• રવિવાર, 07 જુલાઈ, 2024

અદાણી પોર્ટ મુંદરાનો કાર્ગો હેન્ડાલિંગનો નવો વિક્રમ

મુંદરા, તા. 3 : અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિ. (એપીએસઈઝેડ) કામગીરીમાં સતત નવાં સિમાચિહ્નો હાંસલ કરી રહ્યું છે. એપીએસઈઝેડએ જૂન-2024માં કાર્ગો વોલ્યુમમાં ફરી એકવાર નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી નવા બેન્ચમાર્ક સ્થાપિત કર્યા છે. અદાણી પોર્ટ્સ-મુંદરાએ નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 51.2 મિલિયન મેટ્રિક ટન (એમએમટી) હેન્ડલ કરીને નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે, જે તેના અગાઉના રેકોર્ડ કરતાં 7.3 ટકાનો વધારો દર્શાવે છે. છેલ્લું સૌથી વધુ કાર્ગો હેન્ડાલિંગ વોલ્યુમ 47.7 એમએમટી હતું, જે નાણાકીય વર્ષ 2023-24ના ત્રિમાસિક ગાળામાં હાંસલ કરવામાં આવ્યું હતું. સિદ્ધિ ઉપરાંત અદાણી પોર્ટ્સ-મુંદરાએ કન્ટેનર ટ્રેન હેન્ડાલિંગમાં નવો વિક્રમ બનાવ્યો છે. જૂન 2024માં 1,594 કન્ટેનર ટ્રેન હેન્ડલ કરી જેમાં કુલ 1,68,000 કન્ટેનર મૂવમેન્ટ થયા હતા. રેકોર્ડ અગાઉના રેકોર્ડને વટાવી ગયો હતો. માર્ચ 2024 1,573 કન્ટેનર ટ્રેન હેન્ડલ કરી અને 1,62,000 કન્ટેનર મૂવમેન્ટનો વિક્રમ બનાવ્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે એપીએસઈઝેડની વાર્ષિક કાર્ગો વોલ્યુમ ક્ષમતા 12 ટકા વધીને 37 એમએમટી સુધી પહોંચી ગઈ છે. કામગીરી અંતર્ગત કન્ટેનરના જથ્થામાં વાર્ષિક 33 ટકાનો વધારો તેમજ પ્રવાહી અને ગેસ કાર્ગોમાં આઠ ટકાનો વધારો નોંધાયો છે. અદાણી ગ્રુપના પોર્ટ બિઝનેસના વોલ્યુમમાં વાર્ષિક 24 ટકાનો વધારો થયો છે, જેમાં 10 સ્થાનિક બંદરે તેમના અત્યાર સુધીના સૌથી વધુ કાર્ગો વોલ્યુમો રેકોર્ડ કર્યા છે. એપ્રિલ-2024માં કંપનીએ અત્યાર સુધીનું સૌથી વધુ માસિક કાર્ગો વોલ્યુમ 420 એમએમટી સંભાળ્યું હતું, જે વાર્ષિક ધોરણે 24 ટકાનો વધારો દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે, માર્ચ-2024માં 38 એમએમટી કરતાં વધુ માસિક વોલ્યુમ જોવા મળ્યું હતું. એક અહેવાલ પ્રમાણે મહિનાની શરૂઆતમાં એપીએસઈઝેડનું માર્કેટ કેપિટલાઇઝેશન આશરે 37 અબજ ડોલર સુધી પહોંચ્યું હતું, તે બેઇજિંગ-શાંઘાઈ હાઇ સ્પીડ રેલવે કંપનીને પણ વટાવી ગયું હતું. વધતા કાર્ગો વોલ્યુમના સીમાચિહ્નરૂપ આંક કંપનીના એસ એન્ડ પી બીએસઈ સેન્સેક્સ ઇન્ડેક્સમાં ઉપરની દિશા સૂચવે છે. એપીએસઈઝેડએ 31 માર્ચ-2024ના પૂરાં થતાં નાણાકીય વર્ષમાં ભારતના કુલ કાર્ગોના 27 ટકા અને કન્ટેનર કાર્ગોના 44 ટકાનું સંચાલન કર્યું હતું. અદાણી પોર્ટ્સે નાણાકીય વર્ષ 2024માં ભારતના તમામ કાર્ગો વોલ્યુમના ચોથા ભાગ કરતાં વધુનું સંચાલન કર્યું હતું. કંપનીના ઉત્કૃષ્ટ પરફોર્મન્સને જોતાં જાણીતા બ્રોકિંગ ફર્મ્સે અદાણી પોર્ટ્સના શેરોના ભાવમાં  ઊછાળો થવાની સંભાવનાઓ જોઈ રહ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang