• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

લોકોની આંખોમાં ધૂળ ન નાખો મમતાદીદી

પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ વિધાનસભામાં બળાત્કાર અને જાતીય ગુના સામે ફાંસીની જોગવાઈ કરતાં બિલને પસાર કરાવ્યું છે. રાજ્યના બળાત્કાર વિરોધી બિલમાં પીડિતાનું મોત થાય અથવા તો કોમામાં જતી રહે તો બળાત્કારના દોષિતો માટે મૃત્યુદંડની જોગવાઈ કરી છે. જાતીય હુમલાના અન્ય ગુનેગારો માટે પેરોલ અને ચુકાદા વિના આજીવન કારાવાસની પણ જોગવાઈ છે. પહેલાં કહેવામાં આવ્યું હતું કે, આવા કેસમાં સજા સંભળાવ્યા બાદ 10 દિવસની અંદર ફાંસી આપવામાં આવશે, પરંતુ પસાર કરવામાં આવેલાં બિલમાં આવો ઉલ્લેખ નથી. કોઈપણ સમજી શકે છે કે, આવો કાયદો સંભવ નથી. ન્યાય પ્રક્રિયાનું પાલન કર્યા વિના ફાંસીની સજાનો અમલ શક્ય નથી. કોઈને ફાંસીની સજા ત્યારે આપી શકાય જ્યારે ઉચ્ચતર ન્યાયતંત્ર મંજૂરી આપે. એની પણ નોંધ લેવી રહી કે દેશને હચમચાવી દેનારા નિર્ભયાકાંડના દોષીઓને ફાંસી આપવામાં આઠ વર્ષ લાગી ગયાં હતાં. વાસ્તવમાં 1 જુલાઈથી દેશમાં લાગુ ભારતીય ન્યાય સંહિતામાં પહેલેથી દુષ્કર્મ કે જઘન્ય ગુનાઓમાં ફાંસીની સજાની જોગવાઈ છે જ. વાસ્તવમાં પ. બંગાળની સરકારે હાલના કાયદામાં કડકાઈથી અમલ પર ભાર મૂકવો જોઈએ. મહિલાઓને સુરક્ષા આપવા, ગુનાઓની તટસ્થ તપાસ અને કાર્યવાહીમાં મમતા બેનરજી નિષ્ફળ રહ્યાં છે અને હવે સંશોધિત કાયદા લાવીને તેઓ લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. મમતા ખુદ મુખ્ય પ્રધાન છે, ગૃહવિભાગ તેમની પાસે છે, તો તેઓ કોની પાસેથી ન્યાય માગી રહ્યાં છે ? આ રાજકીય સ્ટન્ટ છે. કારણ કે, મમતાના નિર્ણય પાછળની મંશા કાયદો કડક બનાવવાની છે કે ઉદ્દેશ્ય ફક્ત રાજકીય છે ? સાધારણ દુષ્કર્મના ગુનામાં ફાંસી ન થઈ શકે. આવો કાયદો કોર્ટમાં નહીં ટકી શકે. કોઈ ગુના પર સજાના મુદ્દે કોર્ટની પાસે વિશેષાધિકાર હોય છે. આવા પ્રકારના કાયદાનો કોઈ અર્થ નથી રહેતો. ધ્યાન કાયદાના પાલન અને એ વાત પર હોવું જોઈએ કે, નવા કાયદામાં જલદી તપાસ અને જલદ ટ્રાયલ માટે જે સમયસીમા નિર્ધારિત છે તેનું કડકાઈથી પાલન કેવી રીતે થાય અને જો તેનું પાલન નથી થતું તો પરિણામ શું હશે ? ફક્ત એમ કહેવાથી નહીં ચાલે કે તારીખ પે તારીખ નહીં ચાલે કે 21 દિવસોમાં આવાં પ્રકરણોની તપાસ પૂર્ણ થશે. કારણ કે, ગંભીર પ્રકરણોમાં બંગાળ પોલીસની નબળી કામગીરી અનેક વેળા બહાર આવી છે. આથી દુષ્કર્મીઓને ફાંસીની સજાવાળું બિલ પસાર થયું છે તેનાથી યૌન ગુનેગારો હતોત્સાહિત થશે એમ કહેવું મુશ્કેલ છે. બિલ પસાર કરાવવાને લઈ મમતા સરકાર એવી છાપ ઊભી કરવા માગે છે કે, તેઓ  આવા ગુનાઓ પ્રતિ સંવેદનશીલ છે, બિલ લોકોની આંખમાં ધૂળ ફેંકે છે. કાયદાઓમાં ખામીઓ હોઈ શકે છે, પરંતુ એનાથી પણ ભયજનક છે બળાત્કાર પર થતી રાજનીતિ. બળાત્કારનો સામાન્ય રીતે રાજકીય ઓજારની જેમ ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ કોલકાતામાં કોઈ મહિલાના બળાત્કાર અને હત્યાના બનાવ બાદ જે વિરોધ હતો તે સ્વયંભૂ હતો અને તેને દબાવી દેવા ત્યાંની સરકારે શું પગલાં લીધાં તે સૌ જાણે છે. બળાત્કાર વિરોધી બિલ પસાર કરાવતાં પહેલાં મમતા બેનરજીએ તો બીજાં રાજ્યોમાં થયેલા બળાત્કારોનું આખું લિસ્ટ મૂકી દીધું હતું. તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને તમામ રાજ્યોના મુખ્ય પ્રધાનોનાં રાજીનામાંની માંગ કરી નાખી કે તેઓ મહિલાઓને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહ્યા છે. આમ મમતા રાજકારણ કરવાનું નહોતાં ચૂક્યાં. મહિલા બળાત્કાર અને હત્યા પ્રકરણમાં હજી ચિત્ર ધીમે ધીમે સ્પષ્ટ કરવાનો પ્રયાસ સીબીઆઈ કરી રહી છે, ત્યારે મમતા બેનરજીએ બળાત્કાર વિરોધી બિલને પાસ કરાવી લોકોની સહાનુભૂતિ મેળવવાનો બાલીશ પ્રયાસ કર્યો છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang