• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

હરિયાણામાં કોંગ્રેસ-આપ સાથે ?

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પોતાની સ્થિતિ મજબૂત હોવાનું માને છે અને વિશ્વાસ વ્યક્ત કરે છે કે, 10 વર્ષના વનવાસને ખતમ કરી સત્તામાં પાછી ફરશે. આમ છતાં રાહુલ ગાંધી કોઈ ચાન્સ લેવા માગતા નથી, તેથી આમ આદમી પક્ષ સાથે ગઠબંધનની ચર્ચા વેગ પકડી રહી છે. આમ આદમી પક્ષ અને કોંગ્રેસ હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં એકસાથે ચૂંટણી મેદાનમાં ઊતરી શકે છે. આ માટે બન્ને પક્ષોના વરિષ્ઠ નેતાઓ ગઠબંધનની સંભાવના શોધી રહ્યા છે. બેઠકો પર સમજૂતી થાય તો બન્ને પક્ષ ગઠબંધનની ઔપચારિક્તા પૂરી કરી શકે છે. બન્ને પક્ષ મતોના વિભાજનને રોકવાના પ્રયાસ કરી રહ્યા છે. લોકસભાની ચૂંટણીમાં પણ આમ આદમી પક્ષ અને કોંગ્રેસ વચ્ચે બેઠકોનો તાલમેલ બેસાડવામાં આવ્યો હતો. આમ આદમી પક્ષને કોઈ સફળતા નહીં મળવા છતાં ભાજપને મત ટકાવારીની દૃષ્ટિએ પાછળ રાખી શક્યા અને ભાજપને નુકસાન થયું હતું. હવે આ જ સમીકરણને વિધાનસભાની ચૂંટણીમાં અજમાવતાં ભાજપને ત્રીજી વેળા સત્તામાં આવતો રોકવા માટે બન્ને પક્ષ હાથ મિલાવવાની ફોર્મ્યુલા પર કામ કરી રહ્યા છે. આ પહેલાં આમ આદમી પક્ષ અને કોંગ્રેસે દિલ્હીમાં સાથે મળીને ચૂંટણી લડી હતી. આમ છતાં પણ તેઓ ભાજપને દિલ્હીમાં રોકવામાં નિષ્ફળ ગયા હતા. વાસ્તવમાં કોંગ્રેસ કોઈપણ કિંમતે હરિયાણામાં સત્તા મેળવવા માગે છે. ભૂપેન્દ્ર હૂડા સહિત તેમના તમામ નેતાઓને લાગે છે કે, આ વેળા રાજ્યનો ચૂંટણી માહોલ તેમના માટે અનુકૂળ છે. આમ આદમી પક્ષ સાથે સમજૂતી કરી થોડા પણ મતોનું વિભાજન થતાં રોકાય તેવી કોંગ્રેસની વ્યૂહરચના છે. આમ આદમી પક્ષે કોંગ્રેસ પાસે 10 બેઠકની માગ કરી છે, પણ કોંગ્રેસ પાંચ-સાતથી વધુ બેઠક આપે એમ લાગતું નથી. જો કે, સામા પક્ષે ભાજપ અને તેના નેતાઓએ પણ વિધાનસભા ચૂંટણીઓ માટે કમર કસી છે. સતત ચૂંટણી સભાઓ કરીને રાજ્યમાં પક્ષ માટે માહોલ બનાવવા પ્રયાસ કરી રહ્યા છે. ગઇ વિધાનસભા ચૂંટણીમાં માત્ર એક ટકો મત મેળવનારા આપ સાથે સમજૂતી કરી અને સાથે સમાજવાદી પક્ષ અને ડાબેરી પક્ષોને  પણ રાજ્યમાં ટિકિટ આપી કોંગ્રેસ એ સાબિત કરવા માગે છે કે, ઇન્ડિયા ગઠબંધનમાં કોઇ મતભેદ નથી. સરવાળે હૂડા, સૂરજેવાલા અને કુમારી શૈલજાના જૂથમાં વહેંચાઇ ગયેલી કોંગ્રેસ આ રીતે ટિકિટ વહેંચણી કરી અને ત્રણે જૂથ વચ્ચે સર્વસંમતી પણ સાધી શકશે. પક્ષના રાજ્યના પ્રભારી દીપક બાબરિયા પણ બંને પક્ષ વચ્ચે સીટ સમજૂતી થઇ જશે એ માટે આશ્વસ્ત છે. કોંગ્રેસે આ માટે એક કમિટી પણ બનાવી છે, જેમાં બાબરિયા સાથે અજય માકનને પણ સ્થાન અપાયું છે, તો સંગઠન મહાસચિવ વેણુગોપાલ, રાઘવ ચઢ્ઢા સાથે વાતચીત કરી રહ્યા છે. રાજ્યમાં ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પાંચમી સપ્ટેમ્બરથી શરૂ થશે, તે પહેલાં કોઇ નિર્ણય આવી જશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang