• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

કિસાનોને લાભ : ગૃહિણીઓને ઝટકો

નવી દિલ્હી, તા. 14 : દેશના કિસાનોની આવક વધારવા અને કૃષિ ઉત્પાદનોને વૈશ્વિક બજારમાં મજબૂતી આપવા માટે આજે કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભર્યું હતું. બાસમતી ચોખાની નિકાસ પર લાગેલી લઘુતમ મૂલ્ય સીમાને મોદી સરકારે હટાવી કિસાનો અને નિકાસકારોને રાહત આપવાની સાથે ડુંગળીની નિકાસ પરની રોક હટાવવાનો નિર્ણય કરીને કૃષિ ક્ષેત્રમાં એક નવી દિશા આપવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે, સામાન્ય લોકોને મોંઘવારીનો ઝાટકો આપે તેવાં પગલાંમાં મોદી સરકારે ક્રૂડ ઓઈલ અને રિફાઈન્ડ ખાદ્યતેલો સનફ્લાવર, સોયાબીન પર કસ્ટમ ડયૂટી વધારી હતી. ઉલ્લેખનીય છે કે, આવનારા મહિનાઓમાં હરિયાણાની સાથે મહારાષ્ટ્રમાં પણ ચૂંટણી થવાની છે, ત્યારે સરકારના આ નિર્ણયથી આ રાજ્યના ખેડૂતોને મોટો ફાયદો થશે. બાસમતી ચોખાની નિકાસ પર લાગુ ન્યૂનતમ નિકાસમૂલ્ય (એમઈપી)ની સીમાને હટાવવાનો નિર્ણય કરાયો હોવાનું વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું. સરકારનું આ પગલું કિસાનોની આવક વધારવાના હેતુથી લેવામાં આવ્યું છે, જેનાથી દેશના મુખ્ય જી-આઈ ટેગવાળા બાસમતી ચોખાની નિકાસને વેગ મળશે. ડુંગળીના વધતા ભાવ પર અંકુશ લાવવા લઘુતમ નિકાસ સીમા હટાવતા ઉપરાંત નિકાસ ડયૂટી 40 ટકામાંથી ઘટાડીને 20 ટકા કરવામાં આવી હતી. સામાન્ય માણસ મોંઘવારીને લઈને સતત પરેશાન છે, ત્યારે કેન્દ્ર સરકારે વધુ એક ઝટકો આપતાં ક્રૂડ અને રોજિંદા જીવનમાં વપરાતા ખાદ્યતેલ પર કસ્ટમ ડયૂટી વધારવાનો નિર્ણય લીધો છે. આ વધારો સનફલાવર તેલ, પામ તેલ અને સોયાબીન તેલ પર કરવામાં આવ્યો છે. સરકારે જાહેર કરેલા નોટિફિકેશન અનુસાર ક્રૂડ ઓઈલ પર કસ્ટમ ડયૂટી 0થી વધારીને 20 ટકા કરવામાં આવી છે, જ્યારે ખાદ્યતેલ પર કસ્ટમ ડયૂટી વધારીને હવે 32.5 ટકા કરી દેવામાં આવી છે. નાણા મંત્રાલએ જાહેર કરેલા નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે, સરકારે ક્રૂડ ઓઈલ અને રિફાઈન્ડ સનફલાવર તેલ, પામ તેલ અને સોયાબીન તેલ માટે બેઝિક કસ્ટમ ડયૂટી વધારી છે. કસ્ટમ ડયૂટીમાં કરાયેલા ફેરફાર બાદ નવા દરો 14 સપ્ટેમ્બર 2024થી લાગુ થયા છે. ક્રૂડ ઓઈલ પર બેઝિક કસ્ટમ ડયૂટી 0થી વધારી 20 ટકા કરવામાં આવી છે, જ્યારે ખાદ્યતેલ પર તે કસ્ટમ ડયૂટી 12.5થી વધારી 32.5 ટકા કરવામાં આવી છે. બેઝિક કસ્ટમ ડયૂટીમાં વધારો કરાયા બાદ હવે ક્રૂડ ઓઈલ પ્રભાવી ડયૂટી વધીને  5.5 ટકાથી વધીને 27.5 ટકા અને ખાદ્યતેલ પરની પ્રભાવી ડયૂટી અનુક્રમે 13.75 ટકાથી વધીને 35.75 ટકા થશે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang