• રવિવાર, 07 જુલાઈ, 2024

ઇંતજાર ખતમ : આજે ક્રિકેટવીરોની વાપસી

બ્રિજટાઉન (બારબાડોસ), તા. 3 : ટીમ ઇન્ડિયાનો સ્વદેશ વાપસીનો ઇંતઝાર આખરે ખતમ થયો છે. વિશ્વ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમ એર ઇન્ડિયાના બોઇંગ-777 વિશેષ ચાર્ટર ફલાઇટમાં આવતીકાલ ગુરુવારે સવારે 6-00 વાગ્યે દિલ્હી વિમાની મથકે પહોંચશે. ચાર્ટર ફલાઇટને એર ઇન્ડિયા ચેમ્પિયન 24 વર્લ્ડ કપ એવું નામ આપવામાં આવ્યું છે. ખેલાડીઓની વિજયી પરેડ બુધવારે સાંજે ચાર વાગ્યાથી મુંબઇમાં નરીમાન પોઇન્ટથી વાનખેડે સ્ટેડિયમ સુધી યોજાશે. ક્રિકેટરો ખુલ્લી બસમાં રમતપ્રેમીઓનું અભિવાદન ઝીલશે. ચાર્ટર વિમાનમાં ભારતીય ટીમ સાથે સપોર્ટ સ્ટાફ, ખેલાડીઓનો પરિવાર, બીસીસીઆઇના અધિકારીઓ અને ભારતીય મીડિયાકર્મી સ્વદેશ પરત ફરી રહ્યા છે. બેરિલ ચક્રવાતને લીધે ભારતીય ટીમ પાછલા ત્રણ દિવસથી બારબાડોસમાં ફસાયેલી હતી. સ્થાનિક સમય અનુસાર ભારતીય ટીમની ઉડાન બુધવારે સવારે 4-0 વાગ્યે રવાના થઇ હતી. ભારતીય ટીમ ગુરુવારે સવારે દિલ્હી પહોંચશે અને વિમાની મથકે ચાહકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત થશે. પછી ભારતીય ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફની સવારે 11-00 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની શુભેચ્છા મુલાકાતનું આયોજન થયું છે. મુલાકાત દરમિયાન પીએમ મોદી વિશ્વ વિજેતા ખેલાડીઓનું સન્માન કરશે. ભારતીય ખેલાડીઓએ પ્લેનમાં ટી-20 વર્લ્ડ કપ ટ્રોફી સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. કપ્તાન રોહિત શર્માએ ફોટો શેર કરવા સાથે લખ્યું છે કે ઘરે આવી રહ્યા છીએ.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang