• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

કેજરીવાલનો દાવ સફળ થાશે ?

- કુન્દન વ્યાસ તરફથી  : અરવિંદ કેજરીવાલે બેથી ત્રણ દિવસમાં દિલ્હીના મુખ્યપ્રધાનપદેથી રાજીનામુ આપવાની જાહેરાત કરી છે. આ જાહેરાત અત્યારે શા માટે કરી ? આ સ્ટંટ છે ? કે એમનો વ્યૂહ છે ? આ બાબત વિશે રાજકીય વર્તુળોમાં અને મિડિયામાં જોરદાર ચર્ચાઓ શરૂ થઇ છે. હકીકત એ છે કે એમણે મહારાષ્ટ્રની સાથે દિલ્હીમાં નવેમ્બર મહિનામાં ચૂંટણી યોજવાની માગણી કરી છે. એમણે રાજીનામુ આપવુ અનિવાર્ય હતુ કારણ કે જેલમાંથી તેઓ જામીન ઉપર છૂટયા છે પણ એમને મુખ્યપ્રધાન કાર્યાલયમાં જઇને કામ કરવાની મનાઇ છે. તેથી માત્ર નામ પૂરતા જ મુખ્યપ્રધાન છે. આવા સંજોગોમાં રાજીનામાની જાહેરાત કરીને અને જનતાની અદાલતમાં જવાની વાત એક નિશ્ચિત વ્યૂહ છે. એમણે નવેમ્બરમાં ચૂંટણી યોજવાની માગણી કરી છે એની પાછળ ગણતરી એવી હોય શકે કે આતીશી કે કોઇ અન્યને પક્ષમાંથી મુખ્યપ્રધાન બનાવે તો વિધાનસભા ઠરાવ પસાર કરી વહેલી ચૂંટણી યોજવાની માગ કરી શકે છે. પણ એમને શંકા કે ડર એ છે કે જો વિધાનસભાનું વિસર્જન થાય તો વહેલી ચૂંટણીને બદલે રાષ્ટ્રપતિ શાસન આવી જાય તો એમની બાજી ઉંધી વળે આવા સંજોગોમાં આગામી મહિનામાં અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં પોતાના પક્ષનો અક્રામક પ્રચાર કરવા માગે છે. એમનો એક મુદ્દો છે કે જનતાની અદાલતમાં ચુકાદો મળે કે તેઓ ગુનેગાર છે કે નહીં. ભૂતકાળમાં ઇંદિરા ગાંધીએ આ માર્ગ લીધો હતો અને જનતાની અદાલતમાં ચુકાદો મેળવ્યો હતો. પણ હવે સુપ્રીમ કોર્ટમાં આખરી ચુકાદો કયારે આવે એના ઉપર ઘણો આધાર રહેશે. મહારાષ્ટ્રની સાથે નવેમ્બરમાં જ દિલ્હીમાં ચૂંટણી કરાવવાની પાછળ અત્યારના જે માહોલ સર્જાયો છે તેનો લાભ ઉઠાવવાની એમની ગણતરી છે. શકયતા એવી પણ ચર્ચાય છે કે કોંગ્રેસના રાહુલ ગાંધી સામે પણ પડકાર ઉભો થઇ રહ્યો છે. અત્યારે રાજીનામુ આપ્યા પછી પણ રાજકીય સ્થિતી પ્રવાહી અને અનિશ્ચિત રહેશે. ગમે તેમ પણ રાજીનામાનો દાવ ખેલવાથી વિપક્ષી રાજકારણમાં પણ ખળભળાટ શરૂ થયો છે. રાજીનામુ આપીને કેજરીવાલ હિરો બનશે કે ઝિરો ? એ આવનારામાં સમયમાં સ્પષ્ટ થશે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang