• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

વડાપ્રધાનની સિંગાપોર - બ્રુનેઇ યાત્રાનું વ્યૂહાત્મક મહત્ત્વ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બ્રુનેઇ અને સિંગાપોર યાત્રા કદાચ પ્રચાર માધ્યમોમાં જોઇએ એટલી ઉપસાવાઇ નથી, પરંતુ એનું મહત્ત્વ વિશેષ છે. દ્વિપક્ષીય વેપાર, મૂડીરોકાણ ઉપરાંત આસિયાન ક્ષેત્રમાં ચીનનાં વર્ચસ્વને પડકારવાના ઉદ્દેશમાં ભારત સફળ રહ્યું છે એમ કહી શકાય. નરેન્દ્ર મોદી દેશ - વિદેશની સત્તાવાર મુલાકાત દરમ્યાન પોતાના વિશિષ્ટ વ્યવહાર થકી છવાઇ જાય છે. બ્રુનેઇ - સિંગાપોરમાં સ્થાનિક ભારતીય સમુદાયે ઉત્સાહથી તેમનો સત્કાર કર્યો. બ્રુનેઇની રાજધાની બાંદર  સેરી બેગાવાન અને ચેન્નાઇ વચ્ચે સીધી વિમાનસેવા ઉપરાંત અંતરિક્ષ, જન - જન સંપર્ક વધારવા સહિતના મુદ્દે સમજૂતી કરી. પીએમ તરીકે મોદીની બ્રુનેઇની આ પહેલી યાત્રા. બંને દેશ તેમના રાજનૈતિક સંબંધોની 40મી વર્ષગાંઠ મનાવી રહ્યા છે, એવા સમયે મોદીની મુલાકાતે એ ક્ષેત્ર પર પ્રભાવ છોડયો છે. બ્રુનેઇ અને તેના સુલતાન અમીરાઇ માટે જગમશહૂર છે. ભારત જે રીતે  ઝડપી વિકાસ પામી રહ્યું છે, એ પ્રક્રિયામાં ગતિ જાળવવા માટે આસિયાન દેશોનો સહયોગ મહત્ત્વનો છે. ભારત બ્રુનેઇથી ક્રૂડતેલ, હાઇડ્રોકાર્બન, લોખંડ, પોલાદ, મેટલ, અણુભઠ્ઠી, બોઇલર્સ, વેટીકલ્સ જેવી ચીજો મગાવે છે. તો ભારતમાંથી ડેરી ઉત્પાદનો, ડ્રાયફ્રૂટ્સ, અનાજ, તેલ, કોસ્મેટિક્સ, એલ્યુમિનિયમ બ્રુનેઇ ખરીદે છે. એ દેશમાં  14 હજાર જેટલા ભારતીયો છે, જેમાં ડોક્ટર્સ, એન્જિનીયર્સ, શિક્ષકો, કુશળ કર્મીઓએ દેશ માટે યોગદાન આપી રહ્યા છે. બંને દેશ વચ્ચેના 25 કરોડ ડોલરના દ્વિપક્ષીય વેપારને હજુ ઘણો વધારી શકાય એવી સંભાવના પર બંને દેશની સરકાર કામ કરી રહી છે. પૂર્વ એશિયાઇ દેશ સિંગાપોર ભારતનો  છઠ્ઠા ક્રમનો વ્યાપાર ભાગીદાર અને વિદેશી મૂડીરોકાણ મેળવવાનો મોટો સ્રોત છે. મોદી છ વર્ષ બાદ સિંગાપોર ગયા. વડાપ્રધાન લોરેન્સ વોંગ સાથેની બેઠક દરમ્યાન સેમિ કન્ડક્ટર ડિઝાઇનિંગ, ઉત્પાદન, આરોગ્ય, કૌશલ્ય વિકાસમાં સહયોગ  સહિત ચાર કરાર પર સંમતિ સધાઇ છે. બિઝનેસ લીડર્સ સાથેની વાતચીતમાં મોદીએ કહ્યું કે તેઓ ભારતમાં અનેક સિંગાપોર બનાવવા માગે છે. ભારત - સિંગાપોર વચ્ચે આઝાદીકાળથી સારા સંબંધ છે. મોદી સરકારના કાર્યકાળ દરમ્યાન દ્વિપક્ષીય વેપાર બમણો થયો છે. આસિયાનમાં  સિંગાપોર મહત્ત્વનું ભાગીદાર હોવાથી ભારતને  ફાયદો થઇ શકે છે. ભારત સેમિ કન્ડક્ટર ક્ષેત્રમાં આગળ વધવા માગે છે. આ કામમાં સિંગાપોર મહત્ત્વનું યોગદાન આપવા સક્ષમ અને સજ્જ છે, કેમ કે તેને 20 વર્ષનો આ ક્ષેત્રનો અનુભવ છે. વૈશ્વિક સમીકરણો આજે ઝડપથી બદલાઇ?રહ્યાં છે, એવામાં ચાવીરૂપ રાષ્ટ્રો સાથેની નજદીકી ખૂબ જરૂરી છે. મોદી અને વિદેશમંત્રી એસ. જયશંકર આ દિશામાં સ્પષ્ટ રણનીતિ સાથે કામ કરી રહ્યા છે. અહીં મુદ્દો નિર્ધાર અને અમલનો પણ ઉપસ્થિત થાય છે. ભારતમાં અનેક સિંગાપોરનું નિર્માણ કરવાની વાત સૌને ગમે તેવી છે. નેવુંના દાયકાની આખરમાં મુંદરામાં ખાનગી અદાણી બંદર પ્રસ્થાપિત થઇ?રહ્યું હતું, ત્યારે કચ્છને ભારતનું સિંગાપોર બનાવવાની ગર્જના થઇ હતી. બેશક, આજે કચ્છ - મુંદરાનો અપ્રતિમ વિકાસ થયો છે, પરંતુ સિંગાપોર જેવું ગવર્નન્સ મોડેલ ખૂટે છે. બનારસને જાપાનનાં કયોટોની જેમ, અમદાવાદને ચીનનાં વુહાન જેવું વિકસાવવાની વાતો - જાહેરાતો થઇ હતી. સ્માર્ટ શહેર, સ્માર્ટ ગામ માટે નિર્ણયો લેવાયા, પણ આ મામલે આપણે ક્યાં છીએ એ બાબત આત્મમંથન માગી લે છે. વડાપ્રધાન અને તેમની સરકારે આવાં પાસાંઓ ઉપરે ધ્યાન આપીને કાર્યવાહી કરવી જોઇએ, તો દેશને ઈચ્છિત ફાયદો થશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang