• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

કચ્છના ભાવિ વિકાસને અવરોધતા પાયાના પ્રશ્નો સત્વરે ઉકેલો

ગાંધીધામ, તા. 15 : ગુજરાત દેશના ગ્રોથ એન્જિનમાં સરહદી કચ્છ જિલ્લાનું નોંધપાત્ર યોગદાન છે. સમયના બદલાતા પ્રવાહ વચ્ચે કચ્છે વિકાસની ગતિએ રફતાર પકડી છે. અલબત્ત, કચ્છના ભાવિ  વિકાસના સ્પર્શતા અનેક પાયાના પ્રશ્નો હજુ વણઉકેલાયા છે. આ પડકારજનક પ્રશ્નો સત્વરે નહીં ઉકેલાય તો વિકાસની ગતિને બ્રેક  લાગશે. રાજ્યની બીજા નંબરની અગ્રણી વેપારી સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝે વખતો વખત અનેક પ્રશ્નો મુદ્દે રજૂઆત કરી હતી, જે પૈકી કેટલાક પ્રશ્નો, કેટલીક બાબતોમાં હકારાત્મક અભિગમ પણ સાંપડયો છે. કચ્છમાં અનેક પ્રકારની વિપુલ પ્રમાણમાં તકો ધરબાયેલી છે. કચ્છના આર્થિક  વિકાસ અને સામાજિક પ્રગતિમાં તેને અનેક પડકારોનો સામનો કરવાનો વારો આવ્યો છે. આ માટે ગાંધીધામ ચેમ્બર દ્વારા કચ્છના ઉદ્યોગજગત અને વિકાસને સ્પર્શતા અનેકવિધ પ્રશ્નો અંગે કેન્દ્ર અને રાજ્ય સરકાર સમક્ષ સબળ રજૂઆતો કરી કચ્છના રુંધાતા  વિકાસના અવરોધ દૂર કરવા સહાયક ભૂમિકા ભજવી છે.  કચ્છનો ખાણ-ખનિજ ઉદ્યોગ રાજ્યની આર્થિક વિકાસની મજબૂત કડી છે. અબલત્ત, લીઝ પ્રક્રિયામાં વિલંબ અને ઈન્ફાસ્ટ્રક્ચર  માટે પૂરતાં સાધનોની  અછતને લઈને વિવિધ પ્રોજેક્ટ્સ અને ઉદ્યોગોમાં મંદીના એધાણ વર્તાયા છે. લીઝ પ્રક્રિયા  વધુ પારદર્શક  અને ઝડપી બનાવી  ખાણ-ખનિજ વિભાગ માટે ખાસ ઝોન  અને સુવિધાઓ વિકસાવી પર્યાવરણીય નિયમોનું કડક પાલન સુનિશ્ચિત કરવું ઘટે તેમ છે. એશિયાના સૌથી મોટા ટિમ્બર ઉદ્યોગને 18 ટકા જી.એસ.ટી. દરનો મુદ્દો કનડે છે. જી.એસ.ટી. દરમાં આઈ.જી.એસ.ટી. કાઢી બાકીમાં પણ રાહત સાથે પાંચ ટકા દર રાખવા, ટિમ્બર ઉદ્યોગ માટે  વિશેષ આર્થિક ઝોન શરૂ કરવા અને નિકાસને પ્રોત્સાહન  આપવા ટિમ્બર ઉદ્યોગકારોએ માંગ કરી હતી. ગાંધીધામ ચેમ્બર દ્વારા  ફર્નિચર પાર્ક સ્થાપવાની દરખાસ્તને અનુમોદન અપાયો  તો આર્થિક વિકાસને બેવડાવવા સાથે રોજગારીની તકો નિર્માણ પામશે. કચ્છની ઔદ્યોગિક પ્રગતિ માટે  મુખ્ય અવરોધકારી પરિબળોમાં નીતિઓની અસમંજસ અને જુદી-જુદી યોજનાઓની મંજૂરીમાં વિલંબનો સમાવેશ થાય છે. આ વિલંબથી   કેટલીક વખત પ્રોજેક્ટ્સના નામંજૂર થવાના કારણે અનેક મહત્ત્વપૂર્ણ ઓદ્યોગિક પ્રોજેકટ્સ અટકેલી સ્થિતિમાં છે. આ શિથિલ હેતુસર ઉદ્યોગોને અવરોધે છે. આ ઉપરાંત પરિવહન ક્ષેત્રે રેલવે અને રસ્તાની સુવિધામાં વધારો કરવો આવશ્યક છે. ભુજ અને કંડલા (ગાંધીધામ)ને અદ્યતન એરપોર્ટની તાતી આવશ્યકતા છે. જિલ્લામાં કોસ્ટલ હાઈવે નિર્માણનાં કામને ગતિ મળે તો ઉદ્યોગનો પરિવહન ખર્ચ ઘટશે અને પરિવહનની સુવિધામાં વધારો થશે.  મરીન ટૂરિઝમને વિકસાવવાની ક્ષમતા સાથે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસી માટે વિશાળ શકયતાઓ રહેલી છે. અબલત્ત, નીતિગત અવરોધો અને પારદર્શિકતાના અભાવે  પ્રવાસન ક્ષેત્રે પૂરતો વિકાસ થઈ શકયો નથી. સરહદી મુલકના સર્વાંગી વિકાસમાં શિક્ષણ અને આરોગ્ય સંલગ્ન સુવિધા હજુ ઘણો સુધાર માગે છે. નવા નવા ઉદ્યોગો અહીં રોકાણ માટે તૈયાર છે. રોજગારી અર્થે આવતા નવા નાગરિકોને  પાયાના પ્રશ્ને વિચારતા કર્યા છે. સીએનજી અને વીજપુરવઠાની અછત ઉદ્યોગોને વધુ પડતો ખર્ચ અને જોખમમાં મૂકે છે. લાંબા સમયથી નવું સી.એન.જી. નેટવર્ક સ્થાપવામાં વિલંબ થઈ રહ્યો છે. વાવાઝોડાં ક્ષેત્રમાં આવતા આ વિસ્તારને અવિરત વીજપુરવઠો  મળે  તે માટે અન્ડરગ્રાઉન્ડ કેબાલિંગ માટે પણ ચેમ્બર દ્વારા અવાજ ઉપાડવામાં આવ્યો છે. ચેમ્બર  વિકાસના અવરોધોને દૂર કરવા માટે સતત પ્રયત્નશીલ છે. ચેમ્બરે સરકાર  અને ઉદ્યોગોના સમર્થનમાં -વિકાસમાં  તથા જતનમાં  મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે. સમયાંતરે વિવિધ સંવાદો, સેમિનાર, વર્કશોપ યોજવામાં આવે છે. કચ્છ ઉદ્યોગોને તેમની આર્થિક સમુદ્ધિ તરફ આગળ વધારવા માટે આધારભૂત માધ્યમ બની રહ્યંy છે.  ચેમ્બર પ્રમુખ મહેશ પુજ, પૂર્વ પ્રમુખ તેજા કાનગડ, મંત્રી મહેશ તિર્થાણી તથા કારોબારી સભ્ય કચ્છના વિકાસના અવરોધના મુદ્દા માટે પ્રયત્નશીલ છે. ચેમ્બરના પ્રતિનિધિમંડળે કહ્યંy હતું કે, અહીંની સમસ્યાઓ જટિલ છે, પરંતુ અસાધ્ય નથી. સરકાર, ઉદ્યોગ જગત અને સ્થાનિક સમુદાયોના સંયુક્ત પ્રયાસોથી  તમામ પડકારોને અવસરોમાં ફેરવી શકાય છે. કચ્છના સર્વાંગી વિકાસ માટે લાંબા ગાળાની, સમગ્રલક્ષી અને ટકાઉ વિકાસ નીતિની જરૂર છે. આવી નીતિ થકી કચ્છને તેની પૂર્ણક્ષમતા સુધી પહોંચાડી શકાશે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang