને હત્યાકાંડના વિરોધમાં ઉગ્ર દેખાવો કરી રહેલા તબીબો અને મુખ્યમંત્રી મમતા બેનર્જી વચ્ચે શુક્રવારે યોજાયેલી બીજી બેઠક પણ નિષ્ફળ રહી હતી. તબીબો બેઠકના લાઈવ સ્ટ્રીમિંગની માંગને વળગી રહેતાં મમતાએ કહ્યું હતું કે, આપ આવી રીતે મારું અપમાન નથી કરી શકતા. અગાઉ તબીબોને મળવા સામે ચાલીને સોલ્ટબેકમાં ધરણા સ્થળે પહોંચી ગયેલાં મમતા બેનર્જીનું જલદ પ્રકૃતિથી વિપરીત નરમ વલણ જોવા મળ્યું હતું. તેમણે તબીબોને કહ્યું હતું કે, હું આપ સૌને મુખ્યમંત્રી તરીકે નહીં, પણ આપની `દીદી' તરીકે મળવા આવી છું. `લાગણીશીલતા'નો દાવ ચાલતાં મમતાએ કહ્યું હતું કે, આપ સૌ?તબીબો રસ્તા પર હતા, એ કારણે હું પણ રાત્રે સૂઈ નથી શકતી. મને મુખ્યમંત્રી પદની પરવા નથી. હું સૌ તબીબોની સાથે છું. હું સીબીઆઈ દોષીઓને ફાંસીની સજા અપાવે, તેવી માંગ કરું છું, તેવું મમતાએ જણાવ્યું હતું. આપ સૌ તબીબ ફરજ પર પાછા ફરશો તો વચન આપું છું કે, આપની તમામ માંગ પર સહાનુભૂતિ સાથે વિચાર કરાશે. મને થોડો સમય આપો તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. વિરોધ કરી રહેલા તબીબો વિરુદ્ધ રાજ્ય સરકાર કોઈ પગલાં નહીં લે. વિદ્યાર્થી જીવનમાં મેં પણ ઘણાં આંદોલન કર્યાં?છે. મને આપ સૌની સુરક્ષાની ચિંતા છે, તેવું તેમણે કહ્યું હતું. મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે, હું આપનાં પ્રદર્શનને સલામ કરું છું. આપની સાથે અન્યાય થવા નહીં દેવાય. આ મારો અંતિમ પ્રયાસ છે, તેવું અગાઉ ત્રણવાર કોશિશ કરી ચૂકેલાં બેનર્જીએ કહ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang