• રવિવાર, 07 જુલાઈ, 2024

લંડન લોર્ડસમાં કચ્છની ક્રિકેટ ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું

કેરા (તા. ભુજ), તા. 3 : જ્યાં ક્રિકેટનો જન્મ થયો તેવા બ્રિટનના વિશ્વ વિખ્યાત લોર્ડસ ક્રિકેટ ગ્રાઉન્ડ પર લંડન સ્થિત કચ્છનીઓની ટીમને રમવા તક મળી હતી. કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો. કચ્છના હિજરતી ઇતિહાસમાં નવી પેઢી રમતગમત ક્ષેત્રે સ્થાન મજબૂત કરી રહી છે. તાજેતરમાં યુગાન્ડામાં કચ્છ ક્રિકેટ ક્લબને 50 ઓવરની રાષ્ટ્રીય મેચો રમવા મંજૂરી અપાઇ તે સમાચાર તાજા છે, ત્યાં લંડનથી આકર્ષક સમાચાર પ્રાપ્ત થયા છે. જે મેદાન ઉપર રમવા વિશ્વના કોઇપણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર આતુર રહેતા હોય છે. ત્યાં કચ્છની યુ.કે. સ્થિત નવી પેઢીને સ્થાન મળ્યું છે. કલેસ્ટોન, ફિન્સોલ એડવાઇઝર, રાબડિયા કન્સ્ટ્રકશન કચ્છી મૂળના વ્યવસાયિકો છે. તેની ટીમો રમી હતી. જેમાં કચ્છના યુવા ખેલાડી જોડાયા હતા. જેમાં અરવિંદ વાઘજિયાણીએ સળંગ 4 બોલમાં 4 ચોગ્ગા સાથે મેદાન ગજવ્યું હતું. ફાઇનલમાં પહોંચેલી ટીમમાં તેનું યોગદાન રહ્યાનું લંડનથી કલ્યાણ ટપ્પરિયાએ ઉમેર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, વીવીએસ લક્ષ્મણ સહિતના પૂર્વ ખેલાડીઓ સાથે કચ્છી યુવાઓના સારા સંબંધ રહ્યા છે, જેના કારણે પણ મહત્ત્વ મળી રહ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang