• રવિવાર, 07 જુલાઈ, 2024

ગાંધીધામમાં પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવાને ગળેફાંસો ખાઈ જીવ દીધો

ગાંધીધામ, તા. 3 : શહેરના ભારતનગર વિસ્તારમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ભાવિન ઠક્કર નામના યુવાને ગળેફાંસો ખાઈ લેતાં આદિપુરના બે શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. બીજી બાજુ આડેસરમાં ઊંચા વ્યાજદરે પૈસા આપી પઠાણી ઉઘરાણી કરનારા શખ્સ સામે ગુનો નોંધાયો હતો. શહેરના ભારતનગર વાલ્મીકિ નગરમાં રહી દશામા સાડી સેન્ટર નામની દુકાન ચલાવતા મિત્તલબેન ભાવિન ઠક્કરે આદિપુરના મોહિત ભાનુશાલી અને મયંક ગઢવી વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદીના પતિ શિવ ક્રેડીટ કા-ઓઁપરેટિવ સોસાયટી લિમિટેડ નામની સહકારી મંડળી ચલાવતા હતા અને ડોર ટુ ડોર વેપારીઓ પાસે નાની રકમની ઉઘરાણી કરતા હતા અને તે નાણાં અન્ય વેપારીઓને આપી બાદમાં જે રકમ આવતી તેમાંથી નાના વેપારીઓને વ્યાજ સાથે પરત આપવાના હતા, પરંતુ કોરોનાકાળમાં જે વેપારીઓને પૈસા આપ્યા હતા, તેમના ધંધા બંધ થઈ જતાં પૈસા પરત આવ્યા નહોતા, જેથી ભાવિન ઠક્કર પરેશાન રહેતો હતો. દરમ્યાન યુવાને આદિપુરના મોહિત ભાનુશાલી અને મયંક ગઢવી પાસેથી વ્યાજે પૈસા લઈ વેપારીઓ પાસેથી ડાયરી પેટેના લીધેલા પૈસા ચૂકવી આપ્યા હતા. બંને આરોપી પાસેથી બે લાખ લઈ દર મહિને વ્યાજ યુવાન ચૂકવતો હતો. છેલ્લાં ચાર-પાંચ વ્યાજ આપી શકતાં બંને આરોપીએ ભાવિનને બજારમાં રોકી તેને માર માર્યો હતો, ત્યાં તેનો નાનો ભાઈ રાહુલ આવતાં તેને પણ માર માર્યો હતો, જેના કારણે યુવાન માનસિક તણાવમાં રહેતો હતો. દરમ્યાન તા. 3/7/24ના યુવાને ગળેફાંસો ખાઈ  જીવનનો અંત આણ્યો હતો. બંને શખ્સ વિરુદ્ધ પોલીસે જુદી-જુદી કલમો તળે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજી બાજુ આડેસરમાં મેડિકલ સ્ટોર ચલાવતા બળવંત વિરમ મણકાએ ગામના પ્રવીણ કરશન રાજપૂત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીને દુકાનમાં સીબીસી મશીન વસાવવાનું હોવાથી આરોપી પાસેથી રૂા. એક લાખ આઠ ટકા વ્યાજે લીધા હતા, જે અંગે ફરિયાદીએ રૂા. 56000 ચૂકવી આપ્યા હોવા છતાં આરોપી વ્યાજના 50 હજાર અને મૂડીના એક લાખ માગતો હતો અને મેડિકલમાં આવી મશીન ઊપાડી જવા સહિતની પઠાણી ઉઘરાણી કરતો હતો. પોલીસે બનાવ અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang