• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

ગાંધીધામના ટ્રાન્સપોર્ટરને વાહનો અપાવવાનું કહી 35 લાખની ઠગાઇ

ગાંધીધામ, તા. 14 : આદિપુરના એક ટ્રાન્સપોર્ટરને રાજસ્થાન આબકારી ખાતામાંથી વાહનો અપાવી દેવાની વાત કરી રૂા. 34,90,000 મેળવી બાદમાં ગાડી કે પૈસા પરત ન આપતાં બે શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. આદિપુર અર્બુદાનગરમાં રહેનાર રમેશ મેમા અવાડિયા (આહીર)એ રાજસ્થાનના સૂરજ નારાયણ શર્મા અને હિંમત શર્મા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ગાંધીધામ સેક્ટર-7, પ્લોટ નં. 7 માધવદર્શન બિલ્ડિંગમાં ચામુંડા રોડવેઝ નામની પેઢી ચલાવનારા ફરિયાદીના ડ્રાઇવર લતીફ દ્વારા રાજસ્થાન-સિરોહીના હિંમત શર્મા સાથે ઓળખાણ થઇ હતી. આ શખ્સ મોટાં વાહનોની લે-વેચ કરતો હોવાથી તથા ફરિયાદીને વાહનો ખરીદવા હોવાથી આ શખ્સનો સંપર્ક કર્યો હતો. આરોપીએ ફરિયાદીને  રાજસ્થાન બોલાવી વાહનો બનાવ્યા હતા. બાદમાં માઉન્ટ આબુમાં સૂરજ શર્મા સાથે ઓળખાણ કરાવી હતી. આ શખ્સે રાજસ્થાન આબકારી વિભાગ દ્વારા વાહનોની હરાજી થવાની છે, જેમાં પોતાનો સંપર્ક હોવાથી ગાડીઓ છોડાવી, કાગળિયા તૈયાર કરાવી આપવાની વાત કરી હતી. થોડા દિવસ બાદ ફરિયાદીએ આઠ ગાડીના ફોટા મોકલી તે લેવાની વાત કરી હતી, જે 46 લાખમાં લેવા અંગે સોદો થયો હતો, બાદમાં આરોપીએ ફરિયાદીને ફોન કરી આબકારી ખાતાંમાં આપવા માટે રૂા. 35 લાખ માગ્યા હતા, જેથી ફરિયાદીએ જુદી-જુદી તારીખે આ શખ્સનાં ખાતાંમાં રૂા. 34,90,000 મોકલી આપ્યા હતા. બાદમાં વાહનો કે પૈસા પરત ન  અપાતાં અંતે ફરિયાદીએ  ઠગાઇ, વિશ્વાસઘાતની કલમો તળે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang