• રવિવાર, 07 જુલાઈ, 2024

સુખપરમાં એક્ટિવા સ્લીપ થતાં ફસડાયેલા દાદી-પૌત્ર ઉપર ટ્રકનાં પૈડાં યમદૂત બની ફરી વળ્યાં

ભુજ, તા. 3 : તાલુકાના સુખપર ગામમાં સવારના અરસામાં માનકૂવાથી ભુજ તરફ આવી રહેલી એક્ટિવા સ્લીપ થતાં તેના પર સવાર માનકૂવાના મંજુલાબેન વાલજી ગોરસિયા (.. 55) અને તેમનો 1 વર્ષનો પૌત્ર તન્મય દીનકર ગોરસિયા બાજુમાંથી પસાર થતી ટ્રક નીચે આવી જતાં ગંભીર ઈજાના પગલે બંનેનાં કમકમાટીભર્યાં મોત થયાં હતાંસીસીટીવીમાં કેદ થયેલી ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. બનાવના પગલે પરિવાર સહિત પટેલ ચોવીસીમાં અરેરાટી વ્યાપી હતી. પોલીસે આપેલી વિગતો મુજબ, હતભાગી મંજુલાબેન તેમના ભત્રીજાવહુ તથા પૌત્ર સાથે  કોઈ કામ અર્થે એક્ટિવા લઈને માનકૂવાથી ભુજ આવી રહ્યા હતા. દરમિયાન, સુખપર ગ્રામ પંચાયત સામેના માર્ગ પર બમ્પ આવતાં તેમનું વાહન સ્લીપ થયું હતું અને મંજુલાબેન તથા તન્મય પટકાયા હતા. તે વેળાએ બાજુમાંથી પસાર થતી ટ્રકના પાછળના પૈડાં તેમના પર ફરી વળ્યાં હતાં. કરુણ બનાવમાં બંને દાદી-પૌત્ર ગંભીર રીતે ઘવાયા હતા. બનાવ સમયે લોકોનાં ટોળાં એકત્ર થયાં હતા અને બંનેને સારવાર માટે તાત્કાલિક ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા, જ્યારે સાથે રહેલા અન્ય મહિલાને ઓછી-વત્તી ઈજાઓ પહોંચી હતી. એક કુટુંબના એકસામટા બે સભ્યનાં કરુણ મોતથી પરિવાર તથા ગામ અને પટેલ ચોવીસીમાં શોક છવાયો હતો. માનકૂવા પોલીસે માર્ગ અકસ્માત અંગે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang