• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

ખેલદિલી માટે સજા

પેરિસ ઓલિમ્પિકમાં ચંદ્રક જીત્યા પછી પોડિયમ પર સેલ્ફી લેવી ઉત્તર કોરિયાના ટેબલ ટેનિસ ખેલાડીઓને ભારે પડી ગઈ છે. ગયા મહિને સંપન્ન થયેલા ઓલિમ્પિકમાં પોડિયમ પર ચંદ્રક વિજેતા સેલ્ફી લેતા દેખાયા હતા, પરંતુ ઉત્તર કોરિયાને એ મંજૂર નહોતું કે, તેમના ખેલાડી તેમના નંબર વન દુશ્મન દેશના ખેલાડીઓ સાથે પોઝ આપે અને સ્મિત વેરે. ઉત્તર કોરિયાના કિમ કુમ યાંગ અને રી-જોક-તિકને હવે તેની કિંમત ચૂકવવી પડી શકે છે. એક મહિના પછી તેમની વિરુદ્ધ તપાસ શરૂ કરવામાં આવી છે. બે દેશ વચ્ચે દુશ્મની હોઈ શકે છે, પરંતુ ત્યાંની જનતાને અને ખેલાડીઓને દુશ્મન દેશના લોકો અને ખેલાડીઓ સાથે કોઈ વેરઝેર નહોતું અને તેમાં પણ ખેલાડીઓ ઉત્સાહથી ભાગ લઈ પોતાના દેશ માટે ચંદ્રક મેળવી દેશનું નામ રોશન થવું જોઈએ, પણ અહીં તો ખેલાડીઓએ ફક્ત પોડિયમ પર ખેલદિલીથી દુશ્મન દેશના ખેલાડીઓના માથે પસ્તાળ પડી છે. રમતગમતના વિશ્વએ ભારે વિરોધ કરવો જોઈએ, જો ખેલાડીઓ પ્રત્યે આવું વર્તન દાખવવામાં આવે, તે ખેલદિલીની ભાવનાનું ગળું દબાવવા જેવું છે અને આવું થશે, તો ભવિષ્યમાં કોણ દેશ માટે ચંદ્રક લેવા ઉત્સાહ દાખવશે, તેનો ઉત્તર કોરિયાના શાસકોએ આપવો જોઈએ. બહુમાનના સ્થાને અત્યાચાર જ કહેવાય. એવોર્ડ પછી સજા થાય છે! ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતા કિમ જોંગના શાસનમાં અંધા કાનૂન-જેવી જ હાલત છે. કિમ જોંગ અસંવેદનશીલ અને ક્રૂર નેતા તરીકે જાણીતા છે. એમની જેટલી નિંદા કરવામાં આવે એટલી ઓછી જ લેખાશે. હાલમાં જ દુનિયાને હચમચાવી નાખે એવા સમાચાર આવ્યા છે કે, ઉત્તર કોરિયામાં લગભગ 30 અધિકારીને લાપરવાહી માટે જવાબદાર લેખી ફાંસી પર લટકાવી દેવામાં આવ્યા છે. ઉત્તર કોરિયામાં ભયંકર પૂરની સ્થિતિ હતી, જેના પગલે લગભગ 3000 લોકોનાં મોત થયાં હતાં. ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનએ અધિકારીઓને ભ્રષ્ટ માન્યા અને સજા સંભળાવી દીધી. બંધ યોજનાના નિર્માણમાં કોઈપણ પ્રકારની બેદરકારી જોવામાં આવી હોય, તો આ ગંભીર વાત છે અને બની શકે કે, ભ્રષ્ટાચાર થયો હોય. દુનિયાનો કોઈપણ કાયદો ભ્રષ્ટાચારીઓને બચાવવાની હિમાયત નહીં કરે, પણ ભ્રષ્ટાચાર માટે સીધો મૃત્યુદંડ આપવો ક્યાંનો ન્યાય છે ? સજા અને અત્યાચારમાં અંતર હોય છે, પણ ઉત્તર કોરિયાના આપખુદ કદાચ આ અંતર ભૂલી ગયા છે. આવી ભારે આકરી સજાની પરિપાટી સાથે તેઓ પોતાના દેશને ચલાવી રહ્યા છે, તેના લોકો પણ તેમને ક્રૂરતા માટે સદીઓ સુધી યાદ કરશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang