• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

મોદીનું ગુજરાતમાં આગમન ; રાજભવનમાં બેઠકો

અમદાવાદ, તા. 15 (અમારા પ્રતિનિધિ તરફથી) : ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ આજે સૌપ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે ગુજરાતની  ત્રિ-દિવસીય મુલાકાતે આવી પહોંચ્યા હતા. મોદી રાત્રે રાજભવન પહોંચ્યા હતા અને બેઠકો યોજી સરકારની કામગીરીની સમીક્ષા કરી હતી. અમદાવાદ એરપોર્ટ પર રાજ્યપાલ  આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી સીધા જ તેઓ ગાંધીનગર જવા રવાના થયા હતા. અગાઉ તેઓ વડસર જવાના હતા. આ કાર્યક્રમ અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. પરંતુ આ કાર્યક્રમ હવે આવતીકાલે હાથ ધરાય તેવું સૂત્રોએ કહ્યું હતું. તેઓ રાત્રિના 8 વાગ્યાની આસપાસ રાજભવન પહોંચ્યા હતા. આવતીકાલે વડાપ્રધાન છ હજાર કરોડથી વધુના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 20866 શહેરી અને 35657 ગ્રામીણ આવાસનું લોકાર્પણ કરવામાં આવશે તેમજ 30,000 નવા આવાસની મંજૂરી અને પ્રથમ હપ્તાના 90 કરોડ લાભાર્થીનાં બેંક ખાતામાં ડીબીટી મારફતે લાભ આપવામાં આવશે. ઉપરાંત તેઓ 25 કાર્યોનું લોકાર્પણ, અમદાવાદ ભુજ વચ્ચેની વંદે મેટ્રોને પણ લીલીઝંડી આપશે. આ માટે અમદાવાદ ખાતે આયોજિત કાર્યક્રમમાં બપોરે ત્રણેક વાગ્યે નવી સેવાનો આરંભ કરાવશે. ઉપરાંત ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગનાં 6 પ્રકલ્પો, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડનાં મોટેરાથી સેક્ટર-1 અને જીએનએલયુથી ગિફ્ટ સીટી મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ કરશે તેમજ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટી ગિફ્ટ સીટીના 1 પ્રકલ્પનું લોકાર્પણ કરશે તેમજ ભારતીય રેલવેના 2 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને 7 ટ્રેનોનું ફ્લેગ ઓફ કરશે. વધુમાં આજે રાત્રે તેઓ ગાંધીનગરમાં સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં વીડિયો કોન્ફરન્સથી હાજર રહેવાના છે. જેમાં સોમનાથ મંદિરનાં પ્રાંગણમાં ફેરફાર, વિકાસ અને સુધારો કરવાનાં કામ અંગે ચર્ચા થશે તેમજ આગામી દિવસોમાં સોમનાથ મંદિરનું પ્રવેશદ્વાર બેડીગેટ સુધી લઈ જવાનું આયોજન છે તેમજ ગત બેઠકમાં નક્કી કરાયેલા કામની પણ સમીક્ષા અને પ્રાથમિક ચર્ચા થશે. નોંધનીય છે કે સોમનાથ મંદિર ટ્રસ્ટની 123મી બેઠક યોજનાર છે.  ઉપરાંત અધિકારીઓ અને નેતાઓ સાથે અનેક મંદિરો અંગેની વાતચીત પણ કરશે તેવી શક્યતા છે. તા. 15, 16 અને 17 સપ્ટેમ્બર ત્રણ દિવસ વડાપ્રધાન ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. જેને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. ત્યારે તા. 16ના  ઈદ-એ મિલાદનું જૂલુસ તેમજ તા. 17નાં  ગણેશ વિસર્જન હોઈ પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વડાપ્રધાનની ગુજરાત મુલાકાતને લઈ અમદાવાદ, વડોદરા અને સુરતમાં પોલીસ દ્વારા કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang