• રવિવાર, 07 જુલાઈ, 2024

બંગાળમાં વધતી અરાજકતા

પશ્ચિમ બંગાળની બદતર બની રહેલી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ ને વધુ ચિંતાજનક બનાવતા બનાવો સતત સામે આવતા રહ્યા છે. તાજેતરમાં ઉત્તરી દિનાજપુરમાં એક મહિલા અને પુરુષને જાહેરમાં માર મારવાના બનાવે વધુ એક વખત મમતા બેનર્જી સરકારની નિષ્ફળતા છતી કરી છે. મળતા અહેવાલ મુજબ આડા સંબંધોના આરોપસર એક ગામમાં સભા બોલાવાઇ હતી. લગ્નેતર સંબંધ રાખવા બદલ મહિલા અને પુરુષને સૌની સામે જાહેરમાં ઢોરમાર મારવામાં આવ્યો હતો. ચોંકાવનારા બનાવનો એક વીડિયો સામે આવતાં દેશભરમાં ભારે ચકચાર જાગી છે. ચિંતાની બાબત છે કે, સમગ્ર બનાવમાં પોલીસે કોઇ દરમ્યાનગીરી કરી હોવાનું ક્યાંય જણાયું નથી. બનાવમાં આરોપ મૂકવા અને સજા આપવાના એકપક્ષીય ગેરકાયદે કૃત્યની સામે નજરે જોનારાઓએ મૌન સેવવાનું પસંદ કર્યું હતું. ખેરખર તો પોલીસની નિષ્ફળતા અને લોકોના મૌનથી ગુનાહિત માનસિક્તા ધરવાતા શિરજોર તત્ત્વોની હિંમત બેલગામ બની હતી. ઉલ્લેખનીય છે કે, બનાવની વિગતો સામે આવતાંની સાથે માર મારનારો સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસનો કાર્યકર હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. જો કે, વાતો બહાર આવતાંની સાથે મમતા બેનર્જીના પક્ષે ગુનેગાર સાથે પોતાને કોઇ સંબંધ હોવાનો ખુલાસો કરીને હાથ ઊંચા કરી દીધા છે, પણ સત્તાધારી પક્ષની ઓથ વગર કોઇ ગુનેગાર આવી હિંમત કરે માની શકાય તેમ નથી. કોઇપણ લોકશાહી વ્યવસ્થામાં બંગાળ જેવા રાજ્યની આવી હાલત ખરા અર્થમાં ચિંતા વધારે તેવી છે. બનાવે બતાવી આપ્યું છે કે, ગુનેગારોને સરકાર કે પોલીસ કોઇનો ડર રહ્યો નથી. દિનાજપુરના બનાવ જેવા ભીડની હિંસાના બનાવોની સંખ્યા સતત વધી રહી છે. પોલીસ તંત્ર પણ સ્વીકારે છે કે, રાજ્યમાં આવી રીતે જાહેરમાં ભીડ દ્વારા માર મારીને મોત નીપજાવવાના ચાર કિસ્સા નોંધાઇ ચૂક્યા છે. આના પરથી જણાઇ આવે છે કે, પશ્ચિમ બંગાળના લોકો કાયદો હાથમાં લેવાને હવે સામાન્ય બાબત ગણતા થઇ ગયા છે. રાજ્યમાં સંખ્યાબંધ સ્થળોએ ખાપ પંચાયત જેવી અદાલતો મળવા લાગી છે, જેમાં લોકો આરોપ અને સજા નક્કી કરે છે. સ્થિતિ ખરેખર રાજ્યમાં અરાજકતા વધી રહી હોવાની સાબિતી પૂરી પાડે છે. કિસ્સા સામે આવતાંની સાથે પોલીસ સહિતનાં તંત્રો ત્વરિત કાર્યવાહી કરીને પોતાની કાબેલીયત છતી કરતા હોય છે, પણ લોકોમાં કાયદાનો ડર રહે એવી આગોતરી તકેદારી રાખવા પર કોઇ ધ્યાન અપાતું હોવાની કમનસીબી સતત છતી થયા કરે છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang