• રવિવાર, 07 જુલાઈ, 2024

કચ્છમાં અનુ. જાતિના લોકોની જમીનોના પ્રશ્નો ઉકેલાતા નથી

ભુજ, તા. 3 : રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના ચેરમેન કિશોરભાઇ મકવાણાને દિલ્હીમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ સમાજના પ્રશ્નો બાબતે રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી. ગુજરાત સહિત કચ્છ જિલ્લામાં ટોચમર્યાદા ધારા હેઠળ મળેલી જમીનોના સ્થાનિક કબજા સોંપવાની કામગીરી, એટ્રોસીટી એક્ટ હેઠળ ફરિયાદો, સમાજ કલ્યાણ સંચાલિત હોસ્ટેલોમાં સુવિધાઓ જેવી અનેક બાબતો અંગે રજૂઆતમાં વિલંબ થતો હોવા અંગે ચેરમેન શ્રી મકવાણા સમક્ષ રજૂ કરતાં સામાજિક કાર્યકર નરેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં ટોચમર્યાદા ધારા હેઠળની સૌથી વધુ જમીનો કચ્છ જિલ્લામાં આપવામાં આવેલી છે. જમીનો રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે. ભુજ, ભચાઉ, રાપર, અંજાર, અબડાસા તાલુકામાં અનુસૂચિત જાતિ ખેતી સામુદાયિક સહકારી મંડળી લિ.ને હજારો એકર જમીનો ફાળવવામાં આવી છે પરંતુ માત્ર રેકર્ડ કાગળ ઉપર ઉપલબ્ધ છે. આજે આવી જમીનો જે ભૂમાફિયાઓ, માથાભારે ઇસમોએ ગેરકાયદેસર દબાણો કર્યા છે. જમીનોના રેકર્ડ જેવા કે 7/12, 8-, હાળીમાજી, ટિપ્પણ, સુડબૂક, વિગોટીની પહોંચ, જિલ્લા કલેક્ટરના હુકમ સહિતના રેકર્ડ ઉપલબ્ધ હોવા છતાં પણ વહીવટી તંત્ર દ્વારા સ્થાનિકે મંડળીના સભાસદોને જમીનોના પ્રત્યક્ષ કબજા સોંપવામાં આવતા નથી. અનેક વખત રાજ્ય સરકાર, જિલ્લાના વહીવટી તંત્રને રજૂઆત, ધરણાઓ કર્યા બાદ પણ થોડી ઘણી જમીનોના કબજા સોંપવામાં આવ્યા છે. હજી હજારો એકરના કબજા સોંપવામાં આવ્યા નથી. ઉપરાંત એટ્રોસીટીના વધતા કેસોમાં પણ પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે અનુસૂચિત જાતિના લોકોને ફરજિયાત આંદોલન કરવા પડતા હોય છે. ચેરમેને જણાવ્યું હતું કે, બાબતે પોતે ટૂંક સમયમાં કચ્છ જિલ્લામાં આવશે અને કચ્છ જિલ્લા કલેક્ટર અને વહીવટી તંત્ર સાથે બેઠક કરશું તથા પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે. લખન ધુઆ સહિત અન્યો સાથે જોડાયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang