• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

દુલિપ ટ્રોફીમાં ત્રીજા દિવસે લાગી ત્રણ સદી

નવી દિલ્હી, તા. 14 : દુલિપ ટ્રોફી 2024માં શનિવારે ઓલરાઉન્ડર તિલક વર્મા, બેટ્સમેન અભિમન્યુ ઈશ્વરન અને પ્રથમ સિંહે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ત્રણેય ખેલાડીએ દુલિપ ટ્રોફીના બીજા રાઉન્ડના ત્રીજા દિવસે સદી કરી હતી. ટૂર્નામેન્ટમાં ઇન્ડિયા એનો હિસ્સો રહેલા તિલકે બીજી ઇનિંગમાં ઇન્ડિયા ડીના બોલરોને ધોયા હતા. ત્રીજા નંબરે ઉતર્યા બાદ 177 બોલમાં સદી પુરી કરી હતી. આ દરમિયાન તિલકે નવ ચોગ્ગા ફટકાર્યા હતા. આ તિલકની પાંચમી ફર્સ્ટ ક્લાસ કેરિયર સદી  છે. તિલકને આ સદીથી ઘણો આત્મવિશ્વાસ મળશે. તિલક ભારતને ચાર વન ડે અને 16 ટી20 જીતી ચૂક્યો છે. તિલક પહેલા ઇન્ડિયા એ માટે ત્રીજા દિવસે ઓપનર પ્રથમસિંહે સદી કરી હતી. રેલવેના ડાબેરી બેટ્સમેને અનંતપુર ક્રિકેટ ગ્રાઉન્ડમાં 189 બોલમાં 12 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 122 રનની ઇનિંગ રમી હતી. પ્રથમે દુલિપ ટ્રોફીમાં પહેલી વખત સદી કરી છે. પ્રથમે તિલક સાથે બીજી વિકેટ માટે 104 રનની ભાગીદારી કરી હતી. પ્રથમે પહેલી ઇનિંગમાં સાત અને તિલકે 10 રન કર્યા હતા. તેણે 2017મા ઘરેલુ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. રેલવે માટે પ્રથમ ત્રણેય પ્રારૂપમાં 1000થી વધારે રન કરી ચૂક્યો છે. બીજી તરફ ઇન્ડિયા બીના કેપ્ટન અને ઓપનિંગ બેટ્સમેન અભિમન્યુ ઇશ્વરને ઇન્ડિયા સી સામે પહેલી ઇનિંગમાં સારી બેટિંગ કરી હતી. તેણે મુશ્કેલ સમયમાં સદી કરી હતી. ઇન્ડિયા સીએ પહેલી ઇનિંગમાં 525 રનનો વિશાળ સ્કોર કર્યો હતો. ઈશ્વરને પોતાની ટીમને સારી શરૂઆત અપાવી હતી. તેણે એન જગદીશન સાથે મળીને પહેલી વિકેટ માટે 129 રનની ભાગીદારી કરી હતી. બાદમાં મુશીર ખાન (0), સરફરાઝ ખાન (16) અને રિંકુ સિંહ (6)કોઈ કમાલ બતાવી શક્યા નહોતા.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang