• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

કચ્છમાં કોમી વિભાજનના દુષ્ટ પ્રયાસ અસ્વીકાર્ય

ગણેશ ઉત્સવ અને ઇદેમિલાદુન્નબી જેવા મોટા પ્રસંગોએ ધાર્મિક માહોલ જામ્યો હોય ત્યારે કચ્છની કોમી એકતામાં પલિતો ચાંપવાના પ્રયાસ નિંદનીય અને ચિંતાજનક છે. દુંદાળા દેવ ગણેશજીની સ્થાપનાનો મહિમા ખૂબ વધ્યો છે. નવરાત્રિ કરતાંય વધુ વ્યાપક આયોજનો ગુજરાતભરમાં થવા લાગ્યાં છે. હજારો પરિવાર ઉમંગથી ગણેશ ચતુર્થી પર્વ ઊજવે છે અને એ દિવસો દરમ્યાન સુરત, વડોદરા બાદ કચ્છમાંય અસામાજિક તત્ત્વોએ `િવઘ્ન' નાખવાની કોશિશ કરી છે. નખત્રાણા તાલુકાના જડોદર (કોટડા)માં ગણેશજીની મૂર્તિ ખંડિત કરવામાં આવી, એટલું જ નહીં, લોહાણા સમાજનાં દેવકી મંદિર શિખર ઉપર લીલી ધજા ચડાવાઇ આ બનાવે ન માત્ર કચ્છ બલ્કે ગુજરાતભરમાં તીવ્ર પ્રત્યાઘાત જન્માવ્યા છે. કચ્છ કોમી એકતા માટે સુવિખ્યાત છે. ભૂતકાળના અનેક દાખલા આપી શકાય કે જ્યારે ગુજરાત કે દેશનો કોઇ પ્રાંત કોમવાદી હિંસાના દાવાનળમાં સળગતો હોય ત્યારે પણ કચ્છમાં શાંતિ જળવાયેલી રહી છે. આ મુલકની આ જ તાસીર છે. લોકો ભાઇચારાથી હળીમળીને રહેવા ટેવાયેલા છે. એટલે જ કચ્છની સંવાદિતા અકબંધ રહી શકી છે, પરંતુ હવેનો માહોલ સંવેદનશીલ છે. શાંતિના શત્રુઓને ભાઈચારો પસંદ નથી. નાના-મોટા ઉધામાંથી ખ્યાલ આવે છે કે, સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરીને નજીવા તણખામાંથી મોટી આગનો ભળકો કરવાની મેલી મુરાદ રાખનારા તત્ત્વો મોટાપાયે સક્રિય છે. કાયદો-વ્યવસ્થા સામે પડકાર ઊભો કરતાં નઠારા તત્ત્વોથી ચેતી જવાનો સમય છે. જડોદરના બનાવમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ચાર કિશોર સહિત આઠ જણની અટક કરી એ પૈકી મૌલાના અને ત્રણ અન્ય શખ્સના રિમાન્ડ મંજૂર થયા છે. ધાર્મિક સંસ્થા મદરેસામાંથી છરી અને છરા જેવા તીક્ષ્ણ હથિયાર મળવાની બાબત ચોંકાવનારી છે. આવી ઘટના પછી પણ કચ્છમાં એકંદરે શાંતિનો માહોલ જળવાયેલો છે, પરંતુ આંતરિક ધૂંધવાટ છે. સમજદાર લોકોએ શાંતિની અપીલ કરી છે એ આવકાર્ય છે, આ સમય સમજણ અને સંયમ દર્શાવવાનો છે, સાથે ચેતી જવાનુંય ટાણું છે. ગણેશ ભગવાનની મૂર્તિ સાથે ચેડાં કરવામાં સગીર છોકરાઓની સામેલગીરી અનાયાસ ઘટના છે કે ઇરાદાપૂર્વક બાળકો (કે મહિલાઓ)ને આગળ ધરીને માથું ઊંચકવાની `કાશ્મીરી પેટર્ન'ની કચ્છમાં પણ અજમાઇશ થઇ રહી છે એ તપાસનો વિષય છે. આવું હોય તો એને ભયજનક સંકેતો માનવા પડે. કોમી વૈમનસ્ય ફેલાવનારાં તત્ત્વો ફાવવાં ન જોઇએ, કચ્છ સરહદી ઇલાકો છે અને અહીંની સુરક્ષાના માપદંડ જુદા છે, સીમાવર્તી ક્ષેત્રની સંવેદનશીલતા જોખમમાં મુકાય એ કચ્છ, ગુજરાત કે દેશ માટે સારા ચિહ્ન નથી. દેશવિરોધી તત્ત્વો આવા જ છીંડા કે તકની રાહ જોતા હોય છે. એને કદી સફળ થવા ન દેવાં જોઇએ.પોલીસ તંત્ર અને સુરક્ષા એજન્સીઓ માટે સમાજના હિતચિંતકો માટે જાગવાનું આ ટાણું છે, તમામ ધર્મના તહેવારોનો સિલસિલો શરૂ થયો છે, ત્યારે હવે વધુ જરા સરખો કાંકરીચાળો જોખમી પુરવાર થઇ શકે છે. ગુજરાતના ગૃહખાતાંએ કચ્છના પોલીસ તંત્રને મજબૂત કરવાની જરૂર છે. પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લામાં ત્રણેક મહિનાથી એસ.પી.ની જગ્યા વણપૂરાયેલી છે. કચ્છ જેવા ક્ષેત્રમાં આવી અનિર્ણાયકતા ન ચાલે, રોગચાળો ડામવા માટે સરકાર ચિંતા કરે છે એ સારી વાત છે, પરંતુ ગુનાખોરી અને વૈમનસ્ય જગાવવાના ઉધામા કેન્સરથીયે મોટો રોગ છે એ રાજ્ય સરકારે યાદ રાખવું રહ્યું. કચ્છની જનતા શાંતિ ચાહનારી છે, એક-બીજાના ધર્મને માન આપનારી છે, બિનજરૂરી ઉશ્કેરણી અને કોમી તનાવ તો હંમેશાં સ્થાપિત હિતોનો ફાયદો ઉઠાવતા હોય છે એ રખે ભૂલાતું. આ સંજોગોમાં કચ્છની મહાન પરંપરા અને ભાઇચારાને લૂણો ન લાગે એ જોવાની સૌની ફરજ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang