• રવિવાર, 07 જુલાઈ, 2024

કોંગ્રેસને બંધારણનો સૌથી મોટો શત્રુ લેખાવતા મોદી

નવી દિલ્હી, તા. 3 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી ઉપર જોરદાર પ્રહાર કર્યો હતો. રાજ્યસભામાં રાષ્ટ્રપતિનાં અભિભાષણ ઉપર ધન્યવાદ પ્રસ્તાવ ઉપર બોલતા પીએમ મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસે આમ આદમી પાર્ટીની ફરિયાદ કરીને તેને કોર્ટ સુધી લઈ જવામાં આવી. હવે જ્યારે કાર્યવાહી થઈ રહી છે તો મોદીને ગાળો આપવામાં આવી રહી છે. મોદીએ કોંગ્રેસ પાર્ટીને સવાલ કર્યો હતો કે, જે પુરાવા તેણે આમ આદમી પાર્ટી સામે આવ્યા હતા શું તે ખોટા હતા ? વડાપ્રધાને જણાવ્યું હતું કે, કોંગ્રેસ બંધારણનો સૌથી મોટો દુશ્મન પક્ષ છે. તે લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટા ખ્યાલ સાથેના આક્ષેપો કરે છે. 1977માં લોકોએ બંધારણને બચાવવા માટે તેમને (ઇન્દિરા ગાંધી)ને સત્તામાંથી બહાર કરી દીધા હતા. મોદીના પ્રવચન દરમ્યાન વિરોધ પક્ષો ગૃહત્યાગ કરીને જતા રહ્યા હતા. પીએમ મોદીએ બે કલાકના પ્રવચનમાં કહ્યું હતું કે, કેન્દ્રની તપાસ એજન્સી ઉપર આરોપ મૂકવામાં આવ્યા છે. કહેવાયું છે કે, સરકાર તપાસ એજન્સીનો દુરુપયોગ કરે છે. ભ્રષ્ટાચાર આપ કરે, શરાબ કૌભાંડ આપ કરે, બાળકોના ક્લાસરૂમ બનાવવામાં કૌભાંડ આપ કરે, આપની ફરિયાદ કોંગ્રેસે કરી, આપને કોર્ટમાં કોંગ્રેસ લઈ ગઈ અને હવે જ્યારે કાર્યવાહી થઈ રહી છે ગાળો મોદીને આપવામાં આવી રહી છે. હવે આપ અને કોંગ્રેસ પરસ્પર સાથીદાર બની ગયા છે. મોદીએ આમ આદમી પાર્ટીને કહ્યું હતું કે જો હિંમત હોય તો આપ સદનમાં ઊભા થઈને કોંગ્રેસનો જવાબ માગે. કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સમાં આપ વિરુદ્ધ પુરાવા દેશની સામે રજૂ કર્યા હતા. હવે કોંગ્રેસ બતાવે કે પુરાવા સાચા હતા કે ખોટા હતા. તેઓને વિશ્વાસ છે કે કોંગ્રેસમાં આવી બાબતો ઉપર જવાબ આપવાની હિંમત નથી. લોકોનું બેવડું વલણ છે. મોદીએ મણિપુરનો પણ ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, રાજ્યમાં ફરી શાંતિ સ્થપાઇ રહી છે, પણ વિપક્ષે આગમાં ઘી નાખવાનું કામ કર્યું છે. પેપર લીક મુદ્દે છાત્રોને ભરોસો અપાવતાં કહ્યું હતું કે, દોષિતોને સખત સજા આપવા માટે પગલાં ભરવામાં આવી રહ્યાં છે. જો કે, વિપક્ષે મામલે સૂચનો કરવાને બદલે માત્ર રાજનીતિ કરી છે, જે દુ:ખદ છે. એજન્સીઓને ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહીની છૂટ આપી દેવામાં આવી છે અને તેમાં સરકાર દરમિયાનગીરી કરશે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સદનમાં સંબોધન દરમિયાન કહ્યું હતું કે, ભારતની આઝાદીના ઈતિહાસમાં દશકો બાદ જનતાએ એક સરકારને ત્રીજી વખત તક આપી છે. અમુક લોકોને વાત પચી રહી નથી. છેલ્લા બે દિવસથી પોતે જોઈ રહ્યા છે કે આજકાલ પરાજય પણ સ્વીકાર થઈ રહ્યો છે અને ઓછા મને વિજય પણ સ્વીકાર થઈ રહ્યો છે. વિપક્ષ ઉપર પ્રહાર કરતાં કહ્યું હતું કે, 24 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઊજવવામાં આવે છે. જો કે, તેઓ હેરાન છે કે જે લોકો સંવિધાનની કોપી લઈને કૂદી રહ્યા છે તેઓએ બંધારણ દિવસનો વિરોધ કરતાં કહ્યું હતું કે, 26 જાન્યુઆરી છે તો સંવિધાન દિવસ કેમ લાવ્યો. અમુક સભ્યો કહી રહ્યા છે કે, ભારત ત્રીજી અર્થવ્યવસ્થા બનશે તેમાં શું છે. કામ આપોઆપ થવાનું છે. મોદીએ કહ્યું હતું કે, આવા લોકો રિમોટ સરકાર કે ઓટો પાઈલટ સરકાર ચલાવવાના આદી છે. તેનો કામ કરવામાં વિશ્વાસ નથી કરતા, પણ એનડીએ સરકાર પરિશ્રમમાં કોઈ કમી છોડી રહી નથી. પીએમ મોદીએ કહ્યું હતું કે, દિલ્હીમાં ઈડી-સીબીઆઈની કાર્યવાહી ઉપર હંગામો કરવામાં આવે છે અને લોકો એજન્સી સમક્ષ કેરળના મુખ્યમંત્રીને જેલ ભેગા કરવાની વાત કરે છે. છત્તીસગઢમાં કોંગ્રેસ સરકારના મુખ્યમંત્રી સાથે શરાબ કૌભાંડ સંબંધિત છે. આમ આદમી પાર્ટીના લોકો વારંવાર કહી રહ્યા હતા કે ઇડી-સીબીઆઇ લગાડી દેવામાં આવે અને મુખ્યમંત્રીને જેલમાં મોકલવામાં આવે ત્યારે ઇડી સામે કોઈ વાંધો નહોતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang