• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

કેજરીવાલનું રાજીનામાનું એલાન

નવી દિલ્હી, તા. 15 : શરાબનીતિ કૌભાંડમાં જામીન મળતાં 177 દિવસે જેલમાંથી બહાર આવ્યાના બે દિવસ બાદ અરવિંદ કેજરીવાલે રવિવારે એવું એલાન કર્યું હતું કે, હું બે દિવસ બાદ મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપી દઇશ. કેજરીવાલે રાજધાનીમાં વહેલી ચૂંટણીની માંગ કરીને કહ્યું હતું કે, જનતા જ્યાં સુધી મને પ્રામાણિકતાનું સર્ટિફિકેટ નહીં આપે ત્યાં સુધી મુખ્યમંત્રીની ખુરશી પર નહીં બેસું. કેજરીવાલના આ અણધાર્યા એલાનના ઘેરા રાજકીય પ્રત્યાઘાત પડયા છે. ભાજપે આ પગલાંને નાટક અને અપરાધના કબૂલનામા સમાન ગણાવ્યું હતું. રાજકીય જગતમાં ચર્ચા જગાવનારાં આ એલાન સાથે આમ આદમી પાર્ટીના સંયોજકે કહ્યું હતું કે, હવે જ્યાં સુધી જનતાની અદાલતમાં જીતી નહીં જાઉં, ત્યાં સુધી ફરી મુખ્યમંત્રીની ખુરશી પર નહીં બેશું. કેન્દ્ર સરકાર હવે ફેબ્રુઆરીમાં નહીં, પરંતુ નવેમ્બરમાં ચૂંટણી કરાવે. ચૂંટણી ન થઇ જાય, ત્યાં સુધી મારાં સ્થાને અન્ય નેતા મુખ્યમંત્રી રહેશે, તેવું તેમણે પક્ષ કાર્યાલયે કાર્યકરોને સંબોધતાં કહ્યું હતું. જનતા જ મત આપીને જીતાડશે પછી હું મુખ્યપ્રધાનની ખુરશી પર બેસીશ, તેવું કેજરીવાલે કહ્યું હતું. મુખ્યમંત્રી પદ માટેના દાવેદારોમાં  આતિશી અને સૌરભ ભારદ્વાજનાં નામ સૌથી આગળ છે. કેજરીવાલે કહ્યું હતું કે, મારા પર છે તે જ આરોપો મનીષ સિસોદિયા પર પણ છે. મનીષનું પણ કહેવું છે કે, ચૂંટણી જીત્યા પછી જ પદ સંભાળશે. તેમણે કહ્યું હતું કે, ભાજપે મારા પર બેઇમાની, ભ્રષ્ટાચારના આરોપ મૂક્યા છે. હવે જનતાની અદાલતમાં મારી ઇમાનદારીનો ફેંસલો થશે. હું અગ્નિપરીક્ષા આપવા માગું છું. પોતાને ક્રાંતિકારી લેખાવતાં કેજરીવાલે કહ્યું હતું કે, ભગતસિંહ પછી 90-95 વર્ષે આઝાદ ભારતમાં એક ક્રાંતિકારી મુખ્યમંત્રી જેલમાં ગયા.  `આપ' નેતા કેજરીવાલના એલાન બાદ ભાજપ નેતા મનજિંદરસિંહ સિરસાએ મોટો આરોપ મૂકતાં કહ્યું હતું કે, પોતાનાં પત્ની સુનીતા કેજરીવાલને  મુખ્યમંત્રી બનાવવા માટે ધારાસભ્યોને મનાવવાના ઇરાદે તેમણે રાજીનામું બે દિવસ પછી આપવાની વાત કરી છે. દિલ્હીમાં ભાજપ સાંસદ મનોજ તિવારીએ  કહ્યું હતું કે, અરવિંદ કેજરીવાલે પહેલાં જ રાજીનામું આપી દેવું જોઇએ. અદાલતે જ તેમને પદ પરથી હટાવી દીધા છે. કેજરીવાલ દાવ રમવામાં માહેર છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang