કેન્દ્ર સરકારે દેશના વડીલોના આરોગ્યની સાર-સંભાળ સંદર્ભે એક
મહત્ત્વનો આવકારદાયક નિર્ણય લીધો છે. આયુષ્માન ભારત વડાપ્રધાન જન આરોગ્ય યોજના હેઠળ
70 વર્ષ અને તેનાથી વધુ વયના તમામ નાગરિકોને આરોગ્ય સારવાર માટે આર્થિક લાભ આપવાની
જાહેરાત કરી છે. સૌથી નોંધપાત્ર બાબત એ છે કે, આ યોજનાનો લાભ તમામ વડીલોને મળશે. આ
અગાઉ સરકાર એમ માનતી હતી કે, જે બુઝૂર્ગો આર્થિક રીતે સક્ષમ છે, તેઓ પોતાની સારવારનો
ખર્ચ પોતે જ ઊઠાવી શકે છે. હવે આ આર્થિક માપદંડને દૂર કરાયા છે. ઉલ્લેખનીય છે કે, આયુષ્માન
ભારત યોજના વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના છે અને તેમાં હવે દેશના તમામ બુઝૂર્ગ
નાગરિકોનો સામાવેશ થવાથી યોજનાનો વ્યાપ વધશે, તેની સાથોસાથ સ્વસ્થ સમાજના લક્ષ્યને
હાંસલ કરવામાં મોટી મદદ મળશે. આમ તો ભારત યુવાનોનો દેશ છે, પણ સાથોસાથ વડીલોની સંખ્યા
પણ દિવસોદિવસ વધી રહી છે. આવામાં બુઝૂર્ગોની
આરોગ્ય સલામતીની વ્યવસ્થા ઊભી કરવાનું અનિવાર્ય બની ગયું છે. તેમને ઢળતી ઉમરે સારી
આરોગ્ય સારવાર મળે તે દેશ માટે મોટી બાબત ગણી શકાય. હવે આ વડીલોને પાંચ લાખ રૂપિયા સુધીની સરવાર મળતી
થશે, તો વધતી ઉંમર સાથે બીમારીની સામે લડવામાં મોટી મદદ મળતી થશે. આપણા દેશમાં લગભગ
છ કરોડ વરિષ્ઠ નાગરિક છે, હવે તમામને આયુષ્માન યોજના હેઠળ આવરી લેવાતાં સરકારની આર્થિક
સક્ષમતાની પ્રતીતિ દેશ અને દુનિયાને થશે. અંદાજે 4.5 કરોડ પરિવારોને આ નિર્ણયનો સીધો
લાભ થશે. આંકડા બતાવે છે કે, મોંઘી સારવારના મસમોટા બિલને લીધે સંખ્યાબંધ પરિવારો ગરીબ
બની જતા હોય છે. કોઇને લોન લેવી પડતી હોય છે
અથવા કોઇને મિલકત વેચવાનો વારો આવતો હોય છે. હાલે દેશના 12 કરોડથી વધુ પરિવારને આયુષ્માન
ભારત યોજનાનો લાભ મળે છે, જે રીતે તેનો વ્યાપ વધી રહ્યો છે, તે જોતાં આગામી સમયમાં
અમુક ભારે ધનિક કે સક્ષમ વર્ગ સીવાય દેશની બાકીની તમામ વસ્તીને તેનો લાભ મળતો થઇ જશે. સરકારના બુઝૂર્ગો અંગેના નિર્ણયથી ભારે વેરા ભરતા
લોકોના મનમાં સરકારની સામાજિક જવાબદારી અંગેની વચનબદ્ધતા માટેનું માન વધી જશે, એમા
કોઇ શંકા જણાતી નથી. વળી દેશના આર્થિક વિકાસ વચ્ચે સમાજિક સુરક્ષાનું માળખું નબળું
પડી રહ્યાની છાપ સતત બળવત્તર બની રહી છે. આમ તો સરકાર પાસે આરોગ્ય વીમા પર લાગતા જીએસટીને
દૂર કરવાની માંગ પણ સતત થતી રહી છે. સરકારે હવે આ મામલે ગંભીરતા સાથે વિચાર કરીને હકારાત્મક
નિર્ણય લેવો જોઇએ. વળી આયુષ્માન ભારત હોય કે બીજી કોઇ પણ સામાજિક યોજના હોય તેના અમલીકરણ
માટે સરળ વ્યવસ્થા ગોઠવાય એ ખાસ જરૂરી છે.
આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓને કાર્ડ બનાવી આપવામાં સરળતા થયા તથા ખાનગી
હોસ્પિટલો સારવાર માટે ઇન્કાર ન કરે તે માટે યોગ્ય નિયમ બનાવાય, તો યોજનાનો લાભ વધુ
લોકો સુધી પહોંચી શકે. વળી દુર્ગમ વિસ્તારના
ગરીબ અને અભણ બુઝૂર્ગોને આ સંજીવની સમાન યોજના અને તેના લાભો અંગે માહિતગાર કરવા માટે
ખાસ કાર્યક્રમ હાથ ધરવાની પણ હવે જરૂરત રહેશે.