• રવિવાર, 07 જુલાઈ, 2024

લોકસભામાં મોદી વિ. રાહુલ : કોંગ્રેસી માનસિક્તા પર પ્રહાર

રાષ્ટ્રપતિનાં અભિભાષણ બદલ આભાર પ્રસ્તાવની ચર્ચામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર અને ભાજપ પર પ્રહારો કરીને હિન્દુત્વ, ડરાવવાની રાજનીતિ, નીટ પરીક્ષામાં પેપર લીક, અગ્નિવીર અને મણિપુરના મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો અને `િહન્દુ હિંસા'ના બેફામ આક્ષેપ કરીને વડાપ્રધાન મોદી પર આક્ષેપો કેન્દ્રિત કર્યા હતા. બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈંટનો જવાબ પથ્થરથી આપતા હોય તેમ રાહુલ ગાંધીની બાળબુદ્ધિ અને બાલિશ હરકતોની મજાક ઉડાવીને કોંગ્રેસને `પરોપજીવી' કહી છે. વિકાસની રાજનીતિને ખોરંભે પાડવાની કોંગ્રેસની નીતિ-રીતિનો એમની ભાષામાં જડબાતોડ જવાબ અપાશે, એવી ચીમકી પણ ઉચ્ચારી છે. વડાપ્રધાન મોદીએ કોંગ્રેસી ઘાતક માનસિક્તા પર કઠોર પ્રહાર કર્યા છે. ઉપરાંત હિન્દુ ધર્મને બદનામ કરવા માટે આજ સુધી કયાં- કેવાં કારસ્તાન રચ્યાં તે પણ ખુલ્લાં પાડયાં છે. મુંબઈ પર 26/11નો જે આતંકવાદી હુમલો થયો તે હિન્દુ આતંકવાદીઓએ કર્યાનું દાખવવા માટે પુરાવા પણ તૈયાર કરવામાં આવ્યા હતા. તુકારામ ઓમ્બલેએ જીવની પરવા નહીં કરતાં કસાબને જીવતો પકડયો એટલે પાક પુરસ્કૃત આતંકવાદી હુમલો હતો તે દુનિયા સમક્ષ ખુલ્લું પડયું હતું. સોનિયા ગાંધીના કાર્યક્રમમાં હિન્દુ ધર્મ પર કોંગ્રેસે પ્રહાર કર્યા એટલે ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ નિર્મૂલન કરવાનું આહ્વાન કર્યું હતું, ભુલાય એમ નથી. વડાપ્રધાને કોંગ્રેસની હિન્દુ વિરોધી માનસિક્તા ખુલ્લી પાડતાં કહ્યું કે, દેશ તેમને ક્યારે પણ માફ નહીં કરે, મોદીના વિધાનની અતિશય ગંભીરતાથી નોંધ લેવી રહી. હિન્દુ પરંપરા, સમાજની ટિંગલબાજી કરનારી કોંગ્રેસની `ઈકોસિસ્ટમ'ની ફેશન છે. લોકસભાની ચૂંટણી દરમિયાન જાહેર સભામાં બોલતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, હિન્દુ-મુસ્લિમ એવો કોઈ ભેદ નથી. મારા માટે બધા સમાન છે. લોકસભામાં વિપક્ષી કોંગ્રેસ નેતાએ કરેલા આક્ષેપો અંગે હિન્દુ સમાજે આત્મચિંતન કરવું જોઈએ, એમ સંસદમાં જણાવે ત્યારે મુદ્દો કેટલો ગંભીર છે તે ધ્યાનમાં આવે છે. અહીં નોંધનીય છે કે, રાષ્ટ્રપતિનાં અભિભાષણ પર ચર્ચામાં રાહુલ ગાંધીએ કહ્યું છે કે, ખુદને હિન્દુ કહેનારા લોકો હિંસા કરે છે. મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીને ભાષણ કરતાં વચ્ચે રોકતાં કહ્યું, આખા હિન્દુ સમાજને હિંસા સાથે જોડવો યોગ્ય નથી. ગૃહપ્રધાન અમિત શાહે પણ રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કરતાં કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ નિવેદન માટે માફી માગવી જોઈએ. રાહુલ ગાંધી અને કોંગ્રેસ માટે હિન્દુ-હિન્દુત્વ `સોફ્ટ ટાર્ગેટ' છે. કંઈ પણ બેફામ બોલવા છતાં આપણું કંઈ નુકસાન નહીં થાય એવું રાહુલનાં મગજમાં ઠસાવી દેવાયું છે અને સમજ હિન્દુઓની અતિસહિષ્ણુતા ખરી ઠેરવે છે ! ભાજપના નેતાઓ કહે છે કે, દેશને સ્વાતંત્ર્ય મળ્યું ત્યારથી કોંગ્રેસે મુસ્લિમોનાં મનમાં હિન્દુ બાબત દહેશત નિર્માણ કરવાનો પ્રયાસ કર્યો છે. વગર કારણે હિન્દુઓની બદનામી કરવાની અને તેમનાં મનમાં દ્વેષનાં બીજ વાવવાં, કામ કોંગ્રેસે કર્યું છે અને હજી પણ તે આગળ વધારી રહી છે. કોંગ્રેસનું કારસ્તાન દેશના નાગરિકો જાણી ચૂક્યા છે, આથી છેલ્લાં દસ વર્ષથી કોંગ્રેસ કેન્દ્રની સત્તામાંથી બહાર છે. ઉત્તરપ્રદેશ જેવાં અનેક મોટાં રાજ્યોમાંથી પણ હદપાર છે. રાહુલના લોકસભામાં આક્રમક તેવરની પ્રચાર માધ્યમોમાં નોંધ લેવાઇ, પરંતુ એમણે વિપક્ષી નેતાના પદને છાજે એવું વર્તન કરવું જોઇએ. દરમ્યાન રાહુલ ગાંધીએ હિન્દુઓ ઉપર કરેલા અપમાનાસ્પદ આક્ષેપ યોગાનુયોગ છે કે કોઈ પ્રયોગની તૈયારી. તે બાબતે હિન્દુ સમાજે હવે વિચાર કરવો પડશે, એવું મોદીએ કરેલું વિધાન પણ હિન્દુઓને સાવધાન રહેવાની ચેતવણી આપે છે. ધર્મના આધાર પર કોંગ્રેસે દેશનું પહેલાં વિભાજન કર્યું છે. હવે જાતિના આધાર પર, પ્રાદેશિક આધાર પર ફૂટ પાડવાના મનસૂબા પણ મોદીએ ખુલ્લા પાડયા છે. બંધારણ બચાવવા કોંગ્રેસને મતદાન કરો એવો અપપ્રચાર કરવામાં આવ્યો હતો. તથાપિ, બંધારણે ફરી ભાજપને સત્તા આપી. વિરોધીઓના ગેરમાર્ગે દોરતા પ્રચારનો ભોગ બનશો નહીં, એમ પણ મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે. આવતાં પાંચ વર્ષમાં કોંગ્રેસ કેટલા નીચા સ્તરે જશે, તેનો સંકેત રાહુલ ગાંધીએ આપ્યો હોય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેનો જડબાતોડ જવાબ આપતાં કોંગ્રેસી માનસિક્તાનો પર્દાફાશ કરેલો ચહેરો, સામાન્ય જનતાને વિચાર કરવા મજબૂર કરનારો છે. રાષ્ટ્રપતિનાં અભિભાષણના જવાબમાં શાસક અને વિપક્ષના શાબ્દિક જંગમાં કોંગ્રેસનો પોતાને `સેક્યુલર' ગણાવવાનો નકાબ ઊતરી ગયો છે અને હિન્દુ વિરોધી, વોટ બેન્કની નીતિ - માનસિકતા છતી થઈ છે. દંભી સેક્યુલરવાદનાં સ્થાને હવે સ્પષ્ટ કોમવાદી વોટ બેન્કની વકીલાત થઈ રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang