• રવિવાર, 07 જુલાઈ, 2024

આડેસર નજીકથી પોલીસે ફિલ્મી ઢબે કારમાંથી દારૂ ઝડપી પાડયો

ગાંધીધામ, તા. 3 : રાપરના આડેસર નજીક ચેકપોસ્ટ પાસેથી પોલીસે ફિલ્મી ઢબે ચાર શખ્સને પકડી પાડી રૂા. 27,550નો અંગ્રેજી શરાબનો જથ્થો જપ્ત કર્યો હતો. આડેસરની સ્થાનિક પોલીસ ગત મોડી રાત્રે ચેકપોસ્ટ ઉપર વાહનોની ચેકિંગ કરી રહી હતી. દરમ્યાન એક 500 એક્સ.યુ.વી. કારમાં દારૂ હોવાની તથા અન્ય એક કાર તેનું પાઈલટિંગ કરતી હોવાની બાતમી પોલીસને મળી હતી. પોલીસે ચાંપતી વોચ ગોઠવી સાંતલપુર બાજુથી આવતી કારનંબર જી.જે.-10- બી.જી.-1511ને રોકી હતી. કારમાંથી કલ્યાણપુરા દેવભૂમિ દ્વારકાના રાહુલ કરશન ચાવડા (આહીર) તથા જામનગરના ભરત દેવાયત કરમોર (આહીર) નામના શખ્સોને પોલીસે પકડી પાડયા હતા. બંનેની પૂછપરછ કરાતાં એક્સ.યુ.વી. 500 કાર નંબર જી.જે.-10-બી.જી.-6500માં દારૂ હોવાનું તથા પોતે તે કારની પાઈલટિંગ કરતા હોવાની  કેફિયત પોલીસ સમક્ષ આપી હતી. પાછળ આવતી 500 કાર માટે પોલીસે ચેકપોસ્ટ પર બેરીકેડ આડા રાખી દીધા હતા, પરંતુ કારના ચાલકે બેરીકેડને ટક્કર મારી ડિવાઇડરમાં કાર ભટકાવી નાસી ગયો હતો. પોલીસે તેનો પીછો કર્યો હતો અને પોલીસ મથકે ફોન કરી કે.ડી.એમ. પેટ્રોલપંપ પાસે ધોરીમાર્ગ બ્લોક કરાવવા સૂચના આપતાં માર્ગને બ્લોક કરાતાં ટ્રાફિકજામ થતાં કારચાલક થંભી ગયો હતો, જેમાં પાછળથી આવેલી પોલીસે કારમાંથી કલ્યાણપુર દેવભૂમિ દ્વારકાના કાર્તિક દેવાનંદ ચાવડા (આહીર) તથા કરણ વીરા સોલંકી (ડફેર)ને પકડી પાડયા હતા. ગાડીમાંથી ઓફિસ ચોઇસની 750 મિ.લી.ની 3 બોટલ તથા જુદી જુદી બ્રાન્ડના 180 મિ.લી.ના ક્વાર્ટરિયા 265 એમ કુલ રૂા. 27,550નો દારૂ જપ્ત કરાયો હતો. ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી લખેલ દારૂ રાધનપુરના જયંતી ઠાકોર પાસેથી લઇ આવ્યા હતા, જે પૈકી અડધો માલ જામનગરના રિયાઝ મુસ્લિમ વાળાને આપવાનો હતો. હાથમાં આવેલા બે શખ્સોને પકડી પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang