• રવિવાર, 07 જુલાઈ, 2024

80,000ના એવરેસ્ટને સેન્સેક્સનો સ્પર્શ

મુંબઇ, તા. 3 : ફેડરલ રિઝર્વ દ્વારા ધિરાણદર કપાત થવાના સંકેતની અપેક્ષા સાથે મોટા શેરોમાં જોરદાર ખરીદી અને અમેરિકા, એશિયા અને યુરોપના બજારોમાં નક્કર ખરીદીના પગલે આજે સ્થાનિક શેરબજારમાં સૂચકાંકો નવી સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. સેન્સેક્સ આજે 545.35 પોઈન્ટ્સ વધ્યો હતો અને 79,986.80ના સ્તરે બંધ આવ્યો હતો, જ્યારે નિફ્ટી 162.66 અંક વધીને 24,286.50ના સ્તરે બંધ આવ્યો હતો. આમ, સેન્સેક્સ આજે દિવસ દરમ્યાન 80,000ના ઐતિહાસિક સ્તરને પાર થયા બાદ સહેજ ઘટીને બંધ થયો હતો, જ્યારે નિફ્ટીએ 24,300ની નજીક પહોંચીને નવું ઊંચું સ્તર બનાવ્યું હતું. આજે બેન્ક નિફ્ટી 921 પોઈન્ટ્સ વધી 53,089ના નવા ઊંચા સ્તરે બંધ આવ્યો હતો. આજે તેજીનું નેતૃત્વ કોટક બેન્કે લીધું હતું અને તેમાં ગઈકાલનો ઘસારો સરભર થઈને 2.27 ટકાનો ઉછાળો આવ્યો હતો. તે સાથે એચડીએફસી બેન્ક, એક્સિસ બેન્ક, ઈન્ડ્સઈન્ડ બેન્ક અને એસબીઆઈના શેર્સ પણ 1.5 ટકાથી બે ટકા જેટલા વધ્યા હતા. બીજી તરફ ટીસીએસ, ટાઈટન, રિલાયન્સ, તાતા મોટર્સ અને એલએન્ડટીના શેર્સ 0.25થી 1.6 ટકા જેટલા ઘટયા હતા. આજે બીએસઇમાં સૌથી વધુ સક્રિય રહેલા શેર્સમાં એસબીઆઈ, એચડીએફસી બેન્ક, ભારતી એરટેલ, કોટક બેન્ક અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ મુખ્ય હતા. બીએસઇ સ્મોલકેપ ઇન્ડેક્સ 1.03 ટકા વધીને બંધ આવ્યો હતો, જ્યારે મિડકેપ ઇન્ડેક્સ 0.79 ટકા વધ્યો હતો. પ્રોગ્રેસિવ શેર્સના ડિરેક્ટર આદિત્ય ગગ્ગરે આજની સમીક્ષામાં જણાવ્યું કે, મીડિયા સિવાય તમામ ક્ષેત્રના શેર્સમાં ખરીદી હતી, બેન્ક નિફ્ટીએ શ્રેષ્ઠ દેખાવ કર્યે હતો, જ્યારે મેટલ અને પીએસયુ ક્ષેત્રમાં શેર્સમાં નોંધપાત્ર ખરીદી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang