• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

હવે ડોક્ટરો દર્દીઓનો વિચાર કરે

પશ્ચિમ બંગાળમાં જુનિયર ડોક્ટરોએ સુપ્રીમ કોર્ટના નિર્દેશ છતાં કામ પર પાછા ફરવાનો ઈન્કાર કર્યો છે અને કહ્યું છે કે, જ્યાં સુધી તેમની માગણીઓ પૂરી થાય નહીં અને આર.જી. કર હોસ્પિટલની પીડિતાને ન્યાય મળે નહીં, ત્યાં સુધી તેઓ કામ બંધ રાખશે. કોલકાતાના પોલીસ કમિશનર, રાજ્ય સ્વાસ્થ્ય સચિવ, સ્વાસ્થ્ય શિક્ષણ ડિરેક્ટર અને સ્વાસ્થ્ય સેવા ડિરેક્ટરને તેમના પદોથી દૂર કરવાની માંગ પણ છે. કોલકાતાની કોલેજમાં બનેલી દર્દનાક ઘટનાને મહિનાથી વધુ સમય થઈ ગયો, તો પણ સુપ્રીમ કોર્ટની દરમિયાનગીરી અને સમયસીમા નક્કી થયા પછી પણ ડોક્ટરો કામે નથી ચઢતા, તો આ ખરેખર ચિંતાની બાબત છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ડોક્ટરોને મંત્રણા માટે બોલાવ્યા, તેનોય બહિષ્કાર થયા પછી મમતાએ રાજીનામું આપવાની તૈયારી દર્શાવી છે. સંદિગ્ધ આરોપી છ કલાકની અંદર કોલકાતા પોલીસ દ્વારા પકડાયો, કોલકાતા હાઈકોર્ટ દ્વારા કેસની તપાસ સીબીઆઈને સોંપાઈ અને કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા કોલેજના પ્રિન્સિપાલ સંદીપ ઘોષની ધરપકડ થઈ, તો પણ આક્રોશિત ડોક્ટરોને વિશ્વાસ નથી. આ `અવિશ્વાસ' સંપૂર્ણ તંત્ર પર ગંભીર ટિપ્પણી છે. સરકાર-ડોક્ટરોના ટકરાવનાં કારણે પશ્ચિમ બંગાળમાં દર્દીઓ ભોગ બન્યા છે. હડતાળનાં કારણે રાજ્યમાં 23 દર્દીનાં મોત થયાં છે. એમાં બેમત નથી કે, `આર.જી. કર' કોલેજ અને હોસ્પિટલની ઘટનાના કેસમાં પશ્ચિમ બંગાળ સરકારની અસંવેદનશીલતાએ અધિક જટિલ બનાવ્યું છે. આ ઘટના કોલકાતામાં બની અને સરકાર જાણતી હતી કે, જો ડોક્ટર આંદોલન કરશે તો આખા રાજ્યમાં સ્વાસ્થ્ય સેવાઓ કથળી જશે. તેની પાસે બહાનું પણ નથી કે સરકારી સ્વાસ્થ્ય સેવાઓ બાધિત થવાથી સમાજના સૌથી વધુ ગરીબ વર્ગને વધુ પીડા ભોગવવી પડે છે. આમ છતાં સાથી ડોક્ટરનાં મોતથી રોષે ભરાયેલા ડોક્ટરોના મર્મને મલમપટ્ટી કરવાના બદલે તૃણમૂલ કોંગ્રેસના કેટલાક પ્રધાનો, સાંસદો તેમના જખમ પર મીઠું ભભરાવવા જેવાં શબ્દબાણ ચલાવતાં રહ્યાં. પરિણામે આંદોલનકારી ડોક્ટરો અને આમજનતામાં એ જ સંદેશ ગયો કે પીડિતાને ન્યાય આસાનીથી નહીં મળી શકે, આ માટે આંદોલન વધુ તીવ્ર બનાવવું પડશે. કેસ હવે સીબીઆઈ હસ્તક છે, જેનું નિયંત્રણ મમતા સરકારના હાથમાં નથી. સ્વયં સુપ્રીમ કોર્ટ આ એજન્સી પાસેથી રિપોર્ટ માગી રહી છે, આમ છતાં આંદોલનકારી ડોક્ટરો કેમ સંતુષ્ટ નથી થતા? તેમને એ સમજવાનું રહેશે કે ન્યાયની કોઈ પણ માંગ નૈતિકતા વિહીન ન હોઈ શકે. પીડાથી કણસતા દર્દીઓ પ્રતિ પણ તેમના કેટલાંક દાયિત્વ છે. બન્ને પક્ષોએ ટકરાવને બદલે ઉકેલ માટે સંયુક્ત પ્રયાસ કરવા જોઈએ. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang